બોમ્બે હાઈકોર્ટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ કમિશનર લલિત મોદી પર ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. આ દંડ તેમની અરજી પર લાદવામાં આવ્યો હતો, જેમાં મોદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા લાદવામાં આવેલ ₹ 10.65 કરોડનો દંડ ચૂકવવાની માંગ કરી હતી. કોર્ટે આ અરજીને “નિરર્થક અને અયોગ્ય” ગણાવીને ફગાવી દીધી હતી.
કોર્ટે અપનાવ્યું કડક વલણ
જસ્ટિસ એમએસ સોનક અને જસ્ટિસ જિતેન્દ્ર જૈનની બેન્ચે લલિત મોદીની અરજી ફગાવી દીધી અને કહ્યું કે BCCIની કોઈ સાર્વજનિક જવાબદારી નથી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ લાદવામાં આવેલ દંડ ચૂકવવા માટે BCCIને દબાણ કરવું અયોગ્ય છે. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, “આ અરજી વ્યર્થ છે. તેને ફગાવી દેવામાં આવે છે અને અરજદાર પર ₹1,00,000 નો દંડ લાદવામાં આવે છે. આ રકમ ટાટા મેમોરિયલ હોસ્પિટલને આપવામાં આવશે.”
“કોર્ટે કહ્યું, ‘અરજીકર્તા પર ED દ્વારા લાદવામાં આવેલા દંડના સંદર્ભમાં કથિત વળતરનો મામલો જાહેર કાર્યો સાથે સંબંધિત નથી. તેથી, આ મામલે BCCIને કોઈ નિર્દેશ (રિટ) જારી કરી શકાય નહીં. વધુમાં , અરજદાર દ્વારા માંગવામાં આવેલી રાહત સંપૂર્ણપણે ખોટી અને અયોગ્ય છે. BCCIને આ રકમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ચૂકવવા માટે એક રિટ જારી કરવાની માંગ છે.
શું છે મામલો?
આ મામલો 2009માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી IPL સાથે સંબંધિત છે, જેમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)નું ઉલ્લંઘન કરીને 243 કરોડ રૂપિયાથી વધુની રકમ ભારતની બહાર મોકલવામાં આવી હતી. 2018 માં, EDએ આ કેસમાં BCCI અને તત્કાલીન પ્રમુખ એન શ્રીનિવાસન સહિત અનેક પક્ષો પર કુલ 121.56 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. જેમાં લલિત મોદી પર 10.65 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.