જ્ઞાનેન તુ તત્ અજ્ઞાનમ યેષમ નાશિતમ આત્મન: II
તેષામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત પરમ II 5/16 II
અર્થ : જેનું પોતાનું અજ્ઞાન જ્ઞાનથી નાશ પામેલું છે, તેઓનું જ્ઞાન સૂર્યની માફક તે ઉત્તમ પરમાર્થ તત્ત્વને પ્રકાશિત કરે છે.
અજ્ઞાનનો નાશ કરવાની વાત કરેલી છે. મનુષ્યને જ્ઞાન ત્યારે જ થાય છે કે જ્યારે તેના અજ્ઞાનપણાનો નાશ થઇ ગયો હોય. જ્ઞાન થવું એટલે સદ્બુદ્ધિ આવવી. દુર્બુદ્ધિ નષ્ટ થાય અને વ્યક્તિ સારાં સારાં કર્મ કરવા લાગે એટલે માનવું કે તેનામાં સદ્બુદ્ધિ આવી. બુદ્ધિ તો દરેકમાં હોય છે, પણ આપણે તો સદ્બુદ્ધિ અથવા તો જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છીએ.
અજ્ઞાનનો નાશ ક્યારે થાય? જો તમે સારા ગ્રંથનું અધ્યયન કરતા હો, ગુરુજન પાસે સતત જતા હો, કોઇ સદ્ગુરુનું શરણ સ્વીકાર્ય હોય તો એ તમને તમારી અજ્ઞાનતા દૂર કરવામાં મદદરૂપ થઇ શકે છે. એકલા બેસી રહેવાથી કશું પ્રાપ્ત થતું નથી. જ્યારે મનમાંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઇ જાય છે ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ પણ કંઈક અંશે બદલાઇ જાય છે. તેના ચહેરા ઉપર પણ જ્ઞાનની ચમક વર્તાય છે. જ્ઞાની થવાથી તે પરબ્રહ્મ રૂપી પરમાત્માના તત્ત્વને પામી શકે છે. અહીં પરમ તત્ત્વને – પરમાર્થ તત્ત્વને પ્રકાશિત કરે છે એમ લખ્યું છે અર્થાત્ તેનાં સાક્ષાત્ દર્શન કરી શકાય છે. પરબ્રહ્મના પ્રકાશના પુંજથી તે વ્યક્તિનું જીવન પણ તેજોમય બની જાય છે અને અંતે તે પ્રભુમાં સમાઈ જઈને સદાયની શાંતિ પ્રાપ્ત કરી લે છે.
તદબુદ્ધય તદાત્માન: તન્નિષ્ઠા તત્પરાયણા: II
ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ જ્ઞાનનિર્ધૂતકલ્મષા: II5/17II
અર્થ : તે પરબ્રહ્મમાં જેમની બુદ્ધિ સ્થિર થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે. તેમનામાં જ તેમની સંપૂર્ણ નિષ્ઠા છે. તેઓ તેમના જ પારાયણ બની જાય છે. જ્ઞાન વડે જેમનાં પાપકર્મ નાશ પામે છે તેઓ જન્મ-મરણના ચક્કરમાં પડતા નથી.
ભગવાનમાં જેની બુદ્ધિ સ્થિર થઇ જાય છે પછી તેને બ્રહ્મ એટલે કે આત્માની ઓળખ થઇ જાય છે. આત્મા તે જ પરમાત્મા. બ્રહ્મ એટલે જ પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે બ્રહ્મથી પણ પર અથવા તો બ્રહ્મથી પણ ઉપરનું ચેતનાતત્ત્વ. એ પણ ઈશ્વરના એક સ્વરૂપની જ વાત છે. જેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જુદાં જુદાં સર્જન, સંવર્ધન અને સર્વનાશનાં પ્રતીકાત્મક સ્વરૂપ છે, પણ અંતે તો સમગ્ર જગત અને બ્રહ્માંડને નિયંત્રિત કરનાર એક જ તત્ત્વ છે તેવું આપણે સ્વીકારીને જ ચાલીએ છીએ તે જ અર્થમાં અહીં જ્ઞાન થવાથી બુદ્ધિ પ્રભુમાં સ્થિર થઇ જ જાય છે તેમ સમજી લેવું. તે આત્મા ત્યારપછી પ્રભુ સિવાય બીજા કોઇ ચૈતન્ય તત્ત્વનો વિચાર પણ કરતો નથી.
આમ થવાથી તેનાં જનમોજનમનાં તમામ પાપકર્મ દૂષિત કર્મ નાશ પામે છે. આપણે જેને લખચોરાશીના ફેરા કહીએ છીએ તેવા ફેરાના ચક્કરમાંથી તે આત્મા કાયમને માટે છૂટી જાય છે. જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશ આવે એટલે અંધકાર ગાયબ. આ સ્થિતિમાં કોઇ પાપકર્મનું કે તે અંગેના વિચારનું પણ અસ્તિત્વ રહેતું નથી. જ્ઞાની થવાથી બુદ્ધિ સ્થિર થાય છે અને આત્માની પરમાત્મા પ્રત્યેની નિષ્ઠા એટલી બધી વધી જાય છે કે તે ઈશ્વર સિવાય બીજું કશું જ વિચારતો નથી.