- માણસને માણસ કરડે તો પણ એનો ઈલાજ તુલસીના `માનસ’માં છે અને એની ઔષધીનું નામ છે કરુણા
એક નગરમાં એક નવી હોસ્પિટલ બની; વિચારથી પણ નવી અને એમાં કેટલાક નવાનવા પ્રયોગો કરવામાં આવતા હતા. છાપાંમાં એ હોસ્પિટલની જાહેરાત આવી. એ જાહેરાતમાં એક વાત ખાસ લખવામાં આવી હતી કે, આ હોસ્પિટલની વિશેષતા એ છે કે એમાં દર્દીના બેડ નીચે અમે લખીને જણાવીએ છીએ કે, દર્દીને આ દર્દ છે, એને આ દવા આપવામાં આવે છે અને આટલા દિવસમાં દર્દી રોગથી મુક્ત થઈ જશે, ચિંતા કરશો નહીં. આ વાંચીને એક યુવકને એ હોસ્પિટલ જોવાની જિજ્ઞાશા થઈ. એ યુવક ટેક્સી કરીને સીધો હોસ્પિટલ પહોંચ્યો. રૂમ નં. એક, ત્યાં જઈને જોયું તો લખ્યું હતું, આ દર્દીને વીંછી કરડ્યો છે. યોગ્ય સમયે દવાઓ આપવામાં આવે છે. ત્રણ દિવસમાં દર્દીને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવશે. ચિંતાનું કોઈ કારણ નથી. દર્દી શાંતિથી સૂતો હતો. બીજા રૂમમાં જાય છે. ત્યાં પણ એક દર્દી સૂતો છે. ત્યાં લખ્યું હતું, આ દર્દીને સાપ કરડ્યો છે. ઝેર ચડ્યું છે. ચિંતા થાય છે, પરંતુ કોઈ ગંભીર વાત નથી. દર્દીને પંદર દિવસ રહેવું પડશે. ત્રીજા રૂમમાં ગયો તો યુવકે જોયું કે દર્દી બેડમાં કૂદાકૂદ કરી રહ્યો હતો! પોતાનાં બાળકોને મારી રહ્યો હતો! ત્યાં લખ્યું હતું, આ દર્દીને હડકાયું કૂતરું કરડ્યું છે અને મામલો જરા ગંભીર છે. છતાં પણ અમે આશા રાખીએ છીએ કે આટલાં ઈન્જેક્શન પછી દર્દીને રાહત થશે અને એક અઠવાડિયામાં રજા આપી શકાશે. ચિંતાનું કોઈ કારણ નથી. યુવક ચોથા રૂમમાં ગયો. દર્દી ભયંકર ચિલ્લાતો હતો! એના શરીર સાથે જોડેલાં બધાં સાધનો તોડી નાખતો હતો! એના બેડ નીચે લખ્યું હતું, આ માણસને માણસ કરડ્યો છે અને એના ઈલાજની કોઈ આશા નથી! મામલો ખૂબ જ ચિંતાજનક છે!
વીંછી કરડે તો ઈલાજ થઈ શકે છે. સાપ કરડે તો ઈલાજની સંભાવના છે. હડકાયું કૂતરું કરડે તો એનો પણ ઈલાજ છે, પરંતુ જ્યારે માણસને માણસ કરડે છે ત્યારે મોટાભાગે એનો ઈલાજ અસંભવ છે. હું આપને નિવેદન કરવા માગું છું કે એનો ઈલાજ આ વાર્તામાં તો નથી બતાવાયો, પરંતુ હું જવાબદારી સાથે કહું છું કે માણસને માણસ કરડે તો પણ એનો ઈલાજ તુલસીના `માનસ’માં છે અને એની ઔષધીનું નામ છે કરુણા. એ ખૂબ જ ઉપયોગી ઔષધિ છે. તુલસી સ્વયં લખે છે –
બિબુધ બૈદ ભવ ભીમ રોગ કે, સદ્ગુરુ ગ્યાન બિરાગ જોગ કે
કરુણા એક એવી ઔષધિ છે કે જે માણસને માણસના કરડવાથી બચાવી શકે છે. પછી કરડવાની પ્રક્રિયા બોમ્બ દ્વારા થતી હોય, તલવાર દ્વારા થતી હોય કે શબ્દો દ્વારા થતી હોય! જ્યાં આપણી શ્રુતિઓ કહે છે, `વયં અમૃતસ્ય પુત્રા:’ જ્યાં ભગવાનની કથાના સંદર્ભમાં ગોપીઓ કહે છે, `તવ કથામૃતમ્.’ જ્યાં બુદ્ધજનોનાં વચનોને `અમૃતવચન’નું નામ અપાયું છે, ત્યાં આપણે આવા કેમ થઈ ગયા? કદાચ દુનિયાએ કરુણા છોડી દીધી અને દુનિયા કઠોર થતી ગઈ! ફરીથી આપણે આ ઔષધિનો ઉપયોગ કરવો પડશે.
તમે વિચારો, બુદ્ધની કરુણા અને ભગવાન મહાવીર સ્વામીની કરુણા! જે તીર્થંકરના કાનમાં ખીલા ઠોકવામાં આવે છતાં પણ એમની કરુણામાંથી પ્રગટેલી અહિંસા અકબંધ જ રહે છે. ન કોઈ પ્રતિભાવ, ન કોઈ પ્રતિક્રિયા! મૂળમાં કરુણા જ એક ઔષધિ છે. `માનસ’માંથી એક ચિત્ર તમારી સામે રજૂ કરીને કરુણા વિશેની વાતો મૂકવા માગું છું. એ દૃશ્ય છે `અયોધ્યાકાંડ’નું. રામવનવાસ થઈ ચૂક્યો છે. ભગવાન રામના વિરહમાં મહારાજ દશરથજીએ પ્રાણત્યાગ કર્યો છે. મોસાળથી ભરતજી આવ્યા. ભરતજી બહુ જ દુ:ખી છે. માને પણ ન કહેવાનું કહે છે! સૌ ભરતને સમજાવે છે. પિતાના સંસ્કાર થયા. ત્યારબાદ રાજ્ય કોને સોંપવું એનો નિર્ણય કરવા સભા યોજાઈ. ભરત અધિકારી છે; પરંતુ ભરતે એવી દલીલો કરી કે વશિષ્ઠથી માંડીને બધાં ચૂપ થઈ ગયા! બધાં સમજી ગયા કે ભરત સત્તાનો માણસ નથી, સતનો માણસ છે. એની સામે કોઈ દબાવ ન કરવો જોઈએ. સમગ્ર જનતા સાથે ભરતજી ચિત્રકૂટની યાત્રાએ નીકળે છે.
તો ભરત ચિત્રકૂટ આવે છે. બહુ જ પ્રેમપૂર્ણ પ્રસંગ. ભગવાન રામ અને ભરત મળ્યા. પ્રભુ સૌને મળ્યા. પછી ચિત્રકૂટના એ વિસ્તારમાં સૌને માટે રહેવાની, ફલાહારની વ્યવસ્થા થઈ. અયોધ્યાનો નિર્ણય શું કરવો એ અંગેની સભાઓ થાય છે. અસમંજસતા હતી. એ વખતે જનક જેવા પરમ જ્ઞાની પુરુષ આવે છે. એ પણ પ્રેમદશામાં આવે છે. જ્યારથી જનકજીએ ચિત્રકૂટગિરિનું દર્શન કર્યું છે ત્યારથી રથ છોડી દીધો છે. જનક ઉઘાડાપગે જઈ રહ્યા છે. આખો મિથિલાનો સમાજ આવ્યો છે. ભગવાન રામ પ્રણામ કરે છે અને સૌની આગેવાની લઈને ભગવાન એ જનક સમાજને લઈ જાય છે. ગોસ્વામીજી કહે છે, જનકરાજનો જે સમાજ છે એ એક પ્રવાહ છે અને ભગવાન રામનો ચિત્રકૂટ આશ્રમ સમુદ્ર છે. શું ભર્યું છે એ આશ્રમમાં? શાંતરસ. આ છે તુલસીની કવિતા! સમુદ્ર શાનો છે? શાંત રસનો. સમુદ્ર તો અયોધ્યા પણ છે. તુલસીએ એને પણ અંબુધિ કહ્યો છે, પરંતુ ત્યાં શાંત રસ નથી. ત્યાં ઉત્પાત છે! ચિત્રકૂટ તો શાંત રસનો સમુદ્ર આખો ભરેલો રહે છે, પવિત્ર જળથી પરિપૂર્ણ હોય છે અને એ જળનું નામ છે શાંત રસ. સાગર તરફ નદીઓ આવે છે. જનકની સાથે આવેલી આખી સેના, આખો સમાજ જાણે કે કરુણાની નદી લાગે છે. ભગવાન રામને થયું કે ગંગા ધસમસતી આવી રહી છે, એને જો યોગ્ય માર્ગદર્શન નહીં આપવામાં આવે તો ગંગા વિનાશ કરી શકે છે. ભગવાન રામને લાગ્યું કે કરુણાની નદી જો શાંતરસરૂપી સાગરમાં નહીં ભળે તો આ કરુણા અનેક લોકોને મારી નાખશે.
પ્રભુ કરુણાની નદીનું માર્ગદર્શન કરી રહ્યા છે. કરુણાની નદી એટલી વહી રહી છે કે પ્રભુને કંટ્રોલ કરવી પડે છે! નદીના બંને કિનારાને તોડી નાખ્યા. ગોસ્વામીજી કહે છે, જ્ઞાન અને વૈરાગ્યના કિનારાને કરુણાએ તોડી નાખ્યા. જ્યારે વ્યક્તિના જીવનમાં એવી કોઈ ઘટના ઘટે છે અને વ્યક્તિનું હૃદય કલ્પાંત કરવા લાગે છે, ત્યારે એટલો સમય એનાં જ્ઞાન-વૈરાગ્ય ખોવાઈ જાય છે. મોટામોટા વૈરાગીઓ પણ રડવા લાગે છે. મોટા મોટાનું જ્ઞાન થોડા સમય માટે ખંડિત થઈ જાય છે!
કરુણારસની નદી જ્ઞાન-વૈરાગ્યના કિનારાને તોડી દે છે, પરંતુ જેની કરુણા દૃષ્ટિ આપણને મળી જાય, કરુણાનું એટલું પૂર કોઈ બુદ્ધપુરુષ દ્વારા આપવામાં આવી જાય તો તાકાત નથી, કોઈ પણ વિષમ પ્રવાહ આપણા જ્ઞાન-વૈરાગ્યના કિનારાને તોડી શકે. મને એવું સમજાઈ રહ્યું છે કે કરુણાને અનુગ્રહના રૂપમાં, કૃપાના રૂપમાં જોઈએ કે કોઈએ આપણા પર કરુણા કરી તો પછી આપણું જ્ઞાન પણ અકબંધ રહેશે, વૈરાગ્ય પણ અકબંધ રહેશે. સદ્ગુરુની કરુણા જેમના પર હશે એમના આશ્રિત ક્યારેય પણ જ્ઞાનચ્યૂત નહીં થાય, વૈરાગ્યચ્યૂત નહીં થાય. ગુરુકૃપાદૃષ્ટિ જેમને મળી છે એમના જ્ઞાન-વૈરાગ્યના કિનારા સલામત રહેશે. સાચા ગુરુનો સાચો આશ્રિત ક્યારેય વિવેક નહીં ચૂકે; એમનો ભીતરી વૈરાગ્ય અકબંધ રહેશે. સદ્ગુરુની કૃપાથી સાધકનું ધૈર્ય અખંડ રહે છે. અહીં કરુણરસની, આક્રંદની ધારામાં ધૈર્ય તૂટી જશે, પરંતુ જેમના પર સદ્ગુરુની કૃપા હશે એવા સાધકનું ધૈર્ય ક્યારેય તૂટશે નહીં. આપણને કોઈની કરુણાદૃષ્ટિ મળી જાય તો આપણું જ્ઞાન અખંડ થઈ જાય છે અને ધૈર્ય ક્યારેય તૂટતું નથી.
કોઈની કરુણાથી જો કોઈ વિદ્યા પ્રાપ્ત કરે છે તો એમની વિદ્યારૂપી નૌકા ક્યારેય ડામાડોળ થતી નથી. કોઈની કરુણામાં જીવી જવું કેટલું સારું છે! બાળક સ્કૂલે જાય છે તો સ્કૂલબેગ, વોટરબેગ બધું એની મા રાખે છે, બાળકને કંઈ જ નથી કરવું પડતું. એવી રીતે આપણા જીવનની બેગ પણ કોઈ ઉઠાવી લે છે. જો ભરોસો દૃઢ હોય તો આપણે દયનીય સ્થિતિમાં ક્યારેય નથી મુકાતા.