મતદાન સામે મુખ્ય ત્રણ પડકાર : કાળઝાળ ગરમી,ક્ષત્રિ આંદોલન, પાટીદાર મતોનું વિભાજન
આજે સોમવાર. આજની રાત કતલની રાત.આવતી કાલે દેશની લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબકકાનું મતદાન થનાર છે. જેમાં ગુજરાત સહિત અનેક રાજયોનો સમાવેશ થાય છે. દેશમાં ભાજપ શાસિત અનેક રાજયોમાં મતદાનની ટકાવારી પાંચ થી સાત ટકા ઘટી છે. આ માટે બે તબકકામાં મુખ્ય કારણ ગરમી અને મતદાનો નિરશતા જેને વિપક્ષો એન્ટીઇનકમ્બન્સી ગણાવે છે તે કારણભૂત છે. ગુજરાતમાં આવતી કાલે જે મતદાન થનાર છે તે મહતમ થાય તે સતાધારી ભાજપ માટે મહત્વનું છે. કારણ કે વધુ મતદાનમાં વિરોધનો સૂર દબાઇ જાય છે. તેને સતાધારી અને લોકપ્રિય પક્ષ તરફી મતદાન ગણવામાં આવે છે.
આવતી કાલે મતદાન વચ્ચે હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ દિવસ કાળઝાળ ગરમીની આગાહિ કરવામાં આવી છે. જે બપોરે બાર વાગ્યાથી સાંજના ચાર –પાંચ વાગ્યા સુધીના મતદાનને માટે મોટો પડકાર છે. આથી સવારના ૧૧ વાગ્યા સુધીમાં મોટા પ્રમાણમાં મતદાન થાય તેના ઉપર ભાજપ સહિતના પક્ષોનો ભાર રહેશે.
રાજકોટ બેઠક ઉપર અંદાજે રર લાખ મતદાર છે. જેમાથી સૌથી વધુ મતદાર કોળી સમાજના આશરે સાડા ત્રણ લાખથી વધુ છે. બીજા નંબરે લેઉવા પાટીદાર મતદારોની સંખ્યા ત્રણ લાખ આસપાસ અંદાજાય છે. જયારે કડવા પાટીદાર મતદારો અંદાજે દોઢ લાખથી વધુ છે. આ ઉપરાંત ઓબીસી,બ્રાહમણ,લોહાણા મતદારની સંખ્યા પણ નોંધપાત્ર છે.
છેલ્લા થોડા દિવસોથી સંઘ ભાજપની સંકલન ટીમે મતદાનની વ્યુહરચના ઉપર કામકાજ શરુ કરી દીધુ છે. મીટીંગોના દોર બાદ પેજ પ્રમુખ અને બુથ વોટીંગની જે વ્યુહરચના ગોઠવાઇ છે તે જોતાં સંઘ-ભાજપ સામે થતાં આક્ષેપો અને અસંતોષની ચળવળ કયાંય સપાટી ઉપર જોવા મળતી નથી. આમ છતાં બુથ ઉપર ભાજપ,સંઘ,વિહીપ,બજરંગદળ અને અન્ય સંગઠનોની હાજરી અને તેમની સક્રિયતા ઉપર સમગ્ર મતદાનનો આધાર રહેશે. એક અંદાજ મુજબ રાજકોટ બેઠક ઉપર ભાજપને માનભેર લીડ મેળવવા માટે ૬પ ટકા મતદાન જરૂરી છે. શહેરમાં સારૂ મતદાન થઇ શકે છે. પરંતુ ગામડાઓમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજના પ્રભાવ ક્ષેત્રના ગામોમાં મતદાનની ટકાવારી ઉંચી લઇ જવી એ ભાજપ માટે મોટો પડકાર છે. ભાજપની આંતરિક તૈયારી અને એપ વગેરેના માધ્યમથી લગભગ તમામ મતદાર સુધી સંપર્ક સ્થપાઇ ગયો છે. કોંગ્રેસ પાસે આટલું મજબુ નેટવર્ક નથી. પરંતુ કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે જે રીતે આત્મવિશ્વાસથી પત્રકાર પરિષદમાં રાજકોટની વ્યવસ્થા અંગે વાતચીત કરી હતી તે મુજબ કોંગ્રેસનું સંગઠન પણ ઠીક ઠીક કામ કરે છે. ક્ષત્રિયના મતદાનનો ઝોક અને લેઉવા પાટીદારોના મતદાનનો ઝોક આ ચૂંટણીના પરિણામ ઉપર સૌથી વધુ પ્રભાવ પાડશે.
ગુજરાત ભાજપને જંગી મતદાન સામે ત્રણ પડકાર છે તેમાં પ્રથમ ગરમી મોજુ સૌથી વધુ નિર્ણાયક છે. આ સિવાયના શિરદર્દ સમાન મુદામાં ક્ષત્રિયોનું ભાજપ વિરોધી મતદાન થવાની તિવ્ર શકયતા અને તેમના દ્વારા અન્ય નેગેટિવ વોટીંગ કરાવવા અથવા ગામડાઓમાં મતદાનમાં નિરશતાં સર્જવામાં આવે એ સૌથી મોટો પડકાર છે. આ સિવાય જયાં પાટીદાર ઉમેદવારો છે ત્યાં બન્ને પક્ષે વોટ ડિવિઝનની શકયતા છે.
રાજકોટ લોકસભાની બેઠક સૌથી નિર્ણાયક બની ગઇ છે. ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા કડવા પાટીદાર ઉમેદવાર છે. તેમની સામે પરેશ ધાનાણી લેઉવા પાટીદાર ઉમેદવાર છે. રૂપાલા સામે સૌથી મોટો પડકાર ક્ષત્રિય આંદોલનનો છે. કારણ કે ક્ષત્રિય આંદોલન તેમના સામે જ મુખ્ય શરૂ થયુ હતું. ત્યાર બાદ ભાજપ સામે બીજા તબકકામાં પ્રસર્યુ હતું. આમ ગરમી,લેઉવા-કડવા પાટીદાર અને ક્ષત્રિય આંદોલન વચ્ચે રૂપાલાને અને ભાજપન નવ કોઠાનું યુધ્ધ વિંધવાનું છે. પાંચ લાખ મતની સરસાઇ માટે ભારે મતદાન એક જ આધાર છે. આ માટે આવતી કાલે ભાજપ-સંઘની ટીમની મહેનત અને વોટીંગ પેટર્ન ઉપર સઘળો મદાર રહેશે. ભાજપ પાસે ગંજાવર મશીનરી છે. એ સફળ થાય તો ચુંટણીની વૈતરણી પાર કરી જશે. પરંતુ મતદાન ઓછુ થયું તો સસ્પેન્સ પરિણામના દિવસ સુધી લંબાશે.