આરોપી અનાજના વેપારીએ ગ્રામ્ય વિસ્તારોમાંથી અને ફેરીયાઓ પાસેથી ચોખાનો જથ્થો ગેરકાયદેસર રીતે ખરીદ કરી વેંચાણ કરવા જઈ રહ્યાનો તપાસમાં ઘટસ્ફોટ થયો
વેરાવળમાં હાઈવે ઉપરથી દોઢ માસ પહેલા એક ટ્રકમાંથી શંકાસ્પદ ચોખાના 380 કટ્ટાનો જથ્થો તંત્રએ જપ્ત કરી સીઝ કર્યો હતો. આ મામલે તપાસના અંતે આ ચોખાનો જથ્થો સરકારી હોવાનો અને પ્રાંચી તીર્થના અનાજના વેપારીએ ગેરકાયદેસર રીતે ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદ કરીને વેંચાણ કરી રહ્યાનો ઘટસ્ફોટ થયો હતો. જેને લઈ મામલતદાર દ્વારા પ્રાંચીના વેપારી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ દોઢ માસ પૂર્વે બાતમીના આધારે મામલતદાર એ.જી. ગજ્જરની ટીમ દ્વારા વેરાવળ હાઇવે પર ડારી ઓવરબ્રીજ પાસે ટ્રક નં. જીજે 12 એ ઝેડ 6543 ને રોકાવી તેમાં તપાસ કરતા આકાશ ટ્રેડિંગ કંપનીનો ચોખાનો અનાજનો જથ્થો મળી આવેલ હતો. જે શંકાસ્પદ જણાતા ગણતરી હાથ ધરતા ટ્રકમાંથી 380 કટ્ટા ચોખા જેનો વજન 19,240 કિલો કિં.રૂ.5 લાખ તથા ટ્રક મળી કુલ રૂ.15 લાખનો મુદ્દામાલ સીઝ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં ટ્રક ડ્રાઈવરની પૂછપરછમાં ચોખાનો જથ્થો પ્રાંચી બાયપાસ ખાતેથી ભરેલ હતો અને પ્રાંચીના અનાજના વેપારી ઈકબાલ અલીભાઈ કાલવાણીનો હોવાનું જાણવા મળેલ હતુ.
જેના આધારે નિવેદન નોંધવામાં આવતા ઈકબાલએ જણાવેલ કે, છેલ્લા એક માસ દરમ્યાન જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અને ફેરીયાઓ પાસેથી ચોખાની ખરીદી કરી પોતાની પાણીકોઠા ગામએ આવેલ જગ્યાએ તમામ જથ્થો એકત્ર કરેલ હતો. બાદમાં શંકાસ્પદ ચોખાનો જથ્થા અંગે નાગરીક પુરવઠા નિગમએ કરેલ તપાસમાં જથ્થો સરકારી હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઈ જીલ્લા કલેકટર ડી.ડી.જાડેજા સમક્ષ કેસ ચાલી ગયેલ જેમાં ઉપરોકત હક્કીત રજુ થતા આવશ્યક ચીજ વસ્તુઓની ધારાઓનું ઉલ્લંઘન થતા પ્રાંચીના વેપારી સામે ગુનો નોંધવા સુચના આપી હતી. જેના આધારે મામલતદાર ગજ્જરે પ્રાંચીના વેપારી ઈકબાલ કાલવાણી સામે ફરીયાદ નોંધાવતા પ્ર.પાટણ પોલીસે જરૂરી ચીજ વસ્તુઓનો અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વેપારીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.