ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગ નિયમિત સાવધાની માટેની સૂચનાઓ આપે છે, પણ વારંવાર લોકો ફ્રોડનો ભોગ બને છે કેમ કે થોડી સાવચેતી લેવાની પણ પરવા કરતા નથી
સોશ્યલ મીડિયામાં અને ખાસ કરીને જૂઠાણાના સરદાર વૉટ્સઅપમાં અજાણ્યાનો વીડિયો કોલ આવે ત્યારે ના ઉપાડો તેવી વારંવારની ચેતવણી છતાં ઘણાની લાળ ટપકવાં લાગે છે … અને જરાક જોઈએ તો ખરા એવા ગલગલિયાં સાથે વીડિયો કોલ ઉપાડે છે અને સીધા જ ફસાઈ જાય છે. સામે એક યુવતી હોય છે જે કોલ ઉપાડનારને પાણી પાણી કરી નાખે છે અને પેલા ડફોળો કંઈક સમજે તે પહેલાં તેમનો વીડિયો ઉતરી જાય છે. વીડિયો કોલ કરવો એટલે અમે તો કૈંક છીએ એવા કેફમાં રહેનારા લોકો એસટી બસમાં બેઠા બેઠા ઘરે વીડિયો કોલ કરે છે. એ આંય પોંચ્યો… એવી વાતું કરે અને તે દરમિયાન ફોન આખા ઘરમાં ફરે એટલે બાજુમાં અને પાછળ બેઠેલા લોકો આખું ઘર જુએ.
આવું એટલા માટે કહેવું પડે કે પોલીસને સામાન્ય રીતે ટાળી શકાય તેના ગુનામાં પણ સમય આપવો પડે છે. જો સાવધાની સાથે અજાણ્યો ફોન ઉપાડવામાં ના આવે તો ગંભીર ગણાય તેવા, નકલી અધિકારીઓ બનીને છેતરપિંડી થાય છે તેને રોકવા માટે પોલીસ કામ કરી શકે. હાલમાં જ ગુજરાત સાયબર વિભાગે ચેતવણી આપી છે કે ગૃહ મંત્રાલયના અધિકારી તરીકેની ઓળખ આપીને લાખો રૂપિયા વેપારીઓ પાસેથી પડાવી લેવામાં આવે છે. તમે દિલ્હી મળવા આવી જાવ એવું કહે છે અને પછી કહે છે કે ધરપકડ ટાળવી હોય તો વહિવટ કરી લો. આવા કિસ્સામાં સાવધાન લોકો પણ ફસાઇ જાય, કેમ કે અહીં અજાણી યુવતીના અજાણ્યા ફોનની વાત નથી, પણ કોઈ અધિકારી જેવો લાગતો માણસ મળે ત્યારે ચિંતા થાય. તેથી જો સમજદારીથી ટાળી શકાય તેવા અજાણ્યા ફોન લેવાનું બંધ થાય તો પોલીસનું કામ ઘણું ઘટી જાય.
અમે બહુ સ્માર્ટ એવા કેફમાં રહેનારા લોકો સ્માર્ટ ફોન પર થતી છેતરપિંડીનો ભોગ બને છે અને તેના કારણે નાહકનું પોલીસનું કામ વધે છે. રોજના ઢગલાબંધ કેસો આવે છે, જેમાં એક જ પેટર્ન છે અને છતાં યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધો – આંકડા કહે છે કે નવરા પડેલા વૃદ્ધો પણ એટલા જ ફસાય છે, કેમ કે તેમનેય તસવીરો જોઈને ચટપટી થાય છે. એક જ પેટર્ન છે કે તમે અજાણ્યો ફોન અને ખાસ કરીને ઉપર યુવતીની તસવીર દેખાય છે અને રેડ કલરની વોર્નિંગ આવે છે અને સ્પેમ છે એવું લખેલું આવે છે છતાં ફટ કરતોક ઉપાડી લે છે. સામે ઊભેલી યુવતી ફટાફટ વસ્ત્રોનો ત્યાગ કરવા લાગે છે અને ડફોળો ડોળા ફાડીને જોયા કરે છે. થોડી વારમાં વસ્રાહરણ જોનારા આ ડોળા સાથેનો સ્વંયનો વીડિયો વૉટ્સઅપ પર ઉતરે છે અને ધમકી મળે છે કે પૈસા ચૂકવો નહીં તો બધાને આ વીડિયો મોકલી દેવાશે.
મીડિયાએ વારંવાર આ વિશે લખ્યું છે. તેના કેસ વારંવાર પોલીસે પકડ્યા હોય ત્યારે વિગતવાર તેને જણાવાયું છે. પોલીસે સાયબર સેલ બનાવ્યા છે, તેના દ્વારા પણ નિયમિત રીતે પોસ્ટરો વગેરે મૂકીને ચેતવણી આપવામાં આવે છે. છતાં ડફોળો ડોળા ફાડી ફાડીને જોયા કરે છે અને છેતરાય છે. પોલીસ વિભાગ અને સાયબર સેલ પોતાના સોશ્યલ એકાઉન્ટ ચલાવે છે અને તેમાં નિયમિત એ જણાવે છે કે હવે કેવી નવી રીત અપનાવાય છે. જૂની રીત થોડી જાણીતી થાય એટલે નવી રીત અપનાવાય છે. પહેલાં માત્ર મેસેજ આવતો હતો – હાઈ. પછી થોડી મુશ્કેલીમાં છે અને આર્થિક મદદ જોઈએ છે એવી થોડી વાતો થાય. વાતચીત થાય એટલે પછી પ્રેમાલાપ કરવાનું શરૂ થાય અને પછી કહે કે તમે જરા આવી જાવને તમારા જન્મ સમયના ડ્રેસમાં અને હું અનડ્રેસ થાવ.
તે પછી સીધી રીતે ખંડણી નહોતી મગાતી. સાયબર વિભાગના અધિકારીઓ કહે છે કે તે વખતે પોલીસના સ્વાંગ જ તે ટોળકીના બીજા લોકો ફોન કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ ડ્રેસમાં આ ટોળકીના લોકો વીડિયો કોલ કરે અને કહે કે એક ટોળકી પકડાઈ છે અને તેના ફોનમાંથી અપલોડ થયેલો તમારો વીડિયો મળ્યો છે. આ તમારો વીડિયો હોવાથી તમે યૂટ્યુબને ફોન કરીને ડિલિટ કરાવી નાખો નહિતો બધા તે જોઈ લેશે. તે પછી બહુ મદદ કરતા હોય તે રીતે યુટ્યૂબનો નંબર પણ આપે. તે નંબર પર ટોળકીનો ત્રીજો જણ બેઠો હોય તે સરસ ભાષામાં વાત કરીને કહે કે આટલા હજાર રૂપિયા ફી થશે, તમે મોકલો એટલે વીડિયો ડિલિટ કરી નાખું.
સાયબર ટોળકીમાં હવે આટલી લાંબી ધીરજ રહી નથી. ફોન ઉપાડો ત્યારે સામેની યુવતી વસ્ત્રત્યાગ શરૂ જ કરી દે છે અને તમે કંઈ વિચારો તે પહેલાં તમારા તગતગતા ડોળા સાથેનો વીડિયો તમને મળી પણ જાય છે.
પોલીસ અધિકારીઓ ચિંતા વ્યક્ત કરે છે કે આ પ્રકારના કેસો એટલા બધા આવે છે કે વધુ સમય તેમાં જ જાય છે. અહીં યુઝર્સ સાવધાની રાખે અને અજાણ્યા સાથે ચેટ કરવાનું, કોલ લેવાનું બંધ કરે તો અડધું કામ થઈ જાય. કોમનસેન્સ વાપરીને આવા કોમન ફ્રોડથી લોકો બચે તો સાયબર ક્રાઈમ બ્રાન્ચ વધારે સમય અને શક્તિ આપીને વધારે સ્માર્ટ રીતે થતા ફ્રોડને પકડવામાં, તેની ટોળકીને ઘેરવામાં ધ્યાન આપી શકે.