વૃક્ષોની રક્ષા કાજે રક્ષાબંધન પર્વ પર બહેનોએ કુમકુમ તિલક કરી આરતી ઉતારી વૃક્ષોને રાખડી બાંધી
ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ રક્ષાબંધન દરેકે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવ્યું. પોતાના ભાઈની રાખડી બાંધવા સાથે અમુક બહેનોએ સરહદની રક્ષા કરતા જવાનોને રાખડી મોકલી તો અમુક બહેનોએ ટ્રાફિક સિગ્નલ પર ખડે પગે સેવા આપતા ટ્રાફિક પોલીસને રાખડી બાંધી. કોઈએ દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી તો કોઈએ અનાથ બાળકોને રક્ષા સૂત્ર બાંધીને રક્ષા બંધનની ઉજવણી કરી. પર્યાવરણની રક્ષા માટે ખૂબ જ વાતો થાય છે,વૃક્ષો વાવવાની પણ વાતો થાય છે આ બધા વચ્ચે સપ્તક મ્યુઝિક એકેડેમી અને વામા મહિલા ગ્રુપની બહેનોએ રક્ષાબંધનને વૃક્ષા બંધન નામ આપી વૃક્ષોની રક્ષા કાજે રાખડી બાંધી હતી.
પોતાના દરેક જન્મદિવસે પાંચ વૃક્ષો વાવતા સપ્તક એકેડેમીના લીલાબેન રાખોલીયા એ આ બાબત જણાવ્યું હતું કે વૃક્ષ એ આપણો સાચો ભાઈ છે જે આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે. આજે આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે ત્યારે ખરેખર વૃક્ષોની રક્ષા કરવાની ખૂબ જ જરૂર છે. આ વિચાર સાથે શા માટે વૃક્ષોને રાખડી બાંધી રક્ષા કવચના આપવું? આ વિચાર આવ્યો અને બહેનોએ વધાવી લીધો સપ્તક સંગીત એકેડેમીના બહેનો અને વામા ગ્રુપના બહેનોએ સાથે મળી મોટી સાઇઝની રાખડી જાતે બનાવી અને રક્ષાબંધનના દિવસે વૃક્ષો જાતે જઈને કુમકુમ તિલક કરી રાખડી બાંધી અને વૃક્ષની આરતી ઉતારીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.
સપ્તક સંગીત એકેડેમી માં બહેનો સંગીતની સાધના કરે છે તેમ જ વામા મહિલા ગ્રુપમાં બહેનો સાહિત્ય સંગીત કલા વિશે ચર્ચા તેમજ કાર્યક્રમો યોજે છે હર હંમેશ કંઈક અલગ વિચાર સાથે કામ કરતા આ બહેનોએ અન્યને પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું છે.શહેરના નિર્મલા રોડ પર આવેલ બાલમુકુંદ પ્લોટ અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષોની રક્ષા કાજે રાખડી બાંધી હતી.લીલાબેન પટેલ, શ્રદ્ધા બેન રાવલ,રત્ના બેન દેસાઈ, કવિતા બેન શાહ, ઝંખનાબેન,ભાવનાબેન કંટારીયા,અક્ષીતાબેન, જ્યોતિબેન ડોડિયા સહિતના બહેનો એ રક્ષા બંધનના પવિત્ર દિવસે વૃક્ષોની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો એટલું જ નહિ આ રાખડી જોઈને અન્ય ને પણ વૃક્ષો વાવવાની તેમજ તેના જતન કરવાની પ્રેરણા મળશે. બહેનોને આ રીતે રાખડી બાંધતા જોઈને આસપાસના લોકોએ પણ તેમના આ કાર્યની પ્રશંસા કરી હતી.