કેનેડા પછી અમેરિકાએ પણ કહ્યું કે ખાલિસ્તાની નેતાની હત્યાનું કાવતરું હતું તેની તપાસ જરૂરી છે, પણ ભારત તરફથી સહકારની ખાતરી પછી મામલો વણસતો અટક્યો છે
ચીનને એવી આશા હતી કે ખાલિસ્તાની તત્ત્વો અમેરિકા અને કેનેડામાં રહીને ઉશ્કેરણી કરે છે તેની સામેની ભારતની અકળામણ અને આ દેશોમાં અભિવ્યક્તિની આઝાદી – એ બે મુદ્દા આમનેસામને આવશે. એવું થવાની શક્યતા નથી, કેમ કે ભારતની વિદેશ નીતિ વધારે ચૂસ્ત બની છે અને ભારતનું મહત્ત્વ પણ વધ્યું છે. એટલે ચીનના સત્તાધીશોની ગણતરી એવી હોય કે આ મામલે ભારત અને અમેરિકા વચ્ચે ખેંચતાણ થાય તો તેમનું પોતાના વિરુદ્ધનું એટલે કે ચીન વિરુદ્ધનું સંગઠન છે તે એટલું નબળું પડે. પણ મોટા ભાગના નિષ્ણાતો માને છે કે તેવું થવાની શક્યતા નથી. ભારત અને અમેરિકાના, ભારત અને પશ્ચિમના સંબંધોનો પાયો આઝાદી પછી મજબૂત થતો ગયો છે અને કોલ્ડ વૉરના અંત પછી તે વધારે વાસ્તવિક ભૂમિ પર નંખાયેલો છે.
ભારત સૌથી વધુ વસતિ, બહુ મોટી ઈકોનોમી, જીડીપી ગ્રોથમાં સાતત્ય અને ભવિષ્યની શક્યતાઓ, સૌથી મોટો મિડલક્લાસ, સૌથી મોટું માર્કેટ અને સૌથી અગત્યની એવી તંદુરસ્ત લોકતાંત્રિક પ્રણાલીઓ – આ બધા જ પરિબળો ભારતનું માહાત્મ્ય વધારનારા છે. બીજું કે ભારતની વિદેશ નીતિમાં એક સાતત્ય રહ્યું છે. ભારત કોઈ જૂથમાં ભળીને કામ કરતો નથી, કોઈ એક સંગઠનનું આંધળુકિયું અનુસરણ નથી કરતો, કોઈ બ્લોક સાથે જોડાઈને બીજાનો વિરોધ નથી કરતું. ભારત જેવી સૌથી મોટી લોકશાહીને શોભે તે રીતે સ્વતંત્ર વિદેશ નીતિ ધરાવે છે અને તેથી અમેરિકા અને કેનેડાએ પણ વાસ્તવિકતા સ્વીકારીને ભારત સાથેના સંબંધોને સમજવાના છે.
કેનેડા સાથેના મુદ્દાને જુદી રીતે સમજવો પડે, કેમ કે તેમાં કેનેડાના હાલના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનું વ્યક્તિત્વ પણ વચ્ચે આવી રહ્યું છે. એમણે હમણાં જ એવું કહ્યું કે ભારતનું જરાક નીચું દેખાડવાનું તેમને જરૂરી લાગ્યું એટલે (‘Need to put a chill on India’) તેમણે ખાલિસ્તાની નિજ્જરની હત્યાના મામલે જાહેરમાં ભારત વિશે નિવેદનો કર્યો હતા. ટ્રુડો ભારત જી-20 માટે આવ્યા હતા ત્યારે તેમની પણ અવગણના થઈ હતી અને ભૂતકાળમાં પણ તેમને જરાક અસુખ થાય તેવું થયું હતું એટલે તેમણે અકળામણમાં આવું કર્યું એવું લાગે છે.
કોઈ દેશના વડાએ એવી રીતે વિદેશ નીતિ નથી ચલાવવાની હોતી કે અકળામણ થાય એટલે બે દેશોના સંબંધોને અસર થાય તેવી રીતે નિવેદનો આપવા. તેની સામે અમેરિકા જુઓ… અમેરિકામાં વિદેશ નીતિ પ્રોફેશનલ ડિપ્લોમેટના હાથમાં હોય છે. પ્રમુખ અને વિદેશ પ્રધાનની ભૂમિકા ખરી, પણ ડિપ્લોમસી સંભાળીને ખેલવાની હોય છે એટલે ટોપ લેવલ પર વિમર્શ બાદ નિવેદન થાય છે. તમે જુઓ કે ચીનની સામે અમેરિકાએ રીતસરનો મોરચો માંડ્યો છે, પણ હાલમાં જ ચીનના પ્રમુખ અમેરિકાની મુલાકાત લઈ આવ્યા. અમેરિકાના વિદેશ પ્રધાન પણ બિજિંગની વિઝિટ લઈ આવ્યા.
ચીનની નેતાગીરી પણ સમજે છે કે અમેરિકા અને તેની સાથે બાકીના દેશો જોડાશે તેનો વિરોધ તેને પરવડે તેવો નથી. તેના અર્થતંત્ર પર ઓલરેડી અસર દેખાવા લાગી છે. દુનિયા આખીનું એકલું કારખાનું પોતે બની રહે તે લાંબો સમય ચાલવાનું નથી. તેથી અમેરિકા સાથે સંબંધોમાં રાબેતો લાવવાની મથામણ ચીનની પણ છે. પણ બિઝનેસ ઉપરાંત સ્ટ્રેટેજિક બાબતો પણ છે, જેમાં ચીન વિરુદ્ધ બાકીના દેશોની સ્ટ્રેટેજી રહેવાની છે. અમેરિકા અને પશ્ચિમના દેશો સાથે સંબંધો સુધારવા માટેની કોશિશમાં ચીન અને ભારત વચ્ચેના સંબંધોનો મુદ્દો આડકતરી રીતે આવતો હોય છે. એવું પણ નથી કે ભારત ખાતર પશ્ચિમ ચીન સાથેનો વેપાર બંધ કરે. ટ્રેડ, બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીમાં લાભાલાભ જોઈને લાંબા ગાળાના નિર્ણયો લેવાતા હોય છે. એ જ રીતે ચીનને પણ લાગતું હોય કે પોતે ભારત સામેના મુદ્દાઓનો લાભ ઉઠાવશે તો એ પણ ના થાય.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની નિજ્જરની હત્યા પછી ભારતીય એજન્સીઓ સામે આક્ષેપો કર્યા. ભારતે કહ્યું કે પુરતા પુરાવા આપો તો કદાચ તપાસમાં સહકાર આપી શકાય. દરમિયાન અમેરિકા તરફથી પણ વાત આવી કે ત્યાં વસતા ખાલિસ્તાની પન્નુનની હત્યાનું કાવતરું પકડાયું હતું. ગુપ્તચર તંત્રને માહિતી મળી હતી કે પન્નુનની હત્યા માટે નિખિલ ગુપ્તા નામના માણસે સોપારી આપી છે. ગુપ્તાની ધરપકડ થઈ છે અને હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું છે. આ વિશે અમેરિકાએ જાહેરમાં નિવેદન કરવાના બદલે ભારત સાથે વાતચીત કરી હતી. બંને દેશોના અધિકારીઓ વચ્ચે પણ ચર્ચા થઈ હતી. તે પછી જ વાત જાહેરમાં આવી હતી, કેમ કે જ્યારે આ અંગેનો કેસ અદાલતમાં ચાલે ત્યારે વિગતો જાહેર થવાની જ હોય.
ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમેરિકા જે વિગતો આપશે તેના આધારે તપાસ થશે. તે વખતે ભારતીય વિદેશ મંત્રાલયને પણ સ્પષ્ટતા કરી હતી કે કેનેડાએ ખાસ કોઈ વિગતો આપી નહોતી, આક્ષેપો વધારે કર્યા હતા. તેની સામે અમેરિકાએ વધારે વિગતો આપી છે અને સામે તપાસ કરવાની ખાતરી અપાઈ છે. તપાસની ખાતરી મળી તે પછી અમેરિકા તરફથી પણ કોઈ એવા નિવેદનો આવ્યા નથી. એટલે ચીનને એવી આશા હોય કે કેનેડા પછી અમેરિકામાંથી પણ એવા જ આરોપો થવાના હોય ત્યારે કદાચ ભારત સાથેના સંબંધોમાં અડચણ આવશે. ચીનમાં સ્થાનિક ધોરણે એવી વાતો ફેલાવવાની કોશિશ પણ થઈ હતી કે ભારતના અમેરિકા સાથેના સંબંધો કથળશે. એ સામ્યવાદી સરકારનું સ્થાનિક રાજકારણ છે, તેનાથી ભારતને કોઈ ફરક પડતો નથી કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની કોઈ વિશેષ નોંધ લેવાતી નથી.
અમેરિકાની તપાસ સંસ્થા એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર વ્રે હાલમાં જ ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં ભારતની મુલાકાતે પણ આવી ગયા. તેના કારણે બંને દેશોના સંબંધો અને તપાસમાં પ્રગતિ વિશે ચર્ચાઓ થઈ હતી, પણ એવો કોઈ વિવાદ નથી જાગ્યો. કેનેડાએ જે વિવાદ સર્જ્યો હતો તેના મૂળમાં પણ ફાઇવ આઇ્ઝ નામના કાર્યક્રમ હેઠળની માહિતીની વાત હતી. ફાઈવ આઇ્ઝ એટલે પાંચ દેશો વચ્ચે ગુપ્તચર માહિતીની આપલેનું વ્યવસ્થા તંત્ર. તેમાં અમેરિકા પણ આવી જાય એટલે હકીકતમાં કેનેડા અને અમેરિકા સાથેનો આ મામલો એક જ પ્રકારનો હતો. તેમાં કેનેડાના પીએમ ટ્રુડોના નિવેદનોને કારણે અલગ વળાંક આવ્યો હતો, જ્યારે અમેરિકાએ એવા નિવેદનો કરવાનું ટાળ્યું છે.
રશિયા સાથે ભારતે સલામતી અંગેનો કરાર કર્યો હતો ત્યારે એવું લાગતું હતું કે ભારત અમેરિકાની સામેની છાવણીમાં છે. દાયકાઓ બાદ એ સ્પષ્ટતા થતી ગઈ કે ભારતની પોતાની વિદેશ નીતિ છે. તે કોઈની વિરુદ્ધ કે કોઈની સાથે નથી. ભારતે મુક્ત અર્થતંત્ર તરફ ગતિ વધારી તે પછી સંબંધોમાં ઉલટાનો સુધારો જ થતો રહ્યો છે. અમેરિકા પણ કંઈ સંપૂર્ણપણે ભારતતરફી થઈ ગયું હોય અને પાકિસ્તાન તથા ચીન સાથે પોતાની રીતે સંબંધો નહીં રાખે તેવી વાત નથી. ભારતના ડિપ્લોમેટ એટલા સમજદાર છે કે તેની અસર સંબંધો પર પડવાની નથી. ટૂંકમાં બે દેશો વચ્ચેના સંબંધોના તાતણા વધારે મજબૂત છે અને મજબૂત બન્યા છે એટલે ચીનમાં વ્યક્ત થતા અભિપ્રાયો અસ્થાને થઈ ગયા છે.
ચીનની સરકારી માલિકીના પ્રકાશનોમાં છેલ્લા કેટલાક વખતથી એવા અનેક લેખ અને ઓપિનિયન પીસ પ્રગટ થતા રહ્યા છે પશ્ચિમના દેશો સાથે ભારતના સંબંધોમાં ખટરાગ વધવાનો છે. પછી કેટલાક લેખોમાં વાસ્તવિકતાનો સ્વીકાર પણ થયો હતો. ચાઈના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં એક લેખમાં એવું કહેવાયું કે અમેરિકાની વિદેશ નીતિના કેન્દ્રમાં અત્યારે ચીનને કાબૂમાં રાખવાની અને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની છે. એટલે અમેરિકાએ ભારત તરફ સમાધાનકારી વલણ રાખવું પડે. સાથે કેટલીક ટીકા પણ થઈ કે પશ્ચિમમાં મોરાલિટીની બાબતમાં બેવડા ધોરણ હોય છે. આ દેશો માત્ર પોતાના હિતોને ધ્યાનમાં રાખીને વલણ નક્કી કરે છે. ચીન સાથે એક પ્રકારનું વલણ અને ભારત માટે જુદાં ધોરણો એવી ટીકાનો ભાવ આવા લખાણોમાં રહ્યો છે. ચીનના વાચકો માટે ઠીક છે, તેનાથી ભારતને કંઈ ફરક પડતો નથી.