- જાન્યુઆરીમાં યોજાશે વાઈબ્રન્ટ સમિટ
- ગાંધીનગરમાં યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
- CM ભૂપેન્દ્રભાઈ દિલ્હીમાં કરશે રોડશો
આવતા જાન્યુઆરી માસમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. જેને લઈને અનેક કાર્યક્રમો આ સમિટ પહેલા આયોજવામાં આવશે. આના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે 6 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં હશે અને ત્યાં તે એક રોડ શોની આગેવાની કરશે.
દિલ્હી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો રોડ શો યોજાશે. જેમાં વિવિધ ઉદ્યોગકારો, વિવિધ પ્રધાનો ઉપરાંત નેતાઓ પણ સામેલ થશે. મહત્વનું છે કે ગુજરાત સરકાર દર બે વર્ષે ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરે છે. ત્યારે 2022 માં કોરોના વૈશ્વિક મહામારીના કારણે ગુજરાત વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ થઈ શકી નથી. જેના લીધે 2024 માં જાન્યુઆરી માસમાં ગાંધીનગરના આંગણે આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ રહી છે. 6 ઓક્ટોબરથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે વાઈબ્રન્ટ ગુજરાતનો રોડ શો કરશે. જેમાં 10 થી વધુ ઉદ્યોગકારો સાથે મીટિંગનું પણ પ્લાનિંગ છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 6 ઓક્ટોબર 2023ના રોજ નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કર્ટેન રેઈઝરમાં ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ, ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમ બે ભાગમાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં કર્ટેન રેઇઝર ઇન્ટરેક્ટિવ સેશન અને બીજા તબક્કામાં આ મિશનના વડાઓ સાથે ઇન્ટરેક્શન યોજાશે. આ સત્રમાં વેલસ્પનના ચેરમેન બી.કે. ગોએન્કા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવશે. બાદમાં ઓડિયો-વીડિયો ફિલ્મનું સ્ક્રીનિંગ થશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે. ત્યારબાદ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સેક્રેટરી રાજેશકુમાર સિંઘ દ્વારા સંબોધન પણ કરવામાં આવશે.