‘પર્યાવરણ અને જળવાયુ’ વિષય પર ઓનલાઇન વિચારવર્ગનું આયોજન
તાજેતરમાં સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર પ્રાંત અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં સંયુક્ત ઉપક્રમે ‘પર્યાવરણ અને જળવાયુ’ વિષય પર એક ઓનલાઇન વિચારવર્ગનું આયોજન થયેલું. જેમાં મુખ્ય વક્તા તરીકે વડોદરાનાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં વાઇસ ચાંન્સલર પ્રોફેસર ડૉ. વિજય શ્રીવાસ્તવજી તથા અતિથિવિશેષ તરીકે સુરત કેન્દ્ર પ્રચારક પર્યાવરણ ગતિવિધિનાં રાષ્ટ્રીય સંયોજક ગોપાલજી આર્ય, આ ઉપરાંત રાષ્ટ્રીય સહસંયોજક, સ્વદેશી જાગરણ મંચનાં ડૉ. ભગવતી પ્રસાદજી શર્મા સામેલ રહ્યાં હતાં. આ ઓનલાઇન બેઠકમાં ગુજરાત પ્રદેશ તથા સૌરાષ્ટ્ર પ્રાંતના સર્વ કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ઉપરાંત શિક્ષણ સંસ્થાન સાથે જોડાયેલા પ્રોફેસર્સ તથા વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ પણ જોડાયા હતા. વક્તા વિજય શ્રીવાસ્તવે આત્મનિર્ભર ભારતને બનાવવા તથા સ્વાવલંબી ભારત અભિયાનને આગળ વધારવા કઈ રીતે વિદ્યાર્થીઓ પર્યાવરણની સુરક્ષા સાથે અને સલામતી અર્થે આગળ વધી શકે તેની માહિતી આપતાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટનો ઈકો બ્રીક બનાવવા આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક કચરા તથા અન્ય વેસ્ટ મેનેજમેન્ટનું કાર્ય કરીને સ્વચ્છ ભારત તથા આત્મનિર્ભર ભારત બનાવવા માટેની પહેલ કરવા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને જણાવ્યું. આપણું શરીર પંચ મહાભૂતોનું બનેલું છે. આપણી સૃષ્ટિ પણ પંચમહાભૂતોની બનેલી છે. આ પંચમહાભૂતો એટલે કે પૃથ્વી, હવા, પાણી, આકાશ તથા અગ્નિ. આ પંચધાતુની અને પંચમહાભૂતોની રક્ષા કરવી. આ પંચ મહાભૂતોની પૂજા કરવી એ જ સાચી ઈશ્વર પૂજા છે. તથા આ પંચ મહાપૂતો પ્રદૂષિત ન થાય તેની સુરક્ષા કરવી. તેમના પ્રત્યે માનવ સંવેદનશીલ રહે તે માટે ‘પર્યાવરણ અને જળવાયુ’વિષય પર ચર્ચા કરવામાં આવી. પાંચ ‘જ’ ની રક્ષા એટલે કે જંગલ,જાનવર, જમીન, જલ અને જળવાયુને સલામત અને સુરક્ષિત રાખીશું તો જ માનવ જીવન સુરક્ષિત રહી શકશે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ શાળા નંબર 93 ના આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા વક્તાને પ્રશ્ન કરવામાં આવ્યો કે, “અમે શાળામાં જુદી જુદી ફેંકી દેવાની વસ્તુમાં વૃક્ષારોપણ કરીએ છીએ. આ ઉપરાંત શાળાના વેસ્ટ કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ. તથા બાળકોને વૃક્ષારોપણ પ્રત્યે પ્રેરિત કરીએ છીએ પરંતુ હજી અમે એવા કયા પ્રયાસ કરી શકીએ કે જેના કારણે પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બને ? તથા પર્યાવરણ જાળવણીનાં સંરક્ષક બને ? ” ડૉ. વિજય શ્રીવાસ્તવ સાહેબે ખુબ સરસ જવાબ આપ્યો કે પ્રાથમિક શાળાના બાળકોને વૃક્ષારોપણ કરતાં એમને બીજાંકુરણ તરફ પ્રેરિત કરો. એમને બીજ વાવવાની પ્રક્રિયા માં જોડો. જમીનમાં એટલી તાકાત છે કે બીજને વાવવાથી તે જમીનને તોડીને બીજાંકુરણ થઈ વૃક્ષ સ્વરૂપે બહાર આવે છે. સૃષ્ટિનાં આ બીજાંકુરણની તાકાત વિદ્યાર્થીઓને નાનપણથી જ ખબર પડશે તો આ વિદ્યાર્થીઓ સૃષ્ટિને સાચવવામાં મનથી જોડાશે. તથા સૃષ્ટિનો આદર કરશે. પ્રો. ડૉ. વિજય શ્રીવાસ્તવજીએ જણાવ્યું હતું કે ત્યારે કળિયુગ ની શરૂઆત સમજવાની કે હવે કળિયુગ આવી ગયો છે જ્યારે કોઈ વૃક્ષને કાપવામાં આવે અને માનવને એમનું કોઈ દુઃખ ન થાય. આ બાબત ઉપરથી આપણે સૌએ વૃક્ષોનું જતન કરતાં તથા વૃક્ષોની જાળવણી કરતા શીખવું જોઈએ. ખાસ કરીને પ્રાથમિક શાળાના નાના બાળકોને વૃક્ષો વાવતાં અને વૃક્ષો ઉછેર કરતાં શીખવીએ.