ભાજપના અગ્રણીઓ કહે છે કે ખૂબ જ સારી મુલાકાત થઇ છે, પીડિતોએ સરકારમાં વિશ્વાસ વ્યકત કર્યો છે
સામાપક્ષે પીડિતો કહે છે કે કોઇ સમાધાન થયું નથી, ૧૨ મુદાની માંગણીઓ મુકી છે તેનો નિકાલ થાય તે જ અમારી અપીલ છે
ગાંધીનગરમાં ગઇકાલે અચાનક રાજકીય ચહલ-પહલ વધી ગઇ હતી. રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ટીઆરપી કાંડના પીડિતોની સાથે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. મુખ્યમંત્રીના તેડા અનુસંધાને પીડિતો તેમનું માન રાખી મીટીંગમાં ગયા હતા. મીટીંગ પૂરી થયા બાદ ભાજપના સુત્રોએ પાંચ મુદાની માંગણીઓનો મહદ અંશે મુખ્યમંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે મગનું નામ મરી ન્હોતું પાડયું. મીટીંગ પૂરી થયા બાદ બીજી બાજુ પીડિત પરિવારોમાંથી અનિરૂધ્ધસિંહ જાડેજા અને અન્ય એક-બે પીડિત પરિવારના સભ્યો મીડિયા સમક્ષ આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે કોઇ નક્કર વાત નથી થઇ અમારી ૧૨ મુદાની માંગણીઓ છે તેને સંતોષવામાં આવે તે જ અમારી અપીલ છે.
મુખ્યમંત્રીને મળીને આવેલા અસરગ્રસ્તોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે અમે ૧૨ મુદાનો રજૂઆત પત્ર આપ્યો છે જેમાં ૧૦ માંગણીઓ કરવામાં આવી છે તેમાં મુખ્યત્વે નિવૃત જજ દ્વારા તટસ્થ તપાસ કરાવવા અને સિટમાં બે કાર્યદક્ષ અધિકારીઓની નિમણુંકકરવા પર વધુ ભાર મુકયો છે.
ઉપરાંત ગત ટર્મના તથા વર્તમાન મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, ધારાસભ્ય સહિત પદાધિકારીઓની મીલિ ભગત અને હપ્તાખોરીથી ગેમઝોન ચાલતો તેથી તપાસ કરવા તથા પૂર્વ મ્યુનિ.કમિશનર, જિલ્લા કલેકટર તથા એસપી, પોલીસ કમિશનર વગેરે સામે તપાસ કરી દોષીત જણાય તેની સામે ગુનો નોંધી મિલ્કતોની તપાસ કરવા પણ માંગણી કરાઇ છે.
મૃત્યુ આંક ૨૭ જણાય છે પરંતુ ડેડબોડી વધુ મળી હતી તેવી રજુઆત અંગે એમ જણાવાયું હતું કે કોઇ ગુમ થયાની અને ત્યાં ગયાની વાત કરી માહિતી આપે તો મૃત્યુ આંકમાં ઉમેરો કરવા તંત્રની તૈયારી જ છે.
આ માંગણી અન્વયે મુખ્યમંત્રીએ ફરી એક વાર જેની પણ જવાબદારી ઠરશે તેને છોડવામાં નહી આવે તેવી ખાત્રી આપી હતી જે અંગે અસરગ્રસ્તોએ જણાવ્યું કે આવી ખાત્રી તો અમને બરાબર મળતી રહે છે. સાંભળવામાં પણ આવ્યા છે પરંતુ ખાત્રી મુજબ સરકાર એકશન લેવડાવે ત્યારે જ અમને ન્યાય મળ્યાનો અહેસાસ થઇ શકે છે.
અગ્નિકાંડ, હરણી, તક્ષશીલા, ઝૂલતાપૂલ સહિતના પીડિતો હવે એક બનીને લડશે
રાજ્યમાં માનવસર્જિત દર્દનાક દુર્ઘટના વખતે સહાનુભૂતિ દર્શાવતી સરકારની તપાસમાં આવી ફરિયાદો વેદના સાથે ઉઠતી રહે છે ત્યારે હવે રાજકોટના અગ્નિકાંડ ઉપરાંત મોરબી ઝૂલતા પૂલના વિક્ટીમ એસો., સુરતના તક્ષશીલા કાંડ, અમદાવાદના કાંકરિયા, વડોદરાના હરણી કાંડ સહિત તમામ બનાવોના પીડિત પરિવારો હવે હાથ મિલાવી રહ્યાનું પણ જાણવા મળ્યું છે. રાજકોટના અગ્નિકાંડની સરકારની સિટ અને ગુનાની તપાસ કરતી રાજકોટ પોલીસની સિટની તપાસ છેલ્લા ઘણા દિવસોથી અગ્નિકાંડમાં પોલીસ સહિત અન્ય અધિકારીઓ કે પદાધિકારીઓ સુધી આગળ વધવાને બદલે છેલ્લા ઘણા દિવસોથી ભ્રષ્ટાચાર. અને તે પણ એક માત્ર સાગઠીયાના કેસ તરફ ડાયવર્ટ થઈ ગઈ છે કે કરી દેવાઈ છે અને નેતાઓ, અસરોને છાવરવામાં આવ્યા છે તેમ પીડિત પરિવારનો સંપર્ક સાધતા જણાવ્યું હતું. એટલું જ નહીં, એ.સી.બી.ની સાગઠીયાના ભ્રષ્ટાચારની જે ઉંડાણપૂર્વક તપાસ કરાઈ છે તેમાં પણ મૂળ સુધી પહોંચવામાં આવ્યું નથી અને કરોડોની લાંચમાં કોણ ભાગીદાર હતું તે શોધી કઢાયું નથી.