ઈડી આડેધડ કામગીરી કરીને ભ્રષ્ટાચારના આરોપોને રાજકીય રંગ આપી રહી છે અને આરોપોને બૂઠા બનાવી રહી છે, જ્યારે મહાદેવ એપને હવે છેક બંધ કરાઈ તેનો અર્થ કે ઓનલાઇન લૂંટ બેફામ ચાલે છે
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને પ્રચાર જામ્યો છે ત્યારે ઈડીની કામગીરીના સમાચાર સતત આવ્યા કરે છે. ઈડી કાર્યવાહી કરે ત્યારે તેને ગંભીરતાથી લેવાતી હતી, પરંતુ હવે એવું થયું છે કે ઈડીનો ઉપયોગ વિપક્ષ સાથે થાય છે. એવી વાતો સતત ચાલી તેના કારણે ભ્રષ્ટાચારના આરોપોની ધાર જ બૂઠી થઈ ગઈ છે. છત્તીસગઢમાં ફરી એક વાર કોંગ્રેસની સરકાર બની રહી છે તેવું બધા જ સર્વે કહી રહ્યા છે ત્યારે મતદાનના થોડા દિવસ પહેલા જ અચાનક આરોપો લાગે કે મહાદેવ એપ તરફથી કરોડો રૂપિયા મુખ્ય પ્રધાન બઘેલને મળ્યા છે. ત્યારે તે આરોપોની ધાર પ્રજાને બૂઠી લાગી રહી છે. 500 કરોડ રૂપિયા લીધાનો આરોપ મૂકી દેવાયો, ત્યારે મતદારોમાં રિએક્શન એવું જ આવ્યું કે અચ્છા, ઈડીએ વધારે એક વિપક્ષના નેતા સામે આરોપો મૂકી દીધા છે. ચાલો હવે કોની ધરપકડ થશે તેની યાદીમાં બઘેલનું નામ પણ ઉમેરો. કેજરીવાલ પછી બઘેલની પણ ધરપકડ થશે એમ લોકો સ્વંય ધારી લે છે.
આના કારણો છે. આ કેસ પૂરતું કારણ એ કે મહાદેવ એપ તો બિન્ધાસ્ત દેશના કરોડો લોકોને અબજોનો ચૂનો લગાવી રહી હતી. મહાદેવ એપની ગેરરીતિ સામે ઓલરેડી ફરિયાદો થઈ ચૂકી હોવા છતાં તે એપની છેતરપિંડી ચાલુ જ હતી. ઈડીની આ કાર્યવાહી પછી સરકાર ઊંઘમાંથી જાગી અને 22 એપને બંધ કરવાની જાહેરાત કરી. એક તરફ એપ કરોડોની લાંચ આપે છે તેવો આરોપ, પણ એપ તો બિન્ધાસ્ત ચાલતી હોય ત્યારે બેવડું ધોરણ કેવું બેડોળ છે તે પણ દેખાઈ આવ્યું હતું. બીજું કારણ એ કે ઈડી તરફથી ઢગલા મોઢે કેસ થઈ રહ્યા છે, પણ કેસ પછી ઝડપથી ચાલતા નથી. તેમાંય જે વિપક્ષી નેતાઓ સામે ઈડીની ફાઈલ બની હોય તે ભાજપમાં જોડાઈ જાય ત્યારે તપાસમાં પણ તારીખ પે તારીખ પડવા લાગી છે. એક દિવસ જાહેરમાં કહેવામાં આવે કે એનસીપી 70,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનારી નેચરલી કરપ્ટ પાર્ટી છે. એક સપ્તાહમાં જ આખેઆખી આ ભ્રષ્ટાચારી પાર્ટી ભાજપની સાથે બેસી જાય છે. તેના નેતા અજિત પવાર સીધા જ ડેપ્યુટી સીએમ બની જાય છે અને ઈડીની ફાઇલવાળા કેટલાક નેતાઓ પ્રધાનો પણ બની જાય છે. તેના કારણે ભ્રષ્ટાચારના આરોપો માત્ર રાજકીય જ ગણાવા લાગ્યા છે તે ચિંતાનું કારણ છે.
એક જમાનામાં સીબીઆઈની રેડ પડે ત્યારે થતું હતું કે આ વખતે હવે નેતાશ્રીએ બચવું મુશ્કેલ બનશે. લોકોને લાગતું કે ચાલો, કહેવા ખાતર પણ કોઈકની સામે કાર્યવાહી થાય છે. હવે એવું થાય છે કે કોઈને કશું થવાનું નથી એવી હતાશા પ્રજામાં પેસી જાય છે. ભૂતકાળમાં પણ ભારતના રાજકારણના ભ્રષ્ટાચાર મુદ્દો બનતો નહોતો. ભ્રષ્ટાચાર છતાં પ્રધાન વારંવાર ચૂંટાતા હતા અને ફરી પ્રધાન બનતા હતા. આખી સરકાર ભ્રષ્ટાચારના આરોપો છતાં ફરી જીતીને આવતી હતી. ભ્રષ્ટાચારની સાથે મોંઘવારી કે બેકારી જેવા કે એકાદ લોકલાગણીનો મુદ્દો જોડાય ત્યારે પરિવર્તન આવતું હતું. તે વખતે ચર્ચા માટે એવું કહેવાતું કે ભ્રષ્ટાચારને કારણે સરકાર જતી રહી, પણ સાચી વાત એ છે કે એવું થતું નહોતું.
તે પછી રામલીલા મેદાનમાં ભ્રષ્ટાચાર સામે અને કૌભાંડ પ્રતિ કૂણી લાગણી સામે એક આંદોલન થયું. લોકોને લાગ્યું કે સિસ્ટમમાં કરપ્શન ઘૂસી ગયું છે તેને કાઢવા માટે કશુંક તો થવું જોઈએ. લોકશાહી હવે પ્રૌઢ થઈ છે ત્યારે ભ્રષ્ટાચાર સામે ગંભીરતા આવશે, તેની સામે કેસ થશે અને નેતાઓને પણ જેલમાં જવું પડશે. ચારા કૌભાંડમાં દાયકા પછી ગેરરીતિ સાબિત થઈ, પણ એવા કિસ્સા અપવાદ બની રહ્યા છે. નવેસરથી એક સ્થિતિ એવી ઊભી થઈ કે ભ્રષ્ટાચાર રાબેતા મુજબ ચાલતો રહ્યો અને ભાગ્યે જ કોઈની સામે નમૂનારૂપ કાર્યવાહી થઈ. પછી તો એક પેટર્ન દેખાવા લાગી, જે હવે બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. વિપક્ષની સામે, પોતાના હરિફોની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી દો, ઈડી, સીબીઆઈ દ્વારા આરોપો મૂકી દો અને પછી રાજકીય પ્રચારમાં તેને ચગાવો. કેસ કેસની જગ્યાએ અને ફાયદો લેવાની કોશિશ ચૂંટણીના મેદાનમાં. નાગરિકોને સમજાવા લાગ્યું કે આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા. ભ્રષ્ટાચાર સામે આક્ષેપો અને આરોપો તો બહુ લાગે છે, પણ કામગીરી ત્યાંની ત્યાં છે. ફાઈલો તૈયાર થાય, દરોડા પડે, જબરો પ્રચાર થાય, ભ્રષ્ટાચારી નેતાની રાજકીય કારકીર્દિ રોળાઈ જાય, પણ પછી કશુ ના થાય. બીજા નેતાઓને ડર લાગે, અધિકારીઓ ગેરરીતિથી ડરવા લાગે તેવી સજા તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેમ થતી નથી – એવા સવાલો સ્વંયભૂ જનતા પૂછવા લાગી છે.
મહાદેવ એપ અબજો રૂપિયાનું કરી ગઈ છે તેના અહેવાલો આવવા લાગ્યા હતા, પણ ચોંકાવનારી વાત છે કે હવે છેક ઈડીએ ભલામણ કરી ત્યારે તેને બ્લોક કરવાની કામગીરી થઈ છે. કુલ 22 ગેરકાયદે એપને બંધ કરવા માટે હવે છેક આદેશ થયો છે. ઓનલાઇન લોન આપીને અબજોની છેતરપિંડી કરનારી ચીની એપ્સ ચાલતી જ રહી છે. અનેક લોકોએ આત્મહત્યા કરવી પડે તે હદે ઉઘરાણી માટે ત્રાસ આપતો હતો. પઠાણી ઉઘરાણી શબ્દ તો તેની આગળ પાણી ભરે એટલી ગંદી રીતે લોકોને હેરાન કરાતા હતા. છતાં લોન આપનારી એપ બિન્ધાસ્ત છેતરપિંડી કરી રહી છે. ઓનલાઇન સ્કીલ ગેમ્સના નામે આખું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ઓનલાઇન ગેમ્સમાં રોજેરોજ લોકો અબજો રૂપિયા ગુમાવી રહ્યા છે. આખું જુગારખાનું ધમધમે છે અને કશું થતું નથી. સટ્ટાબાજી માટેની એપ્સ ધમધમે છે અને કશું થતું નથી.
આ તો કોંગ્રેસના એક સીએમ સામે મહાદેવ એપ્સના નામે આરોપો મૂકવાનું થયું એટલે પછી એપ્સ બંધ કરાવવા માટેની કાર્યવાહી થઈ.
અન્યથા કરોડો રૂપિયાની કટકી આપનારી ઓનલાઇન સટ્ટા બેટિંગની એપ્સને ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન કામગીરી તો કરવા દેવી પડેને… હેં ભાઈ… આવું પ્રજા કટાક્ષમાં બોલી રહી છે. મહાદેવ બૂકની ઓફિસોમાં છત્તીસગઢમાં દરોડા પડ્યા પછી હવે છેક તેને બ્લોક કરવાની કામગીરી થઈ છે. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારની પોલીસ ઉંઘતી હતી અને મહાદેવ બૂકની બેફામ ઓનલાઇન છેતરપિંડી ચાલતી હતી. ઈડીએ આવીને દરોડા પાડવા પડે તેના બદલે પોલીસે દરોડા પાડવાની જરૂર હતી. પોલીસ પાસે પણ એવા કાયદા છે જ કે પોતાની રીતે કાર્યવાહી કરી શકે. એ વાત સાચી કે એપ્સને બ્લોક કરવાની કામગીરી કેન્દ્ર સરકારે કરવાની હોય. પરંતુ છત્તીસગઢની પોલીસે મહાદેવ સામે મજબૂત કેસ કરીને કેન્દ્ર સરકાર સામે મૂકવાની જરૂર હતી કે જુઓ આ બેટિંગ રેકેટે… આ એપ્સ બંધ કરો.
પણ કોઈ કશું કરતું નથી. રાજકીય પક્ષો સૌથી વધુ વાત ભ્રષ્ટાચાર નાબૂદીની કરે છે અને 75 વર્ષમાં જનતા જોઈ રહી છે કે ભ્રષ્ટાચારની ગતિ અને પ્રગતિ જીડીપીની ઝડપે જ વધી રહી છે.