– ગઈ મોસમમાં ઓછા વરસાદને કારણે રૂની ઉપજ પર અસર
Updated: Nov 19th, 2023
મુંબઈ : ૧લી ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૨૩-૨૪ની મોસમ માટે કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ)એ રૂનો પાક અંદાજ ઘટાડી ૨૯૪.૧૦ લાખ ગાંસડી મૂકયો છે. મોસમના પ્રારંભમાં મુકાયેલા અંદાજમાં એક લાખ ગાંસડીનો ઘટાડો કરાયો છે.
ઉત્તર ભારતમાં ખાસ કરીને હરિયાણામાં ગુલાબી ઈયળને કારણે રૂના પાકને નુકસાન થયાના અહેવાલો હતા.
૨૦૨૩-૨૪ની મોસમમાં ૨૮.૯૦ લાખ ગાંસડીના ઓપનિંગ સ્ટોક ૨૯૪.૧૦ લાખ ગાંસડી ઉત્પાદન અંદાજ તથા ૨૨ લાખ ગાંસડીની આયાત સાથે રૂનોકુલ પૂરવઠો ૩૪૫ લાખ ગાંસડી રહેવા ધારણાં છે, એમ એસોસિએશનના પ્રમુખ અતુલ ગણાત્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
ગઈ વેળાની મોસમમાં કુલ પૂરવઠો ૩૫૫.૪૦ લાખ ગાંસડી અંદાજાયો હતો. જો કે તેમાં પણ ઘટ જોવા મળવાની શકયતા છે.
રૂનો પાક લેતા રાજ્યોમાં ઓગસ્ટથી મધ્ય સપ્ટેમ્બરના ગાળામાં વરસાદની અછત રહેતા પાકનો વિકાસ રૂંધાયો હતો એમ પણ તેમણે જણાવ્યું હતું.