અમદાવાદમાં વનડે વર્લ્ડ કપ 2023 ફાઈનલ યોજાશે તેના માટે સ્ટાર હોટેલોમાં તગડાં પેકેજ તૈયાર થયા છે – ટિકિટ સહિત બે દિવસના એક લાખથી બે લાખ રૂપિયા સુધીના પેકેજ
ક્રિકેટમાં અઢળક નાણું છે એ વાત કંઈ નવી રહી નથી. અત્યારે એવું થયું છે કે આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનો સમગ્ર આધાર ભારતના ક્રિકેટ બોર્ડ પર છે. ભારતનું ક્રિકેટ બોર્ડ એટલે બીસીસીઆઈ. આ બોર્ડ કંઈ સરકારી નથી. ઘણા બધા લોકોને ખબર નથી કે આ એક ખાનગી સંસ્થા છે. તેના પર નિયંત્રણ હોવું જોઈએ કે નહીં તેનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલો અને ત્યારે આ સંસ્થાના સંચાલકોએ કહેલું કે અમારું સ્વતંત્ર એસોસિએશન છે. અમારે જે કરવું હોઈએ એ કરીએ, સરકાર કે કોઈ સરકારી એજન્સીમાં તેમાં દખલ દેનારું કોણ…
આવું બિન્ધાસ્ત બીસીસીઆઈ બોલી હતી, તેનું કારણ એ કે બીસીસીઆઈમાં બેઠેલા લોકો નકરા રાજકારણીઓ છે. એ પણ રાજકાણરના માંઘાતા. અસલી દોરીસંચાર નેતાઓના હાથમાં છે. સાથે ભૂતપૂર્વ ક્રિકેટરોને રાખવામાં આવે છે, જેથી જરા સારું લાગે અને જરાક સહેલું પડે. કેમ કે કોચિંગ વગેરે કામ કરવા કંઈ નેતાઓ બેસવાના નથી. સિલેક્શન માટે પણ કમિટિ હોય તેમાં ભૂતપૂર્વ પ્રતિષ્ઠિત ક્રિકેટર્સ હોય, પણ તેમાં રાજ્યોનું રાજકારણ આવે છે અને નેતાઓની ભલામણ નથી જ ચાલતી એવું નથી.
જોકે અત્યારે એ મુદ્દો નથી, પણ એ ચર્ચા થઈ રહી છે કે ક્રિકેટની રમતમાં વધી રહેલું નાણાનું જોર તેને હવે સામાન્ય જનતા, અથવા તો કહો કે ક્રિકેટની જે ખરેખર ચાહક પ્રજા છે તેનાથી દૂર થઈ રહી છે. સ્ટેડિયમમાં મેચ રમાતી હોય ત્યારે તે જોવા આવનારામાં એવા દર્શકો હોવા જોઈએ, જેમને ક્રિકેટની ખરેખર ચાહત હોય. ક્રિકેટમાં થોડી સમજ પણ પડતી હોય. તેના બદલે સ્ટેડિયમમાં જઈને સેલ્ફી લેવી એ એક ટ્રેન્ડ થયો છે અને માત્ર પર્યટનની જેમ લોકો સ્ટેડિયમમાં જાય છે. ક્રિકેટના ક વિશે કંઈ ખબર છે કે કેમ, તેનો કકળાટ નહીં કરવાનો, પણ પેલી દેખાદેખીવાળી વાત અહીં આવે છે – દાર્જિલિંગમાં હવે કંટાળો આવે છે અને ગોવાની ગલીની આપણને ખબર!
અમે મેચ જોવા ગયા હતા એવું કહેવાનો ચાલ છે અને તે માટે લાખો રૂપિયા ખર્ચવાની તૈયારી છે. ક્રિકેટર બનવાની તમન્ના રાખનારો મધ્યમ વર્ગનો મોટેરા ગામનો છોકરો એ દિવસે ઘરની બહાર પણ નીકળી શકશે નહીં. ચારે બાજુ ભારે પોલીસ બંદોબસ્ત અને બ્લેકમાં ટિકિટ ખરીદવાની તેના પરિવારની ત્રેવડ નથી. આ વાત હવે સોશ્યલ મીડિયામાં પણ ચગી છે અને ઘણા લોકો નારાજી બતાવી રહ્યા છે કે ક્રિકેટને માત્ર તમાશો બનાવી દેવાયો છે. માત્ર ધનિક લોકોના મનોરંજન માટેનું વધુ એક માધ્યમ. આઈપીએલમાં તમને ખબર હશે… મેચ પતે પછી આખી રાત પાર્ટી ચાલતી હતી. તેમાં શરાબ અને શબાબની રેલમછેલ થતી હતી. મોડેલોને ઈરાદાપૂર્વક ત્યાં લાવવામાં
આવતી હતી અને એવું પણ કહેવાય છે કે સોફિસ્ટિકેટેડ સેક્સ રેકેટ આ બહાને ચાલવા લાગ્યું હતું.
એકાદ ક્રિકેટર કે ભાવી ક્રિકેટર કે આઈપીએલમાં કમસે કમ સ્ટાર થઈ જાય એવો કોઈ ક્રિકેટર મળી જશે તે માટે યુવતીઓ ગમે તેમ કરીને આ પાર્ટીમાં જવા માટે તલપાપડ રહેતી હતી એવી ગોસીપ ચાલતી રહી છે. અત્યારે પણ એવું થયું છે કે ભારતની મેચ હોય ત્યારે ગમે તેમ કરીને સ્ટેડિયમની ટિકિટ મળવી જોઈએ, પાસ મળવો જોઈએ, પ્રવેશ મળવો જોઈએ. આ ક્રિકેટની રમત માટેનો પ્રેમ નથી, કદર નથી. આ નર્યો દેખાવ છે, દેખાદેખી છે, નેટવર્કિંગ છે, વેપલો છે.
નાણું આવવાને કારણે કોઈ સ્પોર્ટસને ઉત્તેજન મળતું હોય ત્યાં સુધી વાંધો નથી. સારી કરિયર બની શકતી હોય તો યુવાનો રમતગમતમાં રસ લેતા થાય. પરંતુ ક્રિકેટમાં જે થઈ રહ્યું છે તે અતિરેક છે. સદગૃહસ્થોની ગેમ એવું કહેવાતું … જેન્ટલમેન્સ ગેમ તરીકે ક્રિકેટને ઓળખવામાં આવતી હતી. સૂગાળવા અંગ્રેજો પોતાની ઉન્નતભ્રૂ અવસ્થા દેખાડવા માટે, બીજાને નીચા દેખાડવા માટે વસાહતો સ્થાપી ત્યાં ક્રિકેટ રમીને બીજી ગેમ્સને
ગેડીદડા ગણાવવાની કોશિશ કરેલી. એ જ ક્રિકેટમાં ગોરાઓ ગાંડા થઈ જાય એવું હવે ભારત અને દક્ષિણ એશિયામાં થઈ રહ્યું છે. અમેરિકા અને કેનેડામાં તેને પ્રમોટ કરવાની કોશિશ થઈ રહેલી છે, ત્યાં લક્ષણ એવા લાગે છે કે તેમાં ભારતીયો અને દક્ષિણ એશિયનો છવાઈ જવાના છે.
અમેરિકામાં કોઈ પણ માર્કેટિંગ થાય તે બહુ ભ્રમિત કરવાનું હોય છે. આજે સ્પોર્ટ્સમાં નાણાનું દૂષણ ઘૂસી ગયું છે તેના મૂળ અમેરિકામાં છે. અમેરિકનો માટે રમતગમત એક મોટો ધંધો છે. લીગનો સૌથી મોટો ધંધો અમેરિકામાં છે. ત્યાંના ઇન્વેસ્ટરો એવી રીતે ચર્ચા કરતા હોય છે કે કઈ ગેમ્સમાં રોકાણ કરવું જોઈએ અને કયા ખેલાડીમાં ઈન્વેસ્ટ કરવા જેવું છે. મ્યુઝિકને જે રીતે અમેરિકન કંપનીઓએ ધંધો બનાવ્યો છે અને કેવી રીતે સ્ટારને ખરીદવા, કોન્ટ્રેક્ટ કરવા તે મેનેજમેન્ટની મોટી સ્ટ્રેટેજી ગણાય છે. પ્રોફેશનલીઝમના નામે અમેરિકામાં જે રીતે સ્પોર્ટ્સનો ધંધો ચાલે છે તે આખી દુનિયાને ડહોળી રહ્યો છે. રમતગમતની ઉત્તમ માનવીય પ્રવૃત્તિને લૂણો લાગી રહ્યો છે.
ભારતમાં ક્રિકેટ યુવાનો માટે એક એવી ટાઇમપાસ પ્રવૃત્તિ છે, જે તેને આડાઅવળા માર્ગે જતા રોકે છે. યુવાનો ક્રિકેટમાં રહે અને તેમની મન અને તેનની તંદુરસ્તી સારી રહે તે માટે ભારતમાં ક્રિકેટને પણ શુદ્ધ રાખવાની જરૂર છે. તેમાં પૈસો આવે કે ફાઇવસ્ટાર હોટેલમાં બે દિવસનું બે લાખ રૂપિયાનું પેકેજ હોય ત્યાં સુધી વાંધો નથી. પરંતુ સ્ટેડિયમમાં પછી અસલ ક્રિકેટ ચાહકોને પ્રવેશ મળે જ નહીં, ભવિષ્યમાં તેનું લાઈવ પ્રસારણ જોવા માટે પણ મોટું પેકેજ લેવું પડશે તો તેનાથી દેશના યુવાધનનું જ નુકસાન થશે. યસ, એ પણ થવાનું છે – સસ્તા ડેટાને નામે લોકોને વ્યસની બનાવાઈ રહ્યા છે. એક વાર લત પાકી થઈ જાય ત્યારે મેચ જોવાના અલગથી પૈસા દેવા પડશે, તેની એક એક ક્લિપ જોવા માટે રૂપિયા કપાવવા પડશે. તમારે ઐયરની 106 મીટર લાંબી સિક્સરની નાનકડી ક્લિપ જોવી હશે તોય 106 પૈસા આપવા પડશે. લત લાગી હશે એટલે દસેક વાર જોઈ કાઢશો અને ત્યાં સુધીમાં તમારા દસ રૂપિયા, 60 પૈસા કપાઈ ગયા હશે. હાઉં.