ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે પોતાના દિગ્ગજ પેસ બોલર ટિમ સાઉથીને વિજયી ફેરવેલ આપવાની સાથે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ સામે કિવિ ટીમે 423 રનના જંગી માર્જિનથી વિજય હાંસલ કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ એક જ કેલેન્ડર વર્ષમાં 400 પ્લસ રનના માર્જિનથી હારનાર પ્રથમ ટીમ બની ગઈ છે.
ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડને ભારત સામે 434 રનથી પરાજયનો સામનો કરવો પડયો હતો. ન્યૂઝીલેન્ડ આપેલા 658 રનના અશક્ય લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ 234 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. હેમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે સુકાની બેન સ્ટોક્સ બેટિંગમાં આવ્યો નહોતો. ન્યૂઝીલેન્ડ માટે મિચેલ સાન્તેનરે 85 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં કુલ સાત વિકેટ ઝડપવા ઉપરાંત બંને દાવમાં 76 અને 49 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડના હેરી બ્રૂકને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડના બીજા દાવમાં જેકોબ બેથેલે 76 તથા જોઇ રુટે 54 રનની ઇનિંગ રમી હતી.
જોઇ રુટે વિવિધ રેકોર્ડ નોંધાવ્યા
ઇંગ્લેન્ડના જોઇ રુટે પાકિસ્તાનના જાવેદ મિયાંદાદને પાછળ રાખીને ન્યૂઝીલેન્ડ સામે સર્વાધિક રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી. કિવિ ટીમ સામે મિયાંદાદે 1,919 તથા રુટે 1,925 રન બનાવ્યા હતા. રુટ ભારત સામે ટેસ્ટ ફોર્મેટમાં 2,846 રન સાથે સર્વાધિક રન બનાવનાર ખેલાડી પણ છે. રુટે ન્યૂઝીલેન્ડમાં રેડ બોલ ફોર્મેટમાં 1,006 રન બનાવ્યા છે અને આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ વિદેશી ખેલાડી પણ બન્યો છે. રુટ ન્યૂઝીલેન્ડમાં સર્વાધિક આઠ વખત 50 પ્લસનો સ્કોર નોંધાવનાર વિદેશી ખેલાડી પણ છે.