એક મોટું ફ્રોડ સાબિત થાય તે રીતે ક્રિપ્ટોનો ધંધો ભારતમાં ફેલાયો હતો, તેમાં 90 ટકા ઘટાડો થયો છે ત્યારે તેના એક્સચેન્જ ચલાવનારા – જેન્યુઇન અને ફ્રોડ કરનારા બંને દુબઈ ભેગા થઈ ગયા છે
ક્રિપ્ટોમાં કામકાજ કરનારા ગણ્યાગાંઠ્યા જ જેન્યુઇન કહેવાય તેવા હોય છે. મોટા ભાગના ફ્રોડ કરનારા છે. તમારા મૂડીરોકાણને અનેકગણું કરી આપવાના નામે લોકોને લાખો અને કરોડોમાં ડૂબાડી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચૂંટણી પહેલાંનો પેલો કિસ્સો યાદ હશે. કોંગ્રેસના સૌરાષ્ટ્રના એક ધારાસભ્યના ત્રણથી વધુ કરોડ રૂપિયા ક્રિપ્ટોમાં ફસાયા હતા. માથે દેવું થાય તેમ હતું એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળી જવું પડ્યું હતું. ક્રિપ્ટોમાં અનેક લોકો છેતરાયા છે અને લાખો ગુમાવ્યા છે, પણ તેમાં કોને ફરિયાદ કરવી એ જ ખબર પડે તેમ નહોતી. ક્રિપ્ટોનો આખો ધંધો જ ગેરકાયદે જેવો હતો. તેના પર કોઈ રેગ્યુલેશન્સ નહોતું. તે પછી કેન્દ્ર સરકારે આખરે પગલાં લીધા અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર નજર રહે તે માટે ટીડીએસ નાખવાનો નિર્ણય કર્યો હતો. ક્રિપ્ટો માટે કોઈ પણ ટ્રાન્સફર થાય ત્યારે તેના પર એક ટકા ટીડીએસ ભરવાનો નિયમ 2022માં લાગુ પડ્યો હતો.
આરબીઆઈને આંકડાં મળે, ક્યાં કેટલું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે તેની ખબર પડે અને જેન્યુઈનની સામે ફ્રોડ કરનારાને અલગ તારવી શકાય તે માટેના આ પ્રયાસો હતો, પણ તેમાં ખાસ કંઈ આગળ થયું નથી. આરબીઆઈ અને સેબી જેવી નિયંત્રક સંસ્થાઓ પાસે બીજા પણ બહુ કામ છે. એ કામમાં પણ આ સંસ્થાઓ કંઈ ભલીવાર કરતી નથી ત્યારે ક્રિપ્ટોમાં ખાસ કોઈ નિયંત્રણ થઈ શક્યું હોય તેવું દેખાયું નથી.
પરંતુ થયું એવું કે એક વાર એક ટકો ટીડીએસ ભરવાનો થાય એટલે તમારું નામ ચોપડે તો ચડે. ક્રિપ્ટોમાં મોટા ભાગે કાળાબજારિયા, નેતાઓ, અધિકારીઓ, બૂટલેટરો, માફિયાઓના પૈસા રોકાયા હતા. જગતની એજન્સીઓથી છુપાવા માટે અને દુનિયાભરમાં પોતાની રીતે નાણાકીય લેવડદેવડ કરવા માટે ક્રિપ્ટોનો આશરો લેવાનું શરૂ થયું હતું. એક રીતે આ ઓનલાઇન હવાલા જેવું થવા લાગ્યું હતું. તેના કારણે ઘણા બધા લોકોએ ક્રિપ્ટોનું કામકાજ બંધ કરી દીધું. લગભગ 90 ટકા કામકાજ ઠપ થઈ ગયું છે. દાખલા તરીકે ભારતમાં એક કંપની બહુ જાણીતી થઈ હતી. ચાર જ વર્ષમાં આ કંપનીનું ટર્નઓવર 43 અબજ ડોલર જેટલું જંગી થઈ ગયું હતું. 2022 સુધીમાં ચાર વર્ષમાં આટલી જંગી પ્રગતિ પછી કામકાજ ઘટવા લાગ્યું. ટીડીએસ લાગ્યો તે પછી હવે માત્ર 4 અબજ ડોલરનું કામકાજ રહી ગયું છે.
ભારતમાં ક્રિપ્ટો મોટું કૌભાંડ સર્જશે અને અનેક લોકોના લાખો રૂપિયા ડૂબી જશે એવું લાગ્યું તે પછી સરકારે નિર્ણય કરવો પડ્યો હતો. ક્રિપ્ટોને સત્તાવાર ગણવી કે ના ગણવી તેની ડિબેટ પણ ચાલતી રહી છે, કેમ કે ટીડીએસ નાખવાની વાત હતી, પણ સત્તાવાર રીતે ક્રિપ્ટોનું શું ગણવાનું તે સ્પષ્ટ થતું નહોતું. તે મૂડીરોકાણ છે, એસેટ છે કે ચલણ છે તે વ્યાખ્યા નક્કી કરવાની જરૂર જણાતી હતી. આ ટેક્નોલોજી એવી છે કે વ્યાખ્યા કરવી મુશ્કેલ બને. એક વાર તમારા નાણાંનું ક્રિપ્ટો તૈયાર થઈ જાય પછી તમે તેની લેતીદેતી કરી શકો. પણ ક્રિપ્ટો લેતી વખતે અથવા ક્રિપ્ટો વટાવતી વખતે એટલે કે રૂપિયામાં તેને પાછા લેતી વખતે તો બેન્ક પાસે જવું જ પડે. બીજું કે ટીડીએસ ભરવાના કારણે એક પ્રકારની નોંધ પણ થવા લાગી અને સરકાર પાસે ડેટા પણ એકઠો થવા લાગ્યો હતો.
કામકાજ ઘટ્યું તે પછી ઘણા બધા ક્રિપ્ટો એક્સચેન્જ દુબઈ જતા રહ્યા છે. દુબઈ માફિયાઓ માટેનું પણ આશ્રયસ્થાન છે અને કાળી કમાણી કરનારાને પણ છુપાવાનું અને કમાણી છુપાવાનું એક સ્થાન છે એ પણ અજાણ્યું નથી. ટીડીએસ ભરો એટલે નોંધ થાય અને પછી ક્રિપ્ટો વેચવામાં આવે અને નફો થાય ત્યારે તેન પર 30 ટકા ટેક્સ લેવાનું પણ નક્કી થયું હતું. વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ તેને ગણીને, 50,000 રૂપિયાથી વધારેનો નફો થાય ત્યારે 30 ટકા ટેક્સ ભરવાનો હતો.
આરબીઆઈએ વારંવાર ચેતવણી આપી હતી કે ક્રિપ્ટોની કોઇ અંડરલાયિંગ વેલ્યૂ નથી. એટલે કે ધારો કે તમે એક લાખના ક્રિપ્ટો લીધા અને પછી કંઈક ગરબડ થઈ તો તમને એ એક લાખ રૂપિયા કોણ આપે? કોઈ નહીં. તમે કોકના ગળે પધરાવી દો એ જુદી વાત છે, પણ તમારી પાસે જ રહી ગયા અને કોઈ ગોટાળો થયો તો તમારા પૈસા ડૂબી જાય. આ પ્રકારને ફ્રોડ થશે તો મોટી ફાઇનાન્શિયલ ઇન્સ્ટેબિલિટી થશે એવી ચિંતા આરબીઆઈએ કરી હતી. ચિંતા એ વાતની હતી કે ક્રિપ્ટો કંપનીઓ લાખો રૂપિયાની એડ ઓનલાઇન આપીને લોકોને લલચાવતી રહી હતી. તેના કારણે કરોડો અને અબજોનું કૌભાંડ થાય તેમ હતું. અત્યારે ટેક્સને કારણે 90 ટકા કામકાજ ઘટ્યું છે, પણ જેના પૈસા ઓલરેડી રોકાઈ ગયા છે તેમનું શું થશે? અત્યાર તો વિદેશમાં એક્સચેન્જ કંપનીઓ છે તે લેવેચ કરી આપે છે અને ટેક્સ ભરનારા પણ લેવેચ કરી શકે છે, પણ કંઈક ગરબડ થઈ ત્યારે…