ફ્રાન્સના માયોટમાં ચક્રવાત ચિડોએ ભારે તબાહી મચાવી છે. જેના કારણે ઘણા લોકોના મોત થયા છે, ત્યારે અધિકારીઓનું કહેવું છે કે આ સંખ્યા હજારોમાં હોઈ શકે છે. કુદરતના કહેરના વચ્ચે બધુ જ પાયમાલ થઈ ગયું છે. ત્યારે આ અંગે વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે, માયોટમાં ચક્રવાત ચિડોના કારણે થયેલી તબાહીથી હું ખૂબ જ દુઃખી છું. મારા વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વમાં ફ્રાન્સ દુર્ઘટનામાંથી જલ્દી બહાર આવશે: પીએમ મોદી
પીએમ મોદીએ આ પોસ્ટમાં વધુમાં કહ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વમાં ફ્રાન્સ આ દુર્ઘટનામાંથી બહાર નીકળશે. ભારત ફ્રાન્સ સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય મદદ આપવા માટે તૈયાર છે. બીજી તરફ, માયોટ પ્રીફેક્ટ ફ્રાન્કોઈસ-ઝેવિયર બ્યુવિલેએ કહ્યું, મને લાગે છે કે આ દુર્ઘટનામાં સેંકડો લોકોના મોત થયા છે. કદાચ આ સંખ્યા એક હજારની આસપાસ હોઈ શકે અથવા હજારો સુધી પણ પહોંચી શકે.
માયોટમાં 90 વર્ષમાં આ સૌથી ભયંકર ચક્રવાત
તેમણે અગાઉ કહ્યું હતું કે ચક્રવાત ચિડો 90 વર્ષમાં માયોટમાં ત્રાટકેલું સૌથી ખરાબ અને ભયંકર ચક્રવાત છે. બ્યુવિલે જણાવ્યું હતું કે શનિવારના રોજ માયોટમાં આવેલા ઘાતક ચક્રવાતને કારણે મૃત્યુ અને ઈજાઓની ચોક્કસ સંખ્યા નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ છે. ચક્રવાતને કારણે એરપોર્ટ સહિત જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે.
ચક્રવાત ચિડોના કારણે ઘણા વિસ્તારો આખે આખા તબાહ થઈ ગયા
ચક્રવાત ચિડોના કારણે ઘણા વિસ્તારો આખે આખા તબાહ થઈ ગયા છે અને વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, ફ્રાન્સના ગૃહ મંત્રાલયે રવિવારે 11 લોકોના મોત અને 250થી વધુ લોકોના ઘાયલ થવાની પુષ્ટિ કરી હતી, જેમાં 140 નાગરિક સંરક્ષણ સૈનિકો અને ફાયર વિભાગ સહિત વધારાના દળોને રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યા હતા. આ ચક્રવાત દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાંથી પસાર થયું હતું, જેણે કોમોરોસ અને મેડાગાસ્કરને પણ અસર કરી હતી. ત્યારે માયોટ શહેર પણ આ ચક્રવાતના માર્ગમાં સીધું આવે છે, જેના કારણે અહીં ભારે નુકશાન થયું હતું.