ઢસાના 95 વર્ષના વૃદ્ધાની અંતિમ ઈચ્છા અનુસાર ઢોલ નગારા સાથે અંતિમ યાત્રામાં પરિવારજનો અને ગ્રામજનો જોડાયા
સ્વજનની અંતિમ ઈચ્છાને માન આપી દેહદાન અને ચક્ષુદાન કરી પરિવારજનોએ ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું.
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિની અંતિમયાત્રા શોકનો પ્રસંગ ગણાય છે અને આ સમયે લોકોમાં ભારે ગમગીનીનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ જેમ લોકો અનોખી રીતે લગ્ન કરીને તેને યાદગાર બનાવે છે. તેમ ઢસા ગામમા અનોખી સ્મશાન યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રા જોઈને સૌ કોઈ આશ્ચર્ય માં મુકાયા હતા કારણ કે આ સ્મશાન યાત્રામાં પરિવારજનો દ્વારા લગ્નનાં વરઘોડા જેવા ઠાઠ સાથે મોભીને અનોખી વિદાય આપવામાં આવી હતી.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે રહેતા સ્વ.વાઘાભાઈ રાજપરાના પત્ની જમનાબેનનું 95 વર્ષની વયે મૃત્યું થતા પરિવારજનોએ તેમની ઈચ્છા મુજબ મહત્વનો નિર્ણય લીધો હતો. સ્વ.જમનાબેનના દિકરા અને તેમના પરિવારજનોએ જમનાબેનના અંગને રાજકોટ એઈમ્સ હોસ્પિટલના મેડિકલ કોલેજના વિધાર્થીઓના અભ્યાસ માટે દેહદાન અને ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે જમનાબેનની અંતિમયાત્રા નીકળી હતી. જમનાબેનના પરીવાર દ્વારા ઉત્તમ નિર્ણય લેતા ઢસા ગામના આગેવાનો અને લોકોએ જમનાબેનના પરિવારને અભિનંદન આપ્યા હતા.આમ જમનાબેનના પુત્રો અને તેના પરિવારે કરેલ નિર્ણય સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
જમના બેનની અંતિમ ઈચ્છા હતી કે તેમના મોત પર પરિવાર શોક નહીં પણ આનંદથી ઉજવણી કરે. તેમની આ ઈચ્છાને માન આપી પરિવાર દ્વારા ઢોલ-નગારા સાથે સ્મશાનયાત્રા કાઢવામા આવી હતી. ઢસા ગામની શેરીઓમાં આ અંતિમયાત્રા નીકળતા લોકો મોટી સંખ્યામાં આ અનોખા દૃશ્યો જોવા માટે ઉમટી પડ્યા હતા. ગામના વૃદ્ધાને તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલી આ વિદાઇને ગ્રામજનોએ પણ વખાણી હતી. સાથે-સાથે સદગતનાં આત્માની શાંતિ માટે સૌ કોઈએ પ્રાર્થના પણ કરી હતી. જોકે આ અનોખી અંતિમયાત્રા ઢસા સહિત સમગ્ર બોટાદ જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
જમનાબેન રાજપરાનું 95 વર્ષે દુઃખદ અવસાન થતા પરિવારે ઢસા ગામની અંદર બા ની ઈચ્છા અનુસાર દેહદાન કર્યું એમના પરિવાર માંજ કિડની મેળવનાર વર્ગીસ ભાઈ અને પરિવારે આજે વહેલી સવારે ઓર્ગન ડોનેશન ફોઉંડેશન ની ટીમના ભાવનાબેન તથા ભાવેશભાઈ ઝીંઝુવાડિયા નો સંપર્ક કર્યો ગોકુલ હોસ્પિટલ ના ડિરેક્ટર પ્રકાશ મોઢા સાહેબે એઇમ્સ માં દેહદાન ની જરૂરિયાત વિષે વાત કરેલી આજે સંજોગવશ તેણીનુ દેહદાન થયું અને એઇમ્સ ખાતે પાર્થિવ દેહનુ દાન સ્વીકારાયું હતું.