સામાન્ય રીતે પોલીસનું કામ ગુનેગારો સામે કાર્યવાહી કરવાનું અને તેમને કોર્ટમાં સજા કરાવવાનું છે. પરંતુ કાનપુર પોલીસની અનોખી સ્ટાઈલ સામે આવી છે. અહીં એક પોલીસ સ્ટેશનમાં ગુનેગારોને સજા અપાવવાનું તો દૂર પણ 11 કેસની કેસ ડાયરી જ પોલીસ સ્ટેશનમાંથી ગુમ થઈ ગઈ છે. વર્ષોથી ગુમ થયેલી આ ડાયરી અહીંથી મળી ન હતી ત્યારે હવે પોલીસ સ્ટેશનના દિવાને 7 સબ ઈન્સ્પેક્ટર સહિત 9 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ વિભાગની મોટી બેદરકારી
કાનપુરમાં પોલીસ વિભાગમાં બેદરકારી અને ભ્રષ્ટાચારનો એક મોટો મામલો સામે આવ્યો છે. જે મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાંથી 11 ગુનાહિત કેસોની કેસ ડાયરી ગુમ થઈ છે. જેમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, લૂંટ અને બનાવટી જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. આ તમામ કેસ ડાયરીઓ પોલીસ સ્ટેશનના રેકોર્ડમાંથી ગાયબ છે, જેના કારણે આ કેસોની તપાસમાં મોટી અડચણ ઉભી થઈ રહી છે.
2008થી 2021 વચ્ચેનો છે મામલો
તમને જણાવી દઈએ કે આ રેકોર્ડને કોર્ટમાં પહોંચાડવાનો હતો પણ રસ્તામાં જ ક્યાંક ગાયબ થઈ ગયો. આ તમામ કેસ 2008થી 2021 વચ્ચેના છે. આમાં એક કેસ 16 વર્ષ પહેલાનો છે, જે ગેસ્ટ હાઉસના માલિક વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. આ તમામ કેસ ડાયરી કલ્યાણપુર પોલીસ સ્ટેશનની છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનના વડા દિવાન પ્રતાપ ભાન સિંહે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં 7 ઈન્સ્પેક્ટર સહિત 9 પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
ત્યારે આ ઘટનાએ પોલીસ વિભાગની પારદર્શિતા અને જવાબદારી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. અધિકારીઓનું કહેવું છે કે કેસની ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તેમાં ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર કુમાર રામચંદ્ર દોહરે, ચંદ્રભાન સિંહ, નરેન્દ્ર બહાદુર સિંહ, પ્રેમ બાબુ ગોયલ, દિનેશ કુમાર સિંહ અને ઈમ્તિયાઝ અહેમદ છે. આ સિવાય બે કોન્સ્ટેબલ બ્રિજેશ કુમાર મિશ્રા અને પુષ્પેન્દ્ર સિંહ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.