અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે અમેરિકાએ સીરિયામાં સૈન્ય કાર્યવાહી ટાળવી જોઈએ. તેમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે “આ અમારી લડાઈ નથી.” ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિદ્રોહી રાજધાની દમિશ્કના ઉપનગરોમાં પહોંચી ગયા છે.
તેમને કહ્યું કે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સત્તામાં રહેવા માટે અમેરિકન સમર્થનને લાયક નથી. ટ્રમ્પે કહ્યું કે કારણ કે રશિયા અસદનું સાથી છે, જે યુક્રેન સાથે યુદ્ધમાં ફસાયેલું છે, તે ‘સીરિયામાં જે થઈ રહ્યું છે તેને રોકવામાં અસમર્થ જણાય છે.’
‘અમેરિકાને તેની સાથે કોઈ લેવાદેવા નથી’
ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ સીરિયામાં 13 વર્ષ જૂના યુદ્ધમાં અમેરિકાના સમગ્ર સંચાલનની પણ નિંદા કરી હતી. તેમને શનિવારે પોસ્ટમાં લખ્યું હતું કે, “સીરિયા અરાજકતામાં છે, પરંતુ તે અમારો મિત્ર નથી અને અમેરિકાને તેની સાથે કોઈ લેવાદેવા ન હોવી જોઈએ. આ અમારી લડાઈ નથી. તેમાં સામેલ થશો નહીં.”
મોટા શહેરો પર વિદ્રોહીઓનો કબજો
આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે વિદ્રોહીઓએ સીરિયાના ત્રણ મોટા શહેરો પર કબજો કરી લીધો છે, જેમાં અલેપ્પો, હોમ્સ અને દારાનો સમાવેશ થાય છે. વિદ્રોહીઓએ રાજધાની દમિશ્કને ઘેરી લીધું છે. સીરિયન વિદ્રોહી જૂથ ‘જેહાદી હયાત તહરિર અલ-શામ’ જૂથ (એચટીએસ)ના વડા અબુ મોહમ્મદ અલ-ગોલાનીએ સીરિયાથી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હુમલાનો હેતુ અસદની સરકારને સત્તા પરથી હટાવવાનો છે.
PM જલાલીએ શું કહ્યું?
સીરિયાના વડાપ્રધાન મોહમ્મદ ગાઝી જલાલીએ એક વીડિયો નિવેદન જાહેર કર્યું છે. વડાપ્રધાન જલાલીએ કહ્યું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે વિપક્ષને શાસનની બાગડોર સોંપવા તૈયાર છે. “હું મારા નિવાસસ્થાને છું અને ક્યાંય ગયો નથી, અને આ એટલા માટે છે કારણ કે હું મારા દેશને પ્રેમ કરું છું,” તેમને કહ્યું કે તે કામ કરવા માટે તેની ઓફિસમાં જશે અને સીરિયન નાગરિકોને જાહેર સંપત્તિનો નુકસાન ન પહોંચાડવાની વિનંતી કરવામાં આવી છે.