ડેન્ગ્યૂના ૧૨૫, મેલેરિયાના ૨૮ અને ચિકનગુનિયાના ૬૮ કેસ નોંધાઇ ચુક્યા છે
રાજકોટ ઉપર જીવલેણ નીવડી શકે એવા ડેન્ગ્યૂ સહિત મચ્છરજન્ય ના ઘાતક રોગચાળાએ રાક્ષસી પંજો ફેરવ્યો છે. છેલ્લા છ મહિનામાં મચ્છરજન્ય રોગચાળાના કુલ કેસ ૨૨૧ થઇ ગયા છે. જો કે આ આંકડો માત્ર સરકારી ચોપડે નોંધાયા હોય તે જ છે. ખાનગી હોસ્પિટલોમાં આવતા કેસના સંકલનની કોઇ વ્યવસ્થા મનપા પાસે ન હોય ખાનગી હોસ્પિટલોના આંકડા મેળવવા આવે તો ડેન્ગ્યૂના કેસની અકલ્પનીય અને ભયાવહ હકિકત સામે આવી શકે તેમ છે.
સામાન્ય રીતે ચોમાસામાં જ જ્યા વરસાદી પાણી ભરાઇ રહેતુ હોય ત્યાં જ ડેન્ગ્યૂના મચ્છરના લારવા થાય છે. પરંતુ ચોમાસુ પુરુ થઇ ગયુ અને શિયાળો શરૂ થઇ ગયો તો પણ ડેન્ગ્યૂનો ભરડો ઓછો થયો નથી. ચાલુ વર્ષમાં જ ડેન્ગ્યૂના કેસનો આંકડો સદી વટાવી ગયો છે. અત્યાર સુધીમાં સતાવાર કેસ ૧૨૫ નોંધાયા છે. આ આંકડો સરકારી ચોપડે નોંધાયા હોય તેવો છે. ખાનગી હોસ્પિટલમાં આ સતાવાર આંકડા કરતા અનેક ગણા ડેન્ગ્યૂના કેસ આવ્યા છે.
શહેરનો એકપણ વિસ્તાર એવો નહીં હોય જ્યા ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ ન હોય. રોગચાળાના સાચા આંકડા છુપાવવામા માહિર મનપાએ તેમના રિપોર્ટમાં દર્શાવેલા આંકડા અને સિવિલ હોસ્પિટલના ઓપીડીના આંકડામાં જમીન આસમાનનો તફાવત છે. ખાનગી હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગચાળાના કેસની ગંભીર સ્થિતિ છે. જ્યારે સરકારી ચોપડે ડેન્ગ્યૂના રોગચાળો કાબૂમા હોવાનું દર્શાવવામા આવે છે.