- અનેક વ્રતો અને શિવોપાસના માટે શ્રેષ્ઠ શ્રાવણ મહિનો આજથી શરૂ થઈ ગયો છે. આ અવસરે શિવપૂજનના માહાત્મ્યને જાણીએ
શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ. આ માસમાં ક્યારેય મંદિરે ન જનારો ભક્ત પણ શિવાલયે જઈને શિવજીની પૂજા-અર્ચના કરે છે. ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રિઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ક્યાંક ક્યાંક ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે ગંગાજળથી જળાભિષેક કરાય છે. ઘણાં શિવમંદિરોમાં પ્રાત:કાળથી રુદ્રાભિષેક કરવામાં આવે છે. રુદ્રાભિષેકમાં ગંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવવામાં આવે છે. આ માસ દરમિયાન અખંડ દીવો પણ રાખવામાં આવે છે. જે લોકો આધિ-વ્યાધિ અને ઉપાધિથી પીડાતા હોય તેમને શિવપૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે. આ શ્રાવણ માસમાં લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણાં પણ કરે છે. આમ, શિવજીની જેમ તેમના ભક્તો પણ અનોખા છે. બધા જ માસમાં શ્રાવણ માસનું મહત્ત્વ જ અનોખું છે
જળાભિષેકથી ભોળાનાથને પ્રસન્ન કરો
જે રીતે ભગવાન શંકરને સોમવારનો દિવસ પ્રિય છે તે જ રીતે માસોમાં શ્રાવણ માસ વિશેષ પ્રિય છે
શિવોપાસનાનું મહત્ત્વ
શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આશુતોષ ભગવાન શિવના ત્રિગુણ તત્ત્વ: સત, રજ, તમ, એમ ત્રણે પર સમાન અધિકાર છે. શિવ પોતાના મસ્તક પર ચંદ્રમાને ધારણ કરીને શશિશેખર કહેવાયા. શિવ એ ચંદ્રમાના ઈષ્ટદેવ છે. ચંદ્રમા પર તેમને વિશેષ સ્નેહ હોવાને કારણે ચંદ્રવાર અેટલે કે સોમવાર તેમને વધારે પ્રિય છે. આથી શ્રાવણ મહિનામાં સોમવારનું વિશેષ મહત્ત્વ છે. આમ તો ભગવાન શિવને બધા જ સોમવાર પ્રિય છે, પરંતુ શ્રાવણનો આખો માસ તથા તેમાં પણ આવતા સોમવાર શિવને અતિપ્રિય છે, કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળતત્ત્વ વધારે હોય છે, જે સોમ (ચંદ્ર) તત્ત્વ જ છે.
ભગવાન શિવની ઉપાસના માટે વેદાદિ શાસ્ત્રોમાં વિભિન્ન સ્વરૂપ દર્શાવવામાં આવ્યાં છે. શિવજીની મંત્ર ઉપાસનામાં પંચાક્ષરી `નમ:શિવાય’ અથવા `ૐ નમ:શિવાય’ અને મહામૃત્યુંજય વગેરે મંત્રોના જપનો વિશેષ મહિમા છે. મહામૃત્યુંજય મંત્રના જપ-અનુષ્ઠાનથી બધા જ પ્રકારના ભય તેમાં પણ ખાસ કરીને મૃત્યુનો ભય દૂર થઈને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તથા મહામારીથી શાંતિ, અન્ય ઉપદ્રવોથી શાંતિ તથા અભીષ્ટ પ્રાપ્તિ માટે રુદ્રાભિષેક વગેરે અનુષ્ઠાન કરવામાં આવે છે. શિવોપાસનામાં પાર્થેશ્વર પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ સિવાય ભગવાન શિવની માનસપૂજાનું મહત્ત્વ સર્વોપરી છે.
શ્રાવણ માસમાં જ્યાં શિવોપાસનામાં રત્નોથી નિર્મિત રત્નેશ્વર વગેરે શિવલિંગોની પૂજા કરીને અપાર વૈભવની પ્રાપ્તિ થાય છે. જ્યારે સરળતાની દૃષ્ટિએ બિલ્વપત્ર, જળ, અક્ષત અને મુખવાદ્ય એવા બમ-બમ ભોલેથી શિવ પ્રસન્ન થાય છે. ભગવાન શિવની કૃપા સહજ પ્રાપ્ત થાય છે. આથી તેમને આશુતોષ, ઉદાર શિરોમણિ કહેવામાં આવે છે. રોજ શિવ આરાધના કરવી શક્ય ન હોય તો સોમવારના દિવસે પણ શિવપૂજા અવશ્ય કરો અને વ્રત રાખો.
જે રીતે ભગવાન શંકરને સોમવારનો દિવસ પ્રિય છે તે જ રીતે માસોમાં શ્રાવણ માસ વિશેષ પ્રિય છે. આથી શ્રાવણ માસ અથવા તેના દરેક સોમવારના દિવસે શિવોપાસના કરવી જોઈએ. દરરોજ, સોમવાર તથા પ્રદોષકાળમાં શિવની પૂજા કરવાથી બધાં જ કષ્ટો દૂર થાય છે. શ્રાવણ માસમાં લઘુ રુદ્ર, મહારુદ્ર અથવા અતિરુદ્રના પાઠ કરવાનું વિધાન છે.
શ્રાવણ માસમાં જલાધારા પ્રિય શિવ
શ્રાવણ માસમાં શિવ આરાધના અને પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં દરેક વ્યક્તિની કામના હોય છે કે તેમને ઈશ્વરની ભક્તિ પ્રાપ્ત થાય. ઈશ્વર ભક્તિને જાણવાની લાલસા દરેક માણસને હોય છે, પરંતુ તે વ્યક્તિ ધાર્મિક અનુષ્ઠાન, પૂજાપાઠ અને નિયમોથી અજાણ હોવાના કારણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકતો નથી. આવી સ્થિતિમાં નિયમ અને પૂજાપાઠની અજ્ઞાનતાને કારણે ભક્તને અભીષ્ટ ફળની સિદ્ધિ મળતી નથી. શ્રાવણ માસમાં શિવજી પર જળ ચઢાવવા પાછળ ભારતીય પૌરાણિક કથા રહેલી છે. તે કથા આ મુજબ છે:
સમુદ્રમંથન દરમિયાન દાનવ અને દેવતાઓ દ્વારા અમૃત કળશ અને વિષ કળશ નીકળ્યા પછી જ્યારે વિષ પીવાનો વારો આવ્યો ત્યારે દેવતાઓ અને દાનવોએ તે પીવાનો ઈન્કાર કર્યો, કારણ કે તે વિષને કોઈ પચાવી શકે તેમ ન હતું. સંસારનાં હિત સાધવા માટે થઈને ભગવાન ભોળાનાથે હલાહલ વિષ પોતાના કંઠમાં ધારણ કરી દીધું, પરંતુ આમ કરવાથી ભગવાન ભોળાનાથને ચક્કર આવવા લાગ્યા. આથી ભગવાન ભોળાનાથે વિષની ગરમી ઓછી કરવા માટે ગંગા અને ચંદ્રમાને પોતાના શિર પર ધારણ કર્યા. તેનાથી ભોળાનાથના ચક્કર આવવા ઓછા થયા અને ગરમી પણ ઓછી થઈ. ભગવાન શિવની ગરમીને શાંત કરવા માટે શ્રાવણ માસમાં ભક્ત શિવજી પર જળાભિષેક કરે છે.
ભોળાનાથનાં નામો છે અપાર
પૌરાણિક માન્યતા અને ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ભોળાનાથની શ્રાવણ માસમાં પૂજા અને આરાધનાનું આગવું મહત્ત્વ છે. અવિવાહિત યુવતીઓ અને યુવકો લગ્નજીવન માટે સારાં વર-વધૂની પ્રાપ્તિ માટે શિવજી પર જળાભિષેક કરીને બિલ્વપત્ર ચઢાવે છે. નવવિવાહિત દંપતી પોતાના દાંપત્યની મંગલ કામના માટે શિવભક્તિ કરે છે, કારણ કે પૌરાણિક કથાઓમાં ભગવાન શિવને શીઘ્ર પ્રસન્ન થઈને ફળ આપનારા યોગેશ્વર, ભૂતેશ્વર, મહાકાલેશ્વર, તત્કાલેશ્વર અને કૈલાસવાસીના નામથી ઓળખવામાં આવે છે.
રાશિ અનુસાર શિવ-આરાધના
પોતાની રાશિ મુજબ જો જાતક વિશેષ વારે અને વસ્તુથી શિવની આરાધના કરે તો તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. મેષ-વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળવારના દિવસે લાલ પુષ્પો દ્વારા, વૃષભ-તુલાના જાતકોએ શુક્રવારના દિવસે સફેદ વસ્તુ, સફેદ ફૂલ, દૂધ, દહીં વગેરે દ્વારા, મિથુન-કન્યા રાશિના જાતકોએ બુધવારના દિવસે બીલીપત્ર, આકડો, ધતૂરો, ભાંગ દ્વારા, સિંહના જાતકોએ લાલ વસ્તુ અને ધન-મીન રાશિના જાતકોએ ગુરુવારના દિવસે પીળી વસ્તુ દ્વારા, મકર-કુંભ રાશિના જાતકોએ શનિવારના દિવસે કાળા અને નીલા પદાર્થો દ્વારા શિવ આરાધના કરવી જોઈએ.
કેવી રીતે કરશો શિવપૂજન?
બધાં જ ભોળાનાથને રિઝવવા ઇચ્છતા હોય છે અને તે માટેનો સૌથી મહત્ત્વનો માસ શ્રાવણ આવી ગયો છે. શ્રાવણ માસમાં નીચે પ્રમાણે જણાવેલી રીતે પૂજા કરવાથી શિવજીની પ્રસન્નતાને પામી શકાય છે.
- શ્રાવણ માસની કોઈ પણ તિથિ અથવા દિવસ અને ખાસ કરીને સોમવારે પ્રાત:કાળે ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદલવાળાં સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલાં ન હોય તેવાં કોમળ બિલ્વપત્ર પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત એટલે કે ચોખાના દાણા લો.
- સુંદર, સ્વચ્છ લોટા કે કોઈ પાત્રમાં જળ, જો શક્ય હોય તો ગંગાજળ લો. દૂધ લો. ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ-અગરબત્તી, ચંદન વગેરે લો.
- આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવમંદિરમાં જાઓ. જો શિવમંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ.
- શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો. ત્યારબાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો. હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો.
- ત્યારબાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને `ૐ નમ: શિવાય’ મંત્ર બોલતાં બોલતાં બિલ્વપત્ર ચઢાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.
- ભોળાનાથ ખૂબ જ ભોળા છે, આથી તેમની સાચા મનથી પૂજા કરવામાં આવે તો પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. કોઈ વિશેષ મંત્રોચ્ચાર ન જાણતા હો તો પણ સામાન્ય પૂજા કરીને પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકો છો. ભગવાન ભોળાનાથે સ્વયં કહ્યું છે કે કોઈ પણ વેદ મંત્રોના ઉચ્ચારણ વગર પૂરી શ્રદ્ધાથી જે મને પુષ્પ, ફળ કે જળ સમર્પિત કરે છે, તેમના માટે હું ક્યારેય અદૃશ્ય થતો નથી અને તે ભક્ત પણ ક્યારેય મારી દૃષ્ટિથી ઓઝલ નથી હોતો.
- શ્રાવણ માસની નોમ તિથિનું મહત્ત્વ દર્શાવતા શિવપુરાણની વિદ્વેશર સંહિતામાં લખ્યું છે કે કર્ક સંક્રાંતિથી યુક્ત શ્રાવણ માસની નોમ તિથિએ મૃગશિરા નક્ષત્રના યોગમાં અંબિકા પૂજન કરો. તે સંપૂર્ણ મનોવાંછિત ભોગો અને ફળો પ્રદાન કરનારી છે. ઐશ્વર્યની ઇચ્છા રાખનારા પુરુષોએ તે દિવસે અવશ્ય માતા અંબિકાની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. આ પ્રકારની વિશેષ પૂજાથી જન્મ-જન્માંતરનાં પાપોનો સર્વનાશ થાય છે.