3૦ કિલો અખાદ્ય લોટનો નાશ કરાયો : કોન્ટ્રાકટરને ફૂડ લાયસન્સ લેવા તાકીદ
રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા શહેરની જાણીતી ગીરીરાજ હોસ્પિટલની કેન્ટિનમાં ચેકીંગ કરવામાં આવતા લોટમાંથી જીવાત અને ધનેડાં મળી આવતાં ફૂડ શાખાના અધિકારીઓએ 3૦ કિલો જેટલો અખાદ્ય લોટનો નાશ કર્યો હતો. દર્દીઓની સેવા માટે ચાલુ રાખવામાં આવેલી કેન્ટીનમાં ભારે બેદરકારી જોવા મળતાં કોર્પોરેશન સ્ટાફ પણ ચોંકી ગયો હતો.
મનપા સૂત્રો અનુસાર દોઢસો ફૂટ રીંગરોડ પર નવજ્યોત પાર્કમાં આવેલ “ગિરિરાજ હોસ્પિટલ’ની કેન્ટીનમાં આશાપુરા કેટરર્સને ત્યાં તપાસ કરતા લોટ, ચણાદાળમાં જીવાત અને ધનેડાં મળી આવ્યા હતા અને ખોરાક તદ્દન અખાદ્ય, માણસને બિમાર પાડે તેવો 3૦ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો.
ફરિયાદના પગલે નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મેતા સહિતની ટીમે હોસ્પિટલ ખાતે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં કિચનમાં સંગ્રહ કરેલ ઘંઉનો લોટ, બાજરાનો લોટ અને ચણા દાળમાં જીવાત, ધનેડાં જોવા મળ્યા હતા. આવા અખાદ્ય ૩૦ કિલો સામગ્રીનો નાશ કરીને હોસ્પિટલમાં કેટરીંગનું કામ કરતા આશાપુરા કેટરર્સને હાઈજૈનિક કન્ડીશન જાળવવા તેમજ ફૂડ લાયસન્સ લેવા નોટિસ ફટકારાઇ હતી.
દરમિયાન, જુના માર્કેટીંગ યાર્ડમાં માધવ ટ્રેડીંગમાંથી ‘તુલસી’ બ્રાન્ડ ધાણાજીર પાવડરનો નમુનો લઈને લેબોરેટરીમાં મોકલતા તેમાં પેસ્ટાસાઈડ્સની માત્રા ધારાધોરણથી વધુ મળી આવતા આ નમુનો મનુષ્યોને ખાવા માટે જોખમી (અનસેફ) સાબિત થયો હતો. જે અન્વયે આ પેઢી સામે હવે ફોજદારી કેસની કાર્યવાહી હાથ ધરાશે. અન્યત્ર ૪૪ ધંધાર્થીઓનું ચેકીંગ કરીને ૨૨ પાસે ફૂડ લાયસન્સ નહીં હોવાથી સૂચના અપાઈ છે.
કોન્ટ્રાક્ટર પાસેથી વધુ સારું કામ કેમ લેવડાવવું તેવો પ્રયત્ન રહેશે : રમેશભાઈ ઠક્કર
ગીરીરાજ હોસ્પિટલના બેઝમેન્ટમાં પહેલેથી ધમધમતા રસોડામાં તૈયાર થતી રસોઈ તમામ દર્દીઓને પીરસવામાં આવે છે ત્યારે મનપાની આરોગ્ય શાખાની ટીમે ગઈકાલે હોસ્પિટલના આ રસોડામાં તપાસ કરતા ઘઉં બાજરાના લોટ માંથી જીવાત અને ધનેડા નીકળી પડ્યા હતા તથા અમુક વાસી ખોરાક પણ મળી આવ્યો હતો. જે અંગે મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી હતી. ત્યારે ડોક્ટર મયંક ઠક્કરની ગીરીરાજ હોસ્પિટલના મેનેજમેન્ટ સંચાલન કરતા જીવદયાપ્રેમી એવા રમેશભાઈ ઠક્કર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે. હાલ જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટર છેલ્લા ચાર માસથી બીમાર છે. જેના કારણે તે આ કેન્ટીને આવી શકેલ નથી. આ ઉપરાંત ભેજવાળું વાતાવરણ હોવાથી જીવાતો થઈ ગયેલ છે. આથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે એક સુપરવાઈઝરની નિમણૂક કરાઈ છે. તે રાબેતા મુજબ કેન્ટીનમાં ચકાસણી કરશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર બદલવામાં આવેલ નથી પરંતુ તેની પાસેથી કેમ સારું કામ લેવું તે અમારો પ્રયત્ન રહેશે. અને ભવિષ્યમાં પણ આવી ફરિયાદો ઉદ્ભભવશે નહીં તેમ જણાવ્યું હતું.