નવા વર્ષે બે સમાચાર સાવધાન કરનારા પણ આવ્યા કે કુદરતને તમે સંભાળશો નહીં તો કુદરત કરામત દેખાડ્યા વિના રહેશે નહીં
જાપાનમાં ધરતીકંપ ભારત અને બ્રિટનની જેમ સામાન્ય વાતચીતનો વિષય છે. ભારતમાં અને બ્રિટનમાં બે જણ મળે એટલે પહેલાં મોસમની વાત કરે. આજે જરાક ઠંડી દેખાય હોં… એવું કહીએ ત્યારે જવાબ મળે કે આખો ડિસેમ્બર જતો રહ્યો ત્યારે પહેલી તારીખે રાજકોટમાં જરાક અમથી ઠંડી સવારની કોર દેખાણી. બાકી ડિસેમ્બરમાં તો કેવી ઠંડી પડે… ખરી વાત છે. આખો ડિસેમ્બર જતો રહ્યો અને આ વખતે શીમલામાં હોટેલ માલિકો રાહ જોતા રહ્યા કે બરફ વર્ષા થાય તો પ્રવાસીઓનો પ્રવાહ પણ આવે. બરફ વર્ષા એવી ના થઈ અને વર્ષના અંતે વેકેશનમાં મુસાફરોનો ધસારો થતો હતો તે ના દેખાયો. એક અંદાજ અનુસાર ક્રિસમસના વેકેશનમાં દર વખતે આવનારા પ્રવાસીઓની સંખ્યા કરતાં 60 ટકા ઓછી સંખ્યામાં પ્રવાસીઓ આ વર્ષે આવ્યા. છેલ્લા ત્રણેક દાયકાની આ સૌથી ઓછી સંખ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં બરફ પડે એટલે આપણે ગુજરાતમાં વાતો કરીએ કે બસ બે દિવસમાં ઠંડીની લહેર આવશે. એકેય લહેર આ વર્ષે આવી નહીં. રાજકોટમાં વચ્ચે એકાદ દિવસ મજાનું ધૂમ્મસ દેખાયું હતું, પણ ઠંડી.. ઠંડીનું નામોનિશાન દેખાતું નથી એવું મજબૂત તબિયતના માણસો કહી શકે છે. રાજકોટના આંકડાં નથી પણ અમદાવાદ અને સુરત માટે તો આંકડો બોલી રહ્યા છે. છેલ્લા બે દાયકામાં અમદાવાદ અને સુરતનું રાતનું તાપમાન – દિવસનું નહીં પણ રાતનું તાપમાન સરેરાશ બે ડિગ્રી જેટલું વધી ગયું છે. 1.90 ટુ બી પ્રીસાઇઝ. દુનિયામાં અને ભારતમાં અને ગુજરાતમાં પણ સરેરાશ તાપમાન વધી રહ્યું છે. છેલ્લા બે દાયકામાં ભારતીય શહેરોમાં રાતે નિંદર અઘરી બનવા લાગી છે, કેમ કે રાત્રેય ઠંડક થતી નથી. દિલ્હીમાં સૌથી વધુ 2 ડિગ્રી તાપમાન રાતના સમયે વધ્યું છે. તેના કારણે શિયાળામાં થોડી રાહત લાગે. દિલ્હીમાં રાત્રે ચાર અને પાંચ ડિગ્રી તાપમાન થઈ જાય તેની જગ્યાએ છ અને સાત થાય તેનાથી આમ બહુ ફરક પડતો નથી. પરંતુ ઉનાળામાં રાત્રે 30 અને 32ની જગ્યાએ 32 અને 34 તાપમાન હોય તો રાત આખી ઉકળાટ રહે.
અમદાવાદ અને સુરતમાં પણ 1.90 જેટલું તાપમાન રાત્રે વધ્યું છે તેના કારણે રાત્રે વગર એસીએ સૂવાનું અઘરું બની ગયું છે. રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ જેવા શહેરોમાં આગામી દાયકે રાત એવી જ અકળાવનારી થાય તો નવાઈ નહીં. રાજકોટમાં સાંજ પડે એટલે રાહત મળે છે, પણ સરેરાશ તાપમાન બે ડિગ્રી વધી જવાનું હોય તો પછી રાહતનો અનુભવ થશે કે પછી જરાક ગરમી રાજકોટમાં પણ દેખાવા લાગશે? લક્ષણો તો ચિંતા કરાવે તેવા છે.
જાપાનમાં ભૂકંપ આવ્યો અને સુનામીની ચેતવણી પણ જાહેર થઈ. સુનામી શબ્દ આપણે 2004 સુધી બરાબર સમજતા નહોતા. પરંતુ 2004ની સુનામી પછી આખી દુનિયાને ખ્યાલ આવ્યો કે ધરતીકંપ ધરતીને બદલે સમુદ્રના પેટાળમાં આવે તો કેટલી મોટી તબાહી આવી શકે છે. એ સુનામીને કારણે ભારતમાં ચેન્નઇ બાજુના પૂર્વના દરિયાકિનારે છેક અસર દેખાઈ હતી. તે વખતે સમગ્ર અગ્નિ અને પૂર્વ એશિયામાં અઢી લાખ લોકોના મોત થયા હતા. (એક આડ વાત… ધોળાવીરા અને લોથલની સંસ્કૃત્તિ અચાનક વિલાઈ ગઈ તેની પાછળ કદાચ એ યુગની સુનામી હશે તેવા અભ્યાસો ઘણા લોકો કરી રહ્યા છે. કલ્પના કરો કે ખંભાતના અખાતમાં 40થી 50 ફૂટ ઊંચા મોજા સાથે પાણી જમીન તરફ ઘસે તો શું થાય.)
જાપાનમાં નવા વર્ષે જ ધરતીકંપના સમાચાર આવ્યા. 7.6 તીવ્રતા સાથે તે મેજર ક્વેકની કેટેગરીમાં આવે. પણ સૌથી વધુ ધ્યાન ખેંચનારી વાત એ હતી કે સતત આંચકાં આવતા રહ્યા. 4થી વધુની તીવ્રતાના 155 જેટલા આંચકા આવ્યા. સુનામીની ચેતવણી પણ જાહેર થઈ અને કેટલાક દૃશ્યો અગાઉની સુનામીની યાદ અપાવી દે તેવા ભયદાયક પણ લાગ્યા. જોકે બહુ નુકસાન નથી થયું, પણ કુદરતે નવા વર્ષે જ પોતાની હાજરી પુરાવી. જાપાનમાં રહેનારા ઘણાએ કહ્યું કે દાયકાઓ પછી જાપાનમાં સતત આટલી વ્યાપક રીતે એલર્ટ જાહેર થયું હતું. જાપાન દાયકાથી ધરતીકંપ વચ્ચે જીવતો આવ્યો છે એટલે તેની ઈમારતો બહુ મજબૂત છે. ભાગ્યે જ ઈમારત તૂટી પડે છે. આમ છતાં આ વખતે 13 લોકોના મોત થયાના આંકડાં આવ્યા છે.
જાપાન જેવા આધુનિક અને સાવધ દેશમાં પણ ધરતીકંપ અને સુનામીને કારણે ચિંતા થાય ત્યારે જગત આખાએ ચિંતા કરવી પડે. ધરતીકંપ સામે ઈમારતો ટકી જાય તેની લગભગ પરફેક્ટ કરી શકાય તેવી ટેક્નિક માણસે વિકસાવી લીધી છે, પરંતુ સુનામી સામે સુરક્ષાનો કોઈ ઉપાય હજી થઈ શક્યો નથી. દરિયાકિનારેથી પાણી ઊંચે ચડવા લાગે ત્યારે તેને રોકવાનો કોઈ ઉપાય અત્યારે નથી. આખા દરિયાકિનારે કંઈ પાળ પણ કરી શકાય તેમ નથી. એક વાર દરિયા દેવ ઉફાણ પર હોય ત્યારે કિનારેથી દૂર ભાગી છૂટવું એ જ એકમાત્ર છુટકારો છે.
કુદરતના ખોળે રહેવાની વાત એક છે અને કુદરતની વચ્ચે ઘૂસીને, કુદરતને ચારે કોરથી ઘેરી લઈને જીવવાની વાત જુદી છે. શહેરો આડેધડ વિકસે છે તેમાં તળાવોને દાટી દેવામાં આવે છે અને નદી અને નાળાને દબાવી દેવામાં આવે છે. રાજકોટ શહેરની વચ્ચેથી પસાર થતા નાળા (એક જમાનાના એ મનોહર ઝરણાંઓ હતા) પર સ્લેબ ચડીને તેના પર માણસ ચડી બેઠો છે. નઘરોળ તંત્ર આવા ગેરકાયદે સ્લેબ તો ઠીક, તેના પર દુકાનો બની જાય ત્યાં સુધી ઘોરતું રહે છે. હજીય તેને દૂર કરવાની ત્રેવડ ભ્રષ્ટાચારી નેતાઓ, નગરસેવોક, અધિકારીઓની નથી. તૂટેલા સ્લેબને ફરીથી બનાવી દેવાની બેવકૂફી કરનારા આ ભ્રષ્ટ તંત્ર રાજકોટના નાગરિકોને કેવી મુશ્કેલીમાં મૂકી રહ્યા છે તે તમારે સમજવું હોય તો સમજો. અમારું કામ ચેતવણી આપવાનું છે. કુદરત પણ ચેતવણી આપે છે, પણ સમજીએ તો…