નારદજીએ બ્રહ્માજીને કહ્યું, `હે પિતામહ! પાપનાશિની, પુણ્યકારક અને મોક્ષદાતા પ્રબોધિની એકાદશીનું માહાત્મ્ય મને કહો.’
`હે મુનિવર્ય! જ્યાં સુધી પ્રબોધિની એકાદશીનો પ્રારંભ ન થયો હોય ત્યાં સુધી ગંગા, સમુદ્ર, જળાશયો તેમજ તીર્થસ્થાનો ગર્જના કરે છે, જ્યારે પ્રબોધિની એકાદશીનો પ્રાદુર્ભાવ થાય છે ત્યારે ગંગા વગેરે તીર્થો કોલાહલ કરતાં શાંત થાય છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું અને સો રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.’
નારદજીએ જિજ્ઞાસાથી પૂછ્યું, `હે ચતુરાનન! આ દિવસે ઉપવાસ કે એકટાણું કરવાથી શું ફળ મળે?’
`હે નારદ! એકટાણું કરવાથી એક જન્મનાં પાપ નષ્ટ થાય છે અને ઉપવાસ કરવાથી સાત જન્મનાં પાપ નાશ પામે છે. મેરુ અને મંદાર પર્વતસમાન પાપોનો પણ આ એકાદશીનું વ્રત કરવાથી નાશ થાય છે. રાત્રિ જાગરણ અને ભજન-કીર્તન કરવાથી પૂર્વ જન્મોનાં પાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે. વ્રત વિધિ-વિધાન સહિત એકાદશી કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ વિધિરહિત વ્રતનું ફળ મળતું નથી. દુરાચારી વ્યક્તિને આ વ્રતનું કે યજ્ઞયજ્ઞાદિ ક્રિયાઓનું ફળ મળતું નથી. વિધિપૂર્વક વ્રત કરનારનું, રાત્રે જાગરણ કરનારનું, વાજિંત્ર સહિત ભજન-કીર્તન કરનારનું આત્યંતિક કલ્યાણ થાય છે અને તેની એકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે. ‘
નારદજીએ પુનઃ પ્રશ્ન કર્યો કે, `હે પિતામહ! હું પ્રબોધિની એકાદશીનું વ્રત કરવા ઇચ્છું છું, માટે મને માસની એકાદશીનું વ્રત વિધિવિધાન વિગતે કહો.’
બ્રહ્માજીએ કહ્યું કે, `આ પરમ પવિત્ર દિવસે છેલ્લી પાંચ ઘડીઓ બાકી હોય ત્યારે ઊઠી જઈને નદી કે તળાવે જઈને શૌચક્રિયાથી પરવારી, દાતણ કરી, સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરવાં. ઘેર આવી ઇષ્ટદેવનું પૂજન કરી એકાદશીની કથા સાંભળવી. રાત્રે જાગરણ કરવું, ઓચ્છવ કીર્તન કરવાં અને ફૂલ, ફળ, કપૂર, કેસર, ધૂપ, દીપ વગેરે દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવી. કારતક માસમાં જે વ્રતધારી બીલીપત્રથી શ્રદ્ધાપૂર્વક અર્ચન-પૂજન કરે છે, તે મોક્ષનો અધિકારી બને છે. તુલસીપૂજન તથા તુલસી રોપવાનો મહિમા કારતક માસમાં વિશેષ છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીક રૂપે દરેક ઘેર આપણે તુલસીક્યારો નિહાળીએ છીએ. તુલસીનો મહિમા પણ બીલીપત્રની માફક અપરંપાર છે. તુલસી રોપણ કરનાર હજારો કલ્પ સુધી કુટુંબીઓ સહિત સ્વર્ગલોકને પામે છે. વશી, અશોક, કરેણ, મંજરી, કદંબ, બકુલ વગેરેનાં પુષ્પોથી ભગવાન પુરુષોત્તમનું પૂજન કરનાર અક્ષય સુખ પામે છે.
દ્વાદશી(બારસ)ના દિવસે જળાશયે જઈ સ્નાન કરીને ઘેર આવી પૂજા કરવી અને બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી પ્રસન્ન કરવા. ચાતુર્માસ દરમિયાન જે પદાર્થો વર્જ્ય ગણ્યા હોય તે દાનમાં આપવા અને સંકલ્પ મુકાવી વ્રત પરિપૂર્ણ કરવું. આ વ્રતકથાનું વાંચન કરનાર કે શ્રવણ કરનારને ગૌદાનના પુણ્યની પ્રાપ્તિ થાય છે અને વ્રતધારી વૈકુંઠનો અધિકારી બને છે. આ પ્રકારે જ મનુષ્ય ચાતુર્માસ વ્રત વિના વિઘ્ને પરિપૂર્ણ કરે છે. તે કૃતાર્થ બને છે અને તેને ફરી જન્મ ધારણ કરવો પડતો નથી. સ્કંદપુરાણમાં પ્રબોધિની એકાદશીનો મહિમા વિસ્તૃતપણે વર્ણવવામાં આવ્યો છે. બિલ્વપત્રોથી ભગવાન વિષ્ણુની પૂજાનો અને નવ પ્રકારે તુલસીની ભક્તિનો મહિમા પણ તેમાં દર્શાવ્યો છે.’