તેર તાંસળીનો કોંગ્રેસ પ્રેરિત I.N.D.I.A.ત્રણેય રાજયમાં એકજુટ થઇને લડયો નહિ : મોદીની તુલનામાં વિરોધપક્ષો પાસે કોઇ એક નેતાનો ચહેરાનો અને, એકસૂત્રતાનો અભાવ
ચાર રાજયોની ચૂંટણીના પરરીણામોમાં આશંકાના વાદળો હટી ગયા છે. મિઝોરમનું પરિણામ આજે આવશે. વિધાનસભાની આ રાજયોની વિધાનસભાની ચૂંટણી મિડિયાએ અને વિરોધપક્ષોએ છેવટ સુધી રોમાંચક લાગી. એકઝીટ પોલ અને એનાલિસ્ટોએ તેમા રંગ પૂર્યા. એકઝિટ પોલ કરનારી જુદી જુદી એજન્સીઓ અને ચેનલોએ મતદાન બાદ પોતાની સમજ મુજબ કયાંક કોંગ્રેસ બે રાજયોમાં જીતે છે એમ કહયુ. કોઇકે કહયુ કે કસોકસનો જંગ છે. કોઇએ કહયુ કે છતીસ ગઢમાં કોંગ્રેસની સતા રિપિટ થાય છે. પરંતુ એવુ કશું જ ન થયુ. હવેની ચૂંટણીમાં એકઝીટ પોલને લોકો જયોતિષની આગાહિની જેમ લાઇટલી લ્યે તો નવાઇ નહી. ચાર રાજયોના પરિણામોમાં તેલંગાણામા કોંગ્રેસે બીએસઆરને હરાવી આશ્વાસન મેળવ્યુ છે. પરંતુ તેમના હાથમાંથી રાજસ્થાન અને છતિસગઢ કોંગ્રેસના હાથમાંથી ચાલ્યા ગયા.
આ સાથે લેફટ લિબરલો અને કોંગ્રેસ પ્રેરીત મિડિયા સોશિયલ મિડિયા અને યુ-ટયુબરોએ મોદી મેજીક ગયો. હવે તેમના વળતાં પાણી છે. રવિશકુમાર જેવા નિવડેલા પત્રકારે પણ જે હંબગ ચલાવ્યા તે હવે વિડિયો શોધીને જોવા જેવા છે. વાસ્તવમાં આ ચાર રાજયોમાંથી ત્રણમાં મોદી મેજીક ચાલ્યો છે. હવે ર૪ માટે મોદીનો અશ્વમેધ શરૂ થઇ ચુકયો છે. ચૂંટણીને ચાર પાંચ મહિના બાકી છે ત્યારે ફરી એક વખત વિપક્ષોની ભૂમિકા અને મતદારોનો મિજાજ તપાસીએ.
સૌ પ્રથમ તો અનેક પરાજય અને કેન્દ્રમાં સતત બે ટર્મના પરાજય બાદ પણ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ભારતના મતદારોની બદલાયેલી તાસીર નથી સમજી શકતા એ મોટી સમશ્યા છે. હવે ભારતમાં લઘુમતી તુષ્ટીકરણનો યુગ પુરો થઇ ગયો છે એ ચેમ્બર પોલિટિકસ કરતાં કોંગ્રેસના નેતાઓને નથી સમજાતુ. ભારત હવે વિકાસ પ્રેરિત હિન્દુત્વના કેસરિયા રંગે મહદઅંશે રંગાઇ ગયુ છે. હિન્દીબેલ્ટ તો પૂરે પૂરો રંગાઇ ગયો છે. આ ચાર રાજયોની ચૂંટણીમાં મોટા પ્રચાર અને શોરગુલ સાથે વિપક્ષોનું ગઠબંધન I.N.D.I.A. કોઇ પ્રભાવ પાડી શકી નથી. સતાનો સેમિફાઇનલ થયો પરંતુ સેમિફાઇનલમાં જ આઉટ થઇ ગયા છે. હવે બે રાજયોના પરાજય બાદ કોંગ્રેસ આ પક્ષોના લીડરની ભૂમિકા કઇ રીતે નિભાવી શકશે. ખાસ કરીને ટિકિટોની વહેંચણીમાં સ્થાનિક પક્ષો કોંગ્રેસની તીતુડી નહી સાંભળે.
પરિણામોનું બારિકીથી વિવરણ કરીએ રાજસ્થાનમાં પરાજયના ડરથી ગેહલોતે રાહુલ ગાંધીને પ્રચારથી દુર રાખ્યા. મધ્યપ્રદેશમાં પ્રિયંકાએ જયોતિરાદિત્ય સિંધિંયા પરિવારને સભામાં દગાબાજ અને મહારાજ કહીને ઠેકડી ઉડાવી.છતીસગઢમાં મહાદેવ એપ સહિતના મુદાએ તુલ પકડયુ. જેનું નુકસાન તેમણે ભોગવ્યુ. તેનાથી મોટી બાબત એ છે કે મતદારો હવે ગેસના બાટલા,મોંઘવારી જેવા મુદા અને ફ્રિ બિઝની જાહેરાતો ઉપર કોંગ્રેસને મત નથી આપતાં. લોકોને વિકાસ દેખાય છે. મુંબઇનો સી-લીંક રોડ કે નોર્થ ઇસ્ટમાં બનતાં હાઇ-વે ટ્રેન, ટ્રેક એરપોર્ટ,બુલેટ ટ્રેન અને મેટ્રો પ્રોજેકટને કોઇ નકારી શકે નહી. લઘુમતીનું તુષ્ટીકરણ કોંગ્રેસ અને વિપક્ષોની મજબુરી બની ગઇ છે. સ્ટાલિન હિન્દુવિરોધી બેફામ બકવાસ કરે, નિતિશ મુસ્લીમોની સભામાં ગમે તેમ બોલે,ખડગે નિર્ભિક થઇને બોલે,દિગ્વિજય જેટલું બોલે એ કોંગ્રેસ અને તેની સાથે જનારા તમામ પક્ષોને નુકસાન કરે છે. સોશિયલ મિડિયા અને ટી.વી.ના કારણે આસામથી અમદાવાદ,કાશ્મિરથી કન્યાકુમારી સુધી કોઇ પણ બેવકુફી નેતોઓ કરે તો તેને મતદારો તમામ પરિસ્થિતિ સાથે સાંકળીને એક ચિત્ર બનાવે છે. વિપક્ષોના પરાજયમાં આ નેતાઓનું જેટલું પ્રદાન છે એટલું જ એકલા રાહુલ ગાંધીનું છે. ક્રિકેટને સાંકળી રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાનને પનોતી કહયા. પરિણામ સામે છે. હવે કોંગ્રેસ માટે રાહુલ ગાંધી ખુદ એક મુશ્કેલી સાબિત થયા છે. અડધી જીંદગી તેમને કોંગ્રેસે લોન્ચ અને રિલોન્ચ કર્યા. તેમને અપવાદ રૂપ વિજય જ મળ્યો છે. રાજીવ ગાંધીના કાળમાં ૪૦૦થી વધુ લોકસભાની બેઠકનો વિક્રમ ધરાવતી કોંગ્રેસ હાલ અસ્તાચળ ભણી છે. લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષો ખાસ કોઇ ચમત્કાર કરી શકે તેમ જણાતું નથી. ચાર રાજયોની ચૂંટણીના પરિણામ કહે છે મોદી મેજીક બરકાર છે. મતદારોએ લઘુમતિ તુષ્ટીકરણને જાકારો આપ્યો છે. વિકાસ સાથેના હિન્દુત્વને મહોર મારી છે. વિપક્ષોએ હવે દિવાલ ઉપરના શબ્દો વાંચી લેવાની જરૂર છે.