યો યો યાં યાં તનુ ભક્ત શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ।
તસ્ય તસ્યાચલાં શ્રદ્ધામ તામેવ વિદષામ્યહમ ॥21॥
અર્થ : જે જે સકામી ભક્ત જે જે સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા ઇચ્છે છે તેની તે સ્વરૂપ વિષેની શ્રદ્ધાને હું દૃઢ કરું છું.
ભગવાને પોતે પણ આડકતરી રીતે લોકો પોતાની ઇચ્છાપૂર્તિ માટે અન્ય દેવી-દેવતાઓની પૂજા-આરાધના કરી શકે છે તે બાબતને અહીં સમર્થન આપેલ છે. એટલું જ નહિ એવું પણ કહ્યું છે કે જો તે શ્રદ્ધાપૂર્વક આરાધના કરશે તો હું એની શ્રદ્ધાને દૃઢ કરીશ. અહીં શ્રદ્ધાપૂર્વક એ શબ્દ ખૂબ જ મહત્ત્વનો છે. એટલે કે પૂજા માત્ર કરવા ખાતરની ન હોવી જોઇએ.
ઘણા લોકો પોતાની ઇચ્છાઓ પરિપૂર્ણ કરવા જુદા જુદા દેવોને પ્રાર્થના કરે છે અને તેમની માનતા પણ રાખતા હોય છે. જો મારે ત્યાં પારણું બંધાશે તો હું આમ કરીશ કે તેમ કરીશ – તેવું કમિટમેન્ટ તે કરતા હોય છે. આમાં બાધા પૂર્ણ કરતાં જે કંઇ કરવાનું સૂચવ્યું હોય કે એનો સંકલ્પ લીધેલ હોય તે બધાને માટે કલ્યાણકારક જ હોય છે, પણ જો આરાધના શ્રદ્ધાપૂર્વક થાય તો જ ભગવાન તે પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે, બાકી તો જેવી જેની શ્રદ્ધા!
સ તયા શ્રદ્ધયા યુક્તસ્ત્સ્યારાધનમીહતે।
લભતે ચ તત: કામાન્મયૈવ વિહિતાન્હિ તાન ॥22॥
અર્થ : તે પુરુષ તેવી શ્રદ્ધાના બળે તે ઇષ્ટદેવની પૂજા કરે છે જેની પાસેથી મેં જ નિર્માણ કરેલા ભોગો તે મેળવે છે.
જુઓ, અહીંયાં ભગવાને તેમની સર્વોપરિતાની વાત કરી છે. મનુષ્ય તેની શ્રદ્ધાને આધારે તે જે કોઇને પોતાના ઇષ્ટદેવ માનતો હોય ને તેની પૂજા-અર્ચના કરતો હોય તો તે દેવ પાસેથી હું જ તેને મેં નક્કી કરેલા ધ્યેય પૂર્ણ કરાવું છું તેમ કહ્યું છે. અર્થાત્ તમે ગમે તે દેવને ભજો, પણ જો સાચી શ્રદ્ધા રાખીને ભજશો તો તે દેવ મારફતે ભગવાન પોતે જ તમારી ઇચ્છાની કે ધ્યેયની પૂર્તિ કરાવશે. આમ કહેવાનો મતલબ એવો છે કે અન્ય દેવી-દેવતાઓ પણ ભગવાને નક્કી કરેલ મર્યાદામાં જ આપણને ફળ આપી શકે છે. એટલે ખરેખર તો જે કંઇ ફળ આપણને મળે છે તે ભગવાનની ઇચ્છાથી જ મળે છે. માણસે ભગવાન પાસે કે પોતાના ઇષ્ટદેવ પાસે ભૌતિક સુખોની યાચના ન કરવી જોઇએ, કેમ કે તે તો કર્મ આધારે તેને મળતું જ હોય છે.
આમ, સાર એવો છે કે ભગવાનની આજ્ઞા વિના અન્ય દેવો પણ આપણને કશું જ આપી શકતા નથી. એટલે થોડોક લાભ લેવા માટે કોઇ ચોક્કસ દેવને પૂજવાને બદલે આપણે ભગવાનની જ પૂજા-આરાધના કરવી જોઇએ.