વિશ્વમાં આંકડાકીય રીતે સૌથી વધુ ગ્રોથ ભારતમાં છે ત્યારે 2024ના ચૂંટણીના વર્ષમાં અર્થતંત્રની ગતિ કેવી રહેશે તેના માટે ઘણી બધી અપેક્ષાઓ છે
વીતેલા વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં ધારણા કરતાં જીડીપી ગ્રોથ સારો રહ્યો તેના કારણે હવે ત્રીજું ક્વાર્ટર કેવું રહેશે તેના આધારે અર્થતંત્રની ધારણાઓ બંધાશે. ડિસેમ્બરના ત્રીજા ક્વાર્ટરના આંકડાં થોડા સમયમાં આવશે અને તેના આધારે સમગ્ર રીતે વર્ષ કેવું રહેશે તે નક્કી થશે. સાત ટકાનો જીડીપી ગ્રોથ હાંસલ કરી શકાશે એવું ઘણાને લાગી રહ્યું છે. દરમિયાન બજેટની જગ્યાએ વોટ ઓન એકાઉન્ટ આવશે, પણ તેમાંથીય એક ઇન્ડિકેશન મળશે કે આગામી ચૂંટણીનું વર્ષ છે ત્યારે અર્થતંત્રની દિશા અને દશા કેવી રહેશે.
મોદી સરકાર નાણાકીય વર્ષનું તારીખિયું પણ બદલવા માગતું હતું પણ તે હજી સુધી શક્ય બન્યું નથી. એપ્રિલથી માર્ચ એ રીતે નાણાકીય વર્ષ ચાલે છે. તેના બદલે જાન્યુઆરીથી ડિસેમ્બરનું કેલેન્ડર યરની સાથે જ ફાઇનાન્શિયલ યર ગણવા માટેની ગણતરી છે. આમ તેનાથી ફરક નથી પડતો, પરંતુ ગણતરી સરળ થઈ જાય, આંકડાં લખવા સરળ થઈ જાય. બીજું ભારતના સંદર્ભમાં દિવાળીના તહેવારો સુધીની સ્થિતિ વર્ષની પૂર્ણતા તરફ અગત્યની હોય છે. નવેમ્બરમાં દિવાળીના તહેવારો હોય અને તે પછી તરત લગ્નસરાની ખરીદી નીકળવાની હોય. તે પહેલાં ચોમાસુ પૂરું થઈ ગયું હોય એટલે કૃષિનો અંદાજ પણ આવી ગયો હોય. તેથી જાન્યુઆરીથી રવિ મોસમ શરૂ થાય અને નવા વર્ષની શરૂઆત થાય એટલે બજેટની ગણતરી પણ સરળ થઈ શકે.
ચૂંટણીનું વર્ષ હોય ત્યારે ખર્ચ વધારે થાય છે. રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ સંઘરી રાખેલા નાણાંની કોથળીઓ ખૂલે છે એટલે તેના કારણે પણ અર્થતંત્રનો સંચાર થાય છે. શેરબજારમાં પણ તેની અસર થાય છે. ચૂંટણી પૂર્વે અપેક્ષાઓને આધારે અને પરિણામો પછી સરકાર હવે કેવી આર્થિક નીતિઓ અપનાવશે તેના આધારે શેરબજારની ચાલ પણ નક્કી થાય. એ રીતે 2024નું વર્ષ અર્થતંત્ર માટે પણ અગત્યનું સાબિત થવાનું છે.
જોવાનું એ રહે છે કે વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડવાનું છે ત્યારે ભારત તેની અસરોને કેટલી ખાળી શકે છે. આગામી વર્ષે ગ્લોબલ ઇકોનોમી ત્રણ ટકાની નીચે એટલે કે 3.8 ટકા જેટલી રહેશે તેવો અંદાજ છે. વિકસિત અર્થતંત્ર એટલે કે ધનિક દેશોનો આર્થિક વિકાસના દરમાં સેચ્યુરેશન આવી ગયું છે અને ત્યાં હવે ગ્રોથ માટે બહુ જગ્યા નથી. તેની અસરને કારણે વૈશ્વિક અર્થતંત્ર દબાયેલું રહેવાનું છે. અમેરિકા અને યુરોપમાં વ્યાજના દરોમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે એટલે માગ એટલી દબાશે અને અર્થતંત્રનો વિકાસ પણ એટલો રૂંધાશે.
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની નિકાસ ઘટી છે. ગયા વર્ષ કરતાં 6 ટકા ઓછી નિકાસ થઈ શકી છે. 2024માં પણ નિકાસ ક્ષેત્રે નિરાશાની સ્થિતિ રહેવાની છે, કેમ કે વૈશ્વિક અર્થતંત્ર પણ થોડું દબાઈને ચાલવાનું છે. સર્વિસ સેક્ટરમાં ભારતે મહેનત કરવી પડશે અને તેની નિકાસ આવક ના ઘટે તે જોવું પડશે.
મોંઘવારીની સ્થિતિમાં થોડી સ્થિરતા આવશે તેમ લાગે છે. વૈશ્વિક ફુગાવો પણ માંગમાં ઘટાડાને કારણે ઘટી રહ્યો છે ત્યારે ભારતમાં પણ તેની અસર દેખાશે. બીજું ચૂંટણીનું વર્ષ છે એટલે મોંઘવારીમાં રાહત માટે કોઈક પગલાંઓની અપેક્ષાઓ છે. પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ઘટાડાની વાતો ચાલી રહી છે. તેમાં ક્યારે રાહત જાહેર થાય તે જોવાનું છે. બીજું નવી ચૂંટાયેલી રાજ્ય સરકારોએ સીધી રાહતની પણ જાહેરાતો કરી છે તેનો અમલ થાય છે કે નહીં તે પણ જોવાનું રહે છે. જોકે રાજસ્થાનમાં 450 રૂપિયે બાટલો આપવાનું વચન આપ્યા પછી તે વાયદો ફોક કરી દેવાયો છે. સંસદમાં કહી દેવાયું છે કે હાલમાં એવી કોઈ યોજના નથી.
આરબીઆઈ છેલ્લા પાંચ ક્વાર્ટરથી વ્યાજના દરો યથાવત રાખી રહી છે. તેની પાછળનો ઇરાદો પણ મોંઘવારીને હવે ના વધવા દેવાનો છે. જોકે હવામાનને કારણે કૃષિ પેદાશોની ઉપજમાં ફેરફાર થાય તેના કારણે ભાવો કાબૂમાં રહેતા નથી. ટમેટા પછી ડુંગળીએ પરેશાન કર્યા અને ડુંગળી સસ્તી કરવા નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તો ખેડૂતો નારાજ થયા છે. એટલે એ સ્થિતિમાં વૈશ્વિક પરિસ્થિતિ કરતાં સ્થાનિક સ્થિતિ પ્રમાણે વાત આગળ વધવાની છે. ચોખાનું ઉત્પાદન ધારણા કરતાં ઓછું થયું છે તે પણ ચિંતાનું કારણ છે.
જોકે મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક કામકાજમાં વધારો થયો છે. ઉત્પાદનોના કુલ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે અને કંપનીઓના નફામાં પણ વધારો દેખાયો છે. ત્રીજા ક્વાર્ટરના પણ સારા પરિણામો આવશે અને ચૂંટણી વર્ષમાં ખર્ચ વધવાનો છે તેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રે આશાસ્પદ સ્થિતિ છે. 5300 જેટલી કંપનીઓનો એક સર્વે થયો તેમાં વેચાણમાં 15.6 ટકા અને પ્રોફિટમાં 69 ટકાનો વધારો દેખાયો હતો.
વ્યક્તિગત ધિરાણમાં 30 ટકાની વૃદ્ધિ દેખાઈ છે. એટલે કે મકાન, વાહનો, વસ્તુઓ માટેની લોન વધારે લેવાઈ રહી છે. જોકે વ્યાજના દરોમાં રાહત નથી મળી રહી એટલે તેમાં 12થી 13 ટકા જેટલો રાબેતા મુજબનો જ વધારો થશે તેવી ધારણા છે. હવે સામાન્ય જનતા એ રાહ જોઈ રહી છે કે મોંઘવારી અને બેરોજગારીની બાબતમાં કૈંક નક્કર તેમને પ્રાપ્ત થાય. રાજ્યોની ચૂંટણીમાં કરેલા વાયદા તો ફોક થઈ ગયા છે, હવે લોકસભાની ચૂંટણી પહેલાં કેવા પગલાં લેવાય છે, કેવા વાયદા થાય છે અને તેમાંથી કેટલાનું પાલન થાય છે તેના આધારે આગામી વર્ષ આકાર લેશે.