રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બંને દેશો એકબીજા પર ઉગ્ર હુમલાઓ કરી રહ્યા છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એ કરી બતાવ્યું જે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિચાર્યું પણ નહીં હોય. યુક્રેને રશિયાના ચેચન્યા ક્ષેત્રમાં નેશનલ ગાર્ડ સંકુલ પર શક્તિશાળી ડ્રોન હુમલો કર્યો છે. રશિયા દ્વારા કરવામાં આવેલા મોટા હવાઈ હુમલા બાદ કિવએ આ જવાબી હુમલો કર્યો છે.
બે ડ્રોન તોડી પાડ્યા
સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વિડિયો ફૂટેજમાં વિસ્ફોટ પહેલા ચેચન્યાની રાજધાની ગ્રોઝની ઉપર આકાશમાં એક ડ્રોન દેખાય છે. આ હુમલામાં કોઈ જાનહાનિની માહિતી નથી. હુમલાનો આ વિસ્તાર યુક્રેનિયન સરહદથી લગભગ 800 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. ચેચન્યાના નેતા રમઝાન કાદિરોવે પુષ્ટિ કરી હતી કે ડ્રોન અખ્મત ગ્રોઝની પોલીસ બટાલિયનના સ્થાન પર ત્રાટક્યું હતું. તેમણે કહ્યું કે હવાઈ સુરક્ષા દળોએ અન્ય બે ડ્રોનને તોડી પાડ્યા છે.
યુક્રેન દેધનાધન હુમલાઓ કરી રહ્યું છે
આટલું જ નહીં, યુક્રેને અગાઉ દક્ષિણ રશિયામાં ડ્રોન હુમલા કર્યા હતા. યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં એક નવ વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું અને એક મુખ્ય ઇંધણ ડેપોમાં આગ લાગી હતી. યુક્રેનના જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે યુક્રેનિયન ડ્રોન્સે દક્ષિણ રશિયાના ઓરીઓલ ક્ષેત્રમાં રાત્રે એક મુખ્ય ઇંધણ ડેપોને નિશાન બનાવ્યું હતું. જનરલ સ્ટાફ અને રશિયન ટેલિગ્રામ ન્યૂઝ ચેનલો દ્વારા પ્રકાશિત કરાયેલા ફોટોગ્રાફ્સમાં ઈંધણના ડેપોમાંથી ધુમાડાના વિશાળ પ્લુસ નીકળતા જોવા મળ્યા હતા.
રશિયાએ પણ ભયાનક હુમલા કર્યા
આ દરમિયાન અત્રે એ પણ જણાવી દઈએ કે રશિયા દ્વારા તેના પાડોશી દેશ પર 93 ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલ અને લગભગ 200 ડ્રોન છોડ્યા બાદ યુક્રેન દ્વારા આ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયા લાખો લોકોને આતંકિત કરી રહ્યું છે. તે જ સમયે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે રશિયન સેનાએ લાંબા અંતરની ચોકસાઇવાળી મિસાઇલો અને ડ્રોનથી યુક્રેનમાં મહત્વપૂર્ણ ઇંધણ અને ઊર્જા કેન્દ્રો પર હુમલો કર્યો છે.