વોર્ડ કક્ષાએ કેટેગરી વાઈઝ વિજેતા થયેલા ૬-૬ સ્પર્ધકોની ઝોન કક્ષાએ “સૂર્ય નમસ્કાર” સ્પર્ધા યોજાઈ
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પ્રથમ વખત “સૂર્ય નમસ્કાર” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બીજા તબક્કામાં વોર્ડ કક્ષાએ કેટેગરી વાઈઝ વિજેતા થયેલા ૬-૬ સ્પર્ધકોની ઝોન કક્ષાએ “સૂર્ય નમસ્કાર” સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. આગામી તા.૨૬/૧૨/૨૦૨૩ના રોજ ઝોન કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકો માટે મહાનગરપાલિકા કક્ષાની “સુર્ય નમસ્કાર” સ્પર્ધા યોજાશે.
ઇસ્ટ ઝોન ખાતે યોજાયેલ ઝોન કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં મેયર નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, યોગ મનને એકાગ્ર અને મજબુત કરે છે. આપણે સમગ્ર વિશ્વને એ સંદેશ પહોંચાડીએ કે “સૂર્ય નમસ્કાર”ને પણ જીવનનો હિસ્સો બનાવીએ. ઉપસ્થિત સર્વ વિજેતા સ્પર્ધકોને હાર્દિક શુભકામના પાઠવી હતી.
સેન્ટ્રલ ઝોન ખાતે યોજાયેલ ઝોન કક્ષાની સ્પર્ધામાં પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહએ ઉપસ્થિત સ્પર્ધકોને સ્પર્ધામાં વિજેતા થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ કક્ષાએ યોગને મહત્વ આપ્યું છે જેના પરિણામે યુનેસ્કોએ પણ યોગને માન્યતા આપી છે અને સમગ્ર વિશ્વમાં યોગની ઉજવણી કરવામાં આવે છે. સૂર્ય નમસ્કાર એ એક એવો યોગ છે જેમાં ૧૨ યોગનો સમાવેશ માત્ર એક સૂર્ય નમસ્કારમાં થાય છે. યોગમાં સૌથી શ્રેષ્ઠ સૂર્ય નમસ્કાર છે. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ અને આભાર વિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ કરેલ.
જ્યારે વેસ્ટ ઝોન ખાતે યોજાયેલ ઝોન કક્ષાની સ્પર્ધામાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવેલ. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧ થી ૧૮માં ગત તા.૧૯ના રોજ વોર્ડ કક્ષાની સ્પર્ધા યોજવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ ૪૩૨૯ સ્પર્ધકો હાજર રહેલ હતાં આ ઉપરાંત જુદી-જુદી શાળાઓમાં તથા સંસ્થાઓમાં પણ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવેલ હતી. જેમાં વિવિધ સંસ્થાઓ/શાળાઓમાં ૧૫૨૩૬ સ્પર્ધકો અને વ્યક્તિગત ૩૨૮૦ સ્પર્ધકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવેલ. આમ, વોર્ડ કક્ષાએ યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં કુલ ૨૨૮૪૫ સ્પર્ધાકો જોડાયા હતાં.