જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવા ડાયમંડ એસો.ની માંગ : કારખાનાઓ બંધ થતાં ૫૦ કરોડથી વધુના વ્યવહારો અટકી પડયા
ભાવનગરમાં ફાયર ઓફિસર દ્વારા સેફટીના અભાવે કેટલાક કારખાનાઓને સીલ કરવામાં આવ્યું હતું. તેમજ ચાર લોકો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફાયર ઓફિસર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ રદ કરવા અને જવાબદારો સામે કાયદેસરના પગલા ભરવાની માંગ સાથે ડાયમંડ એસો. દ્વારા બજાર સજ્જડ બંધ રાખવામાં આવી હતી. બજાર બંધ રહેતા ૫૦ કરોડથી વધુના વ્યવહારો અટકી પડયા હતાં.
હિરાના વેપારીઓ તથા દલાલો ઉપરાંત, કારખાનેદારો પણ બંધમાં જોડાતા બંધના એલાનને સફળતા મળી હતી. બીજી તરફ મોડી સાંજે આ મામલે ડાયમંડ એસો.ના હોદ્દેદારો અને મ્યુનિ. તંત્ર વચ્ચેની બેઠકમાં સમાધાન ન થતાં ડાયમંડ એસો.ના પ્રમુખે આજે શુક્રવારે પ્રતિક ઉપવાસ પર બેસવાની જાહેરાત કરતાં સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
ભાવનગરની કરોડરજ્જૂ સમાન હિરા ઉદ્યોગને સ્પર્શતા અને ભાવનગર જ નહીં રાજયભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરમાં ડાયમંડ વિસ્તાર તરીકે પ્રખ્યાત નિર્મળનગરમાં હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલ ૭૫૦થી વધુ ઓફિસ, દુકાન ધરાવતાં માધવરત્ન બિલ્ડીંગને ભાવનગર મહાનગર પાલિકાના ફાયર વિભાગે ફાયર સેફટીના અભાવે સીલ માર્યું હતુ. આ ઘટના બાજા દિવસે ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયા સહિત ચાર લોકો સામે ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે ફરીયાદ ખોટી અને રાગદ્વેષપૂર્ણ રીતે થઇ હોવાનો ડાયમંડ એસો.ના પ્રમુખે દાવો કરી ફાયર વિભાગ સામે નાણાકીય ગેરરીતીના વળતાં આક્ષેપ કર્યા હતાં. જો કે. આ મામલે ડાયમંડ વેપારીઓ તથા ડાયમંડ એસો.એ મ્યુનિ. કમિશનરને મળી ફરીયાદ રદ્દ કરવા અને કોમ્પ્લેકસના સીલ ખોલી નાંખવા માંગ કરી હતી. જેમાં કોમ્પ્લેક્સના વહિવટીકર્તાઓની ફાયર સર્વિસીઝ ઉપલબ્ધ કરાવવાની લેખીત ખાત્રી અપાતા સીલ ખોલી નાંખવામાં આવ્યા હતા. જયારે પોલીસ ફરીયાદના મામલે સમાધાન ન થતાં ડાયમંડ એસો.ના નેતૃત્વમાં ભાવનગર હિરા બજાર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનના પગલે સવારથી જ નિર્મળનગર, માધવરત્ન કોમ્પ્લેક્સ સહિતની હિરા બજારે સજ્જડ બંધ પાળ્યો હતો.