પ્રાંત અને ફુડ વિભાગની સયુંકત ટીમે વ્યાપક ચેકીંગ કરતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ પ્રસર્યો
સાતમ-આઠમના તહેવારોને લઈ વેરાવળમાં ફરસાણ મીઠાઈના ધંધાર્થીઓને ત્યાં પ્રાંત અધિકારી અને ફુડ વિભાગની ટીમએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ પ્રસર્યો હતો. આ કામગીરીમાં આઠ જેટલી દુકાનોમાંથી 23 જેટલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ લેબ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવેલ તેમજ 30 કીલો બળેલું તેલ અને 45 કીલો વાસી ફરસાણનો નાશ કરવામાં આવ્યો હતો. ચાર દુકાનોમાં ગંદકી અને સ્વચ્છતાના નિયમોના પાલનમાં બેદરકારી જોવા મળતા કડક સુચના આપવામાં આવી હતી.
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય અને ગણતરીના દિવસોમાં સાતમ આઠમ આવી રહી છે. ત્યારે લોકો ફરસાણ મીઠાઈ ખરીદતા હોવાથી આ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવાને લઈ નાયબ કલેકટર વિનોદ જોશીની તેમજ ફુડ અધિકારી પિયુષ સાવલિયા, કલ્યાણીબેન સોસાની ટીમ દ્વારા વેરાવળની નામાંકિત ફરસાણ મીઠાઈની દુકાનો ઉપર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંગે માહિતી આપતા કલેકટર વિનોદ જોશી અને ફુડ અધિકારી પીયુષ સાવલીયાએ જણાવેલ કે, જન આરોગ્યને અનુલક્ષીને ખાસ ડ્રાઈવ અંતર્ગત ચેકીંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં શહેરમાં ઓમ ફરસાણ, લક્ષ્મી ફરસાણ, ખુશ્બુ ફરસાણ નમકીન, રામભરોસા ડેરી ફાર્મ, નંદરાજ ડેરી ફાર્મ, ગાયત્રી ફરસાણ, રઘુવંશી ફરસાણ, જયશ્રી ફરસાણમાં ચેકીંગ કરવામાં આવ્યુ છે. આ આઠ સ્થળોએથી ફરસાણ મીઠાઈના 23 સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમ્યાન મળી આવેલ 30 કીલો બળેલું તેલ અને 45 કીલો વાસી ફરસાણ નાશ કરવામાં આવ્યુ હતુ. તો ચાર સ્થળોએ ગંદકી જોવા મળતા અને નિયમોના પાલનની બેદરકારી સામે આવતા જે તે સંચાલકોને નોટીસ આપીને કડક તાકીદ કરવામાં આવી છે.