આરબીઆઈએ છેલ્લે વ્યાજના દરોમાં કોઈ ફેરફાર નહોતા કર્યા અને ફુગાવો 4.5 ટકાની આસપાસ જ રહેશે એવું પણ જણાવ્યું હતું, કેમ કે ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી કાબૂમાં લાવવી મુશ્કેલ બની છે
ખાણીપીણીની વસ્તુઓ ધીમે ધીમે મોંઘી થતી રહી છે અને નજીકના ભવિષ્યમાં તેમાં ઘટાડો થવાના કોઈ ચિહ્નો નથી તેની ચિંતા છે. આરબીઆઈએ તેને ધ્યાનમાં રાખીને જ, છેલ્લે વ્યાજ દરો યથાવતા રાખ્યા હતા. તેમાં ઘટાડો કર્યો નહોતો. જથ્થાબંધ ભાવાંક અને રિટેલ ઇન્ફ્લેશનને જુદી રીતે ગણવામાં આવે છે અને તેમાં વિવિધ જણસો અને વસ્તુઓનો સમાવેશ કરાયો હોય છે. સરેરાશ આંકડો આવે ત્યારે તે જુદું ચિત્ર બતાવતો હોય, જ્યારે કેટલીક વસ્તુઓ અને અથવા ક્ષેત્રમાં સ્થિતિ થોડી અલગ પણ હોય. હાલના સમયમાં ભારતમાં ખાણીપીણીની વસ્તુઓના ભાવો કાબૂમાં નથી આવી રહ્યા તે ચિંતાનો વિષય છે. થાય છે એવું કે એક ચીજના ભાવ ઘટે ત્યાં સુધીમાં બીજાના વધી ગયા હોય છે. ટમેટાના ભાવ 200 રૂપિયા સુધી પહોંચ્યા હતા તે ઘટવા લાગ્યા ત્યાં ડુંગળીના ભાવ વધવા લાગ્યા હતા. હવે ડુંગળીની નિકાસ અટકાવવા સહિતના પગલાં લેવાયા છે એટલે તેના ભાવો કાબૂમાં આવશે ત્યાં સુધીમાં ખાદ્ય તેલના, કઠોળના કે અન્ય પદાર્થોના ભાવો વધવા લાગ્યા હશે.
ચાર ટકા સુધીનો ફુગાવાનો દર હોય ત્યાં સુધીને નિયંત્રણ હેઠળની મોંઘવારી ગણાય છે. થોડા ફુગાવા સાથે અર્થતંત્ર ચાલતું રહે છે, પણ 6 ટકાથી વધારે મોંઘવારી થાય ત્યારે પરિવારોનું અને સરકારનું પણ બજેટ બગડવા લાગે છે. તેથી આરબીઆઈ સતત આંકડાં પર નજર રાખીને ફુગાવો શક્ય એટલો ચાર ટકા નજીક રહે તેવી કોશિશ કરે છે. પરંતુ હજી એકાદ વર્ષ 4 ટકાની નીચે જવાનું કે તેની નીકટ રહેવાનું થોડું મુશ્કેલ લાગે છે. તેનું એક કારણ જૂનું અને જાણીતું છે. ક્રૂડ ઓઇલ ધાર્યા પ્રમાણે લાંબો સમય સસ્તુ રહેતું નથી. થોડો સમય ભાવ ઘટે ત્યાં સુધીમાં રશિયા અને સાઉદી અરેબિયા જેવા મોટા દેશો એવી સ્થિતિ પેદા કરે છે કે ફરીથી ભાવ વધવા માંડે.
ભારતે ક્રૂડ ઓઇલની ખરીદી માટે ખૂબ ક્રિએટિવ રીતે પ્રયાસો કર્યા છે, પણ તેની એક મર્યાદા છે. છેલ્લે વેનેઝુએલાથી પણ ક્રૂડ લાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે, કેમ કે હાલમાં જ તેના પરના પ્રતિબંધો દૂર થયા છે. પણ ઘણા વર્ષો સુધી વેનેઝુએલાનું ઓઇલ સેક્ટર કંગાળ સ્થિતિમાં હતું એટલે તેને બેઠું થતા પણ થોડા મહિના લાગશે.
ઓક્ટોબર 2023માં ફુગાવાનો દર ચાર મહિનાના સૌથી નીચેના સ્તરે એટલે કે 4.87 સુધી આવ્યો હતો. પરંતુ નવેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) ફરીથી એક જ મહિનામાં વધીને 5.55 ટકા થઈ ગયો છે. આ વખતે ગ્રામીણ વિસ્તારમાં વધારે મોંઘવારી દેખાઈ છે, જે દર્શાવે છે કે ખાણીપીણીની વસ્તુઓ મોંઘી પડી છે અને તેની પાછળ પૈસા વાપર્યા સિવાય ગામડાંના કુટુંબોને પણ છૂટકો રહેતો નથી. આના કારણે આ વર્ષે સરેરાશ 5.4 ટકાનો ફુગાવોનો અંદાજ આરબીઆઈનો છે તે પ્રમાણે જ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં બહુ ઘટાડાની આશા નથી.
ઓક્ટોબર પછી નવેમ્બરના એક જ મહિનામાં પોણો ટકા મોંઘવારી વધી ગઈ તેનું કારણ ખાદ્ય પદાર્થોની મોંઘવારી છે. વચ્ચેના સમયમાં ખાદ્ય પદાર્થોના ભાવોમાં જરાક અમથો ઘટાડો દેખાયો હતો, પણ નવેમ્બરમાં ફરી તે વધ્યો અને 8.7 ટકા જેટલો ઊંચે પહોંચી ગયો છે. સૌથી વધારે મસાલામાં 21.55 ટકા, કઠોળમાં 20.23, તે પછી શાકભાજીમાં (ટમેટાને યાદ કરી લો) 17.70 ટકા અને ફળોમાં 10.95 ટકાનો વધારો થયો હતો અને સૌથી જેની જરૂર પડે તે અનાજમાં પણ 10.27 ટકા ભાવો વધ્યા હતા. કોર ઇન્ફ્લેશન ગણવામાં આવે તેમાં ખાદ્યપદાર્થો અને બળતણની મોંઘવારી બાદ કરી દેવાઈ હોય એટલે તે કાબૂમાં છે એવું લાગે, પણ ઘર ચલાવવા અનાજ, કઠોળ જોઈએ અને તે ખરીદવા માટે નોકરી-વ્યવસાય કરવા માટે પેટ્રોલ પણ પૂરાવવું પડે.
દરેક રાજ્યોમાં પણ અલગથી ભાવાંક નક્કી થતો હોય છે અને તેમાં કેટલાક અપવાદોને બાદ કરતાં મોટા ભાગના રાજ્યોમાં ફુગાવો વધ્યો હતો. ઓક્ટોબરમાં 11 રાજ્યોમાં પાંચ ટકાથી વધારે ફુગાવો હતો, જ્યારે નવેમ્બરમાં 18 રાજ્યોમાં મોંઘવારી પાંચ ટકાથી વધી હતી. મણિપુર, ઓડિશા અને રાજસ્થાનમાં સૌથી વધારે (સાતથી સાડા અગિયાર ટકા સુધી) ફુગાવો નોંધાયો, જ્યારે પંજાબ, તેંલગાણા અને ગુજરાતમાં થોડી રાહત રહી અને ફુગાવામાં એકાદ ટકાનો જ વધારો થયો હતો.
ફુગાવો ગણવામાં આવે તેમાં 39 ટકા હિસ્સો ખાદ્યપદાર્થોનો હોય એટલે ટમેટા, ડુંગળી, કઠોળમાં ભાવવધારો સીધી અસર કરે છે. ખાદ્ય પદાર્થોમાં પણ 114 જણસોને ગણતરીમાં લેવામાં આવે છે. હવે એવી પણ વ્યવસ્થા છે કે કન્ઝ્યુર અફેર્સ મંત્રાલયમાં 22 જેટલી વસ્તુઓના ભાવોને ડેઇલી ટ્રેક કરવામાં આવે છે, જેથી આગામી મહિનાઓમાં શું થશે તેનો અંદાજ આવે. જોકે હજીય ટેક્નોલોજીને કારણે ડેટા એકઠા કરવાનું કામ ઝડપી બન્યું છે, પણ બાકીનું કામ – એનેલિસિસ કરવાનું કામ અને તેના આધારે ભલામણો કરવાનું કામ સરકારી રગશીયા ગાડાની જેમ જ થાય છે. જાણકારો કહે છે કે 12 દિવસોના ગાળા પછી એક અંદાજ આવે છે. તે પછી અધિકારીઓ ઝડપથી પણ કામ કરે તોય બીજા ત્રણેક દિવસ નિર્ણય લેતા થાય. એટલે 15 દિવસે ટમેટાનું શું કરવું, ડુંગળીનું શું કરવું, તેલિબિયામાં શું કરવું તેનો નિર્ણય લેતા થઈ જાય અને હુકમનું પાલન કરવામાં સરકારી તંત્ર તેનાથીય વધારે ધીમું હોય છે. લાહરિયાવેડા કરીને સરકારી તંત્ર કામ કરે – એક જગ્યાએથી ટમેટાની ટ્રેનો ભરી ભરીને બીજે મોકલે ત્યાં સુધીમાં મહિનો થઈ ગયો હોય. ટમેટા ભરેલી ટ્રેન આવે ત્યારે અઠવાડિયે તેના ભાવ કાબૂમાં આવે, પણ ત્યાં સુધીમાં ડુંગળીના ભાવ વધી ગયા હોય એટલે ગૃહિણી પાકિટ ભરીને પૈસા લઈને નીકળી હોય, પણ તેની શાકભાજીની થેલી થોડી ખાલી જ રહી જાય.