સાઉથમ્પ્ટન સામે રસાકસી બાદ 2-1થી વિજય મેળવીને લિવરપૂલે લીગ કપ ફૂટબોલની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ પોતાના ગોલના દુકાળનો અંત લાવનાર ગેબ્રિયલ જિસસની હેટ્રિક વડે આર્સનલે ક્રિસ્ટલ પેલેસ સામે 3-2થી વિજય હાંસલ કરીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.
ડાર્વિન નુનેઝ અને હાર્વે ઈલિયટના ગોલ વડે લિવરપૂલે વિક્રમી 20મી વખત સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લિવરપૂલ વિક્રમી 10 વખત લીગનું ટાઇટલ જીત્યું છે. ગયા સપ્તાહના અંતે ફુલહામ સામેની મેચ આૃર્યજનક રીતે 2-2થી ડ્રો થયા બાદ લિવરપૂલે તમામ લીગની 24 મેચમાં 20મો વિજય મેળવ્યો હતો. ઇંગ્લિશ પ્રીમિયર લીગના પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે રહેલી લિવરપૂલની ટીમે મોહમ્મદ સાલાહ તથા વર્જિલ વાન ડિજકેને આરામ આપીને ટીમમાં આઠ ફેરફાર કર્યા હતા. ઉરુગ્વેના સ્ટ્રાઇકર નૂનેઝ માટે વર્તમાન સિઝન સામાન્ય રહી છે અને તેણે તમામ લીગમાં કુલ ચોથો ગોલ નોંધાવ્યો હતો. તે છેલ્લી છ મેચમાં એક પણ ગોલ નોંધાવી શક્યો નહોતો. ઈલિયટે 32મી મિનિટે એલેક્સ મેકાર્થીએ આપેલા પાસને સિઝનમાં પોતાના પ્રથમ ગોલમાં ફેરવ્યો હતો.
એમિરાત સ્ટેડિયમમાં બ્રાઝિલિયન સ્ટ્રાઇકર જિસસે 2024ની સિઝનનો પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. છેલ્લી 20 મેચમાં આ તેનો પ્રથમ ગોલ રહ્યો હતો. તેણે 54મી, 73મી તથા 81મી મિનિટે ગોલ કર્યા હતા. ક્રિસ્ટલ પેલેસ માટે જિન ફિલિપ માતેતાએ ચોથી અને ઇડી નિકેટેને 85મી મિનિટે ગોલ કર્યા હતા.