સ્ટાર ખેલાડી સર્જિયો ગોન્ઝાલેઝે અણીના સમયે હેડર દ્વારા ગોલ નોંધાવતા લેગાનેસે સ્પેનિશ જાયન્ટ ક્લબ બાર્સેલોનાને 1-0થી હરાવીને લા લીગા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં મેજર અપસેટ સર્જ્યો હતો. ઘરઆંગણે મેચમાં ગોલ કરવાની અનેક તક વેડફી નાખનાર બાર્સેલોનાનો આ સતત બીજો પરાજય છે.
લીગમાં સતત સારો દેખાવ કરનાર બાર્સેલોનાએ લેગાનેસ સામેની મેચ પહેલાં છ મેચમાં પાંચ વિજય મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. સતત બીજા પરાજય બાદ પણ બાર્સેલોના 38 પોઇન્ટ સાથે એટ્લેટિકો મેડ્રિડ સાથે સંયુક્ત રીતે ટોચના ક્રમે છે. આ બંને ટીમો વચ્ચે આગામી શનિવારે મુકાબલો રમાશે. રિયલ મેડ્રિડ 37 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. તેની બે મેચ હવે બાર્સેલોના અને એટ્લેટિકો સામે રમાવાની છે. લેગાનેસે બાર્સેલોનાના હોમગ્રાઉન્ડમાં પ્રથમ વખત કોઈ મુકાબલો જીત્યો છે. તે 18 પોઇન્ટ સાથે લીગમાં 15મા ક્રમાંકે છે. મેચ ચોથી જ મિનિટે કોર્નર કિક વખતે ગોલ પોસ્ટની નજીક પહોંચેલા બોલને શક્તિશાળી હેડર દ્વારા બાર્સેલોનાના ગોલકીપર ઇનાકી પેનાની પાછળ ગોલ બોક્સમાં પહોંચાડી દીધો હતો અને આ તેનો ગોલ મેચવિનર બન્યો હતો. બાર્સેલોનાએ મેચમાં ગોલ કરવા માટે કરેલા 20માંથી 16 પ્રયાસ નિષ્ફળ કર્યા હતા. પ્રથમ હાફમાં લેગાનેસના ગોલકીપર માર્કો ડિમિટ્રોવિચે ત્રણ વખત અદ્ભુત રીતે બોલને રોકીને બાર્સેલોનાને ગોલ કરવાથી વંચિત રાખ્યું હતું.