ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઋષિ ધવને સફેદ ફોર્મેટની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. 34 વર્ષીય ખેલાડીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. વિજય હજારે ટ્રોફી (VHT) ગ્રૂપ સ્ટેજમાંથી હિમાચલ પ્રદેશની બહાર થયા પછી તરત જ તેની જાહેરાત કરી. ધવને પોતાના નિવેદનમાં લખ્યું છે કે, ‘હું ભારે દિલથી ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરવા ઈચ્છું છું. જોકે મને કોઈ અફસોસ નથી. આ રમતે મને અપાર ખુશીઓ અને અસંખ્ય યાદો આપી છે જે હંમેશા મારા હૃદયની ખૂબ નજીક રહેશે.
ધવનનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર ધવને ત્રણ વનડે અને એક ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે, તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી મેચ રમવાની તક મળી નથી. એક ઉત્તમ સીમ-બોલિંગ ઓલરાઉન્ડર તરીકે, તેણે હિમાચલ પ્રદેશને 2021 માં તેનું પ્રથમ વિજય હજારે ટ્રોફી ટાઇટલ જીતવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ડોમેસ્ટિક ક્રિકેટમાં ચમક્યો હતો ધવન
ઘરેલું ક્રિકેટમાં પોતાની સતત હાજરી બનાવનાર ધવને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 4800થી વધુ રન બનાવ્યા અને 353 વિકેટ પણ પોતાના નામે કરી. તેનો લિસ્ટ A રેકોર્ડ પણ ખૂબ જ પ્રભાવશાળી છે, જેમાં તેણે 2,906 રન અને 186 વિકેટ નોંધાવી છે. ધવન IPLમાં પણ એક પરિચિત ચહેરો રહ્યો છે, જ્યાં તે મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ટીમો માટે રમ્યો છે. જોકે, IPL 2025ની મેગા ઓક્શનમાં તેને કોઈ ખરીદનાર મળ્યો ન હતો.
ધવને લોકોનો આભાર વ્યક્ત કર્યો
પોતાની સફર વિશે વાત કરતાં ધવને તેમની કારકિર્દીમાં યોગદાન આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, સાધારણ શરૂઆતથી લઈને સૌથી મોટા મંચો પર મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું, તે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ક્રિકેટ મારું પેશન છે અને દરરોજ સવારે ઉઠવાનું મારું કારણ છે. હું મારા તમામ કોચ, માર્ગદર્શકો, ટીમના સાથીઓ અને સપોર્ટ સ્ટાફનો આભાર માનું છું, જેમણે મારી કારકિર્દીના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.