કેરળના કાલડી ગામે ઈ.સ. 788માં શંકરાચાર્યનો જન્મ થયો હતો. પિતા શિવગુરુ અને માતા નામ આર્યમ્બા (અંબાતાઈ)નું શંકર એકમાત્ર સંતાન હતું. જ્યારે શંકરના પિતાનું મૃત્યુ થયું ત્યારે તેની ઉંમર માત્ર ત્રણ વર્ષ હતી. માતા આર્યમ્બાએ જ શંકરને ઉછેરીને મોટો કર્યો. તેજસ્વિતા, વાક્ચાતુર્ય, વિદ્વત્તા જેવા ગુણો સાથે સંન્યસ્તની રુચિ શંકરમાં બાળપણથી જ હતી. નાનકડી વયે શંકર માતાની અનુમતિથી ગુરુની શોધમાં નીકળી પડ્યો, પરંતુ માતાથી વિખૂટા પડતા પહેલાં તેણે માતાને કહ્યું કે, હે માતા! જ્યારે પણ તું મને ખરા હૃદયે યાદ કરીશ, હું તારી સમક્ષ ઉપસ્થિત થઈ જઈશ. તારા અંતિમ સંસ્કાર પણ મારા હસ્તે જ થશે!
સંન્યસ્ત જીવન જીવવા નીકળેલા શંકરે આચાર્ય ગોવિંદપાદની ખૂબ જ કીર્તિ સાંભળી હતી. તેથી ગોવિંદપાદની શોધમાં તે નર્મદા કિનારે એક વનમાં આવ્યો. ત્યાં ઓમકારેશ્વરની પાસે જ આચાર્ય ગોવિંદપાદનો આશ્રમ હતો. શંકરને જોતાં જ આચાર્ય ગુરુ ગોવિંદપાદને તેની આભાથી લાગ્યું કે આ કોઈ સામાન્ય બાળક નથી. આચાર્યએ બાળકને સંપ્રદાયની પરંપરા મુજબ દીક્ષા આપી અને શંકરાચાર્ય નામ રાખવામાં આવ્યું. શંકરે આચાર્ય ગોવિંદપાદ પાસેથી બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને વિવિધ ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો.
જ્ઞાન અર્થે કાશી ગમન
એક વખત નર્મદા નદીમાં પૂર આવ્યું. આખા આશ્રમમાં પાણી ભરાઈ ગયું. ત્યારે શંકરાચાર્યે મંત્રોચ્ચારની શક્તિથી પાણીના પ્રવાહને એક પાત્રમાં વાળી દીધો. તે સમયે સ્વયં આચાર્ય ગોવિંદપાદે સમાધિમાંથી ઊભા થઈને શંકરાચાર્યને વધાવી લીધા. શંકરાચાર્યના શાસ્ત્રોક્ત જ્ઞાન અને વિદ્વત્તા જોતાં આચાર્યએ કહ્યું, `શંકર, તમે વૈદિક તત્ત્વજ્ઞાનના વિવેચન અર્થે કાશી જાઓ. ચાર વર્ષ આચાર્ય ગોવિંદપાદ પાસેથી શિક્ષણ અને જ્ઞાન મેળવ્યા બાદ શંકરાચાર્ય કાશી ગયા.’ શંકરાચાર્યે કાશીમાં યોગ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ મેળવ્યું. તેમણે ભારતની ચાર વખત પ્રદક્ષિણા કરીને શાસ્ત્રોના ગૂઢ જ્ઞાન, આત્મચિંતન, શુદ્ધ વિચારો, યૌગિક સિદ્ધિ અને તર્કશક્તિથી ભારતીયોને અનોખું આત્મદર્શન કરાવ્યું. શંકરાચાર્યનો પ્રભાવ વધતો ગયો અને તેમની જ્ઞાનપ્રાપ્તિમાં પણ સમૃદ્ધિ થતી ગઈ.
શિવનાં દર્શન અને જ્ઞાનોપદેશ
કહેવાય છે કે, શંકરાચાર્યને શિવજીના આશીર્વાદ મળ્યા હતા. તેમની પ્રેરણાઓને સાકાર કરવા શંકરાચાર્ય શિષ્ય સમુદાય સાથે ઉત્તરાખંડની યાત્રાએ નીકળ્યા. પગપાળા અલકનંદાના તટ પર આવેલા બદરીનાથ પહોંચ્યા. અલકનંદામાં ફેંકાયેલી બદરીનાથની મૂર્તિને પુન: સ્થાપિત કરી. અહીં જ શંકરાચાર્યએ સોળ વર્ષની ઉંમરે `ભાસ્ય’ની રચના કરી. આ પછી શંકરાચાર્યે `વિવેક ચૂડામણિ’, `તત્ત્વબોધ’, `આત્મબોધ’, `અપરોક્ષાનુભૂતિ’, `સર્વવેદાંત સાર સંગ્રહ’ અને `બ્રહ્મસૂત્ર’ની રચના કરી. વ્યાસ ગુફામાં `ભાસ્ય’ની રચના બાદ તેઓ જ્યોતિર્ધામ ગયા અને જ્યોતિમઠને મુખ્ય કેન્દ્ર બનાવ્યું. ત્યાંથી નંદપ્રયાગ થઈને તુંગનાદ પહોંચ્યા. જેને બીજું કેદાર ગણાય છે. આ મંદિરનો તેમણે જીર્ણોદ્વાર કરાવ્યો અને ગંગોત્રી પહોંચ્યા. ગંગોત્રી પછી તેઓ ઉત્તર કાશી આવ્યા. શંકરાચાર્યનો એક બ્રાહ્મણ સાથે વેદ-વેદાંત માટે આઠ દિવસ વિવાદ ત્યાં ચાલ્યો. તેમના શિષ્ય પદ્મનાભે અનુભવ્યું કે, તે બ્રાહ્મણ બીજું કોઈ નહીં, પણ વ્યાસમુનિ હતા. જેમણે શંકરાચાર્યને આશીર્વાદ આપ્યા.
ઉત્તર ભારતમાં સર્વત્રે ભક્તિ અને ઉપદેશ બાદ તેઓ દક્ષિણ ભારત ગયા ત્યારે તેમને માતાના અંતિમ દિવસોની ઝાંખી થઈ. તેઓ કેરળ ગયા અને માતાને મળ્યા. થોડા સમયમાં જ માતાનું અવસાન થયું. શંકરાચાર્ય સંન્યાસી હોવાથી સગાં-સંબંધીઓએ તેમની માતાને અગ્નિસંસ્કાર આપવા સામે વિરોધ કર્યો. તેમણે એકલા હાથે માતાના અગ્નિ સંસ્કાર અને અંતિમ વિધિ પૂર્ણ કરી.
મઠની સ્થાપના
વૈદિક ધર્મનો સાચો ઉપદેશ અને વિચારધારા એક સંન્યાસી જ ફેલાવી શકે. એ આશયથી તેમણે સંન્યાસીવર્ગ સ્થાપ્યો. તેમણે ચાર દિશામાં ચાર મઠની સ્થાપના કરી. ઉત્તરમાં `જ્યોતિમઠ’, પશ્ચિમના દ્વારિકામાં `શારદામઠ’, દક્ષિણમાં `શૃંગેરીમઠ’ અને જગન્નાથપુરીમાં `ગોવર્ધનમઠ’ સ્થાપ્યા. પદ્મનાભને ગોવર્ધનમઠ, સૂરેશ્વરને શૃંગેરીમઠ, તોટકને જ્યોતિમઠ અને હસ્તામલકને શારદામઠનું ઉત્તરદાયિત્વ સોંપીને તેઓ કેદારનાથ ગયા. ત્યાં તેઓ વેદજ્ઞાન, અધ્યયન, યજ્ઞ, દાન, હોમ, જપ, તપ અને નિષ્કામ ભક્તિ અને જ્ઞાનમાં ગર્ત થયા. બ્રહ્મ (આ આત્મા બ્રહ્મ છે), અહં બ્રહ્માસ્મિ (હું બ્રહ્મ છું) તત્ત્વમસિ (આ બ્રહ્મા તું છે) પ્રજ્ઞાનમાન્દં બ્રહ્મ (બ્રહ્મજ્ઞાન તથા આનંદ સ્વરૂપ છે) આ મહાકાવ્યોને વિસ્તારથી સમજાવીને તેમણે જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો. બત્રીસ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવી કેદારક્ષેત્રમાં જ ઈ.સ. 820માં તેઓએ દેહત્યાગ કર્યો.