વેરાવળ-સોમનાથમાં 2 ઈંચ અને તાલાલામાં 1 ઈંચ વરસતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા
ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર, વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા ગીર પંથક તાલુકામાં બપોરે મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ચારેય તાલુકાઓમાં બપોર બાદ અનરાધાર વરસેલા વરસાદના પગલે અનેક સ્થળોએ તથા નદી નાળાઓમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. આજે મેઘરાજાએ વરસાવેલ હેતના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. જીલ્લામાં સવારથી સાંજ સુધીમાં કોડીનારમાં 3, સુત્રાપાડામાં 2, વેરાવળ સોમનાથમાં 1.5 અને તાલાલામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગીર સોમનાથ જીલ્લામાં અસહ્ય બફારા બાદ આજે બપોરથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કાળા ડીબાંગ વાદળો સાથે ગાજવીજ અને વિજળી ચમકારા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. જીલ્લાના કોડીનાર, વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા ગીરમાં બપોરે એકાદ વાગ્યાથી વરસાદ શરૂ થયા બાદ ધોધમાર વરસ્યો હતો. બપોરથી સાંજે ચાર કલાકમાં જ તાલાલા ગીરમાં 22 મીમી (1 ઈંચ), વેરાવળ સોમનાથમાં 32 મીમી (1.5 ઈંચ), સુત્રાપાડામાં 47 મીમી (2 ઈંચ), કોડીનારમાં 78 મીમી (3 ઈંચ) વરસી ગયો હતો.
જીલ્લામાં આજે વરસેલા વરસાદના પગલે નદી-નાળાઓમાં નવા નીર વહેતા જોવા મળ્યા હતા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુત્રાપાડાના લોઢવા, પ્રશ્નાવાડા, સિંગસર સહિતના ગ્રામ્ય વિસ્તારો આ ઉપરાંત વેરાવળ તાલુકાના આજોઠા ભાલપરા, સોનારીયા, બાદલપરા, ભેટાળી, લુમભા સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ તાલાલા શહેર તેમજ તાલુકાના બોરવાવ, ધાવા, આમળાશ, જેપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે વાવણી લાયક વરસાદ થતાં વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીના પણ શ્રી ગણેશ કરી દીધા છે.