દુશ્મનનો દુશ્મન દોસ્ત બનાવી દેવાતો હોય છે, પણ દોસ્તના દોસ્ત સાથે મિત્રતા થાય તેવું જરૂરી નથી – રાજકારણમાં તો બિલકુલ જરૂરી નથી
તેલંગાણામાં એક પણ ગઠબંધન અગત્યનું નથી. ઈન્ડિયા ગઠબંધન ત્યાં ભેગા મળીને ચૂંટણી લડી રહ્યું નથી. એમઆઈએમના અસદ્દુદીન ઔવૈસી પણ ભારત રાષ્ટ્ર સમિતિ સાથે ગઠબંધનમાં સત્તાવાર રીતે જોડાયા નથી, પણ તેઓ મર્યાદિત બેઠકો પર જ લડી રહ્યા છે. આડકતરી રીતે તેઓ ચંદ્રશેખર રાવને ટેકો આપી રહ્યા છે, પણ સત્તાવાર ગઠબંધન નથી. એનડીએનું ગઠબંધન હવે થયું છે ખરું, પણ તેને અગત્યનું ગણવું કે કેમ તે વિશે બેમત છે. પવન કલ્યાણના પક્ષ સાથે ભાજપનું જોડાણ જાહેર થયું છે. હૈદરાબાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પવન કલ્યાણ હાજર પણ રહ્યા. તેમના પક્ષનું નામ છે જન સેના, જેમને આઠ બેઠકો ભાજપે આપી છે. દક્ષિણમાં ફિલ્મ સ્ટાર હોય તેમના માટે નેતા બનવું સહેલું હોય છે. આમ જુઓ તો ભાજપ કરતાંય તેમનો પક્ષ તેલંગાણામાં મજબૂત ગણાય, પણ તેમણે ભાજપ સાથે જોડાવું પડે છે, કેમ કે ભાજપનું રાષ્ટ્રીય મહત્ત્વ છે.
એ જ રીતે પવન કલ્યાણ આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુના સહારે છે. જગનમોહન સામે ભેગા મળીને લડીશું અને તેમને હરાવીશું એવું પ્રણ લીધું છે, પણ તેમાં ખાસ કંઈ પ્રગતિ થઈ નથી. ભાજપને નાયડુમાં પણ રસ નથી. એટલે કે પોતાના દોસ્ત બનેલા પવન કલ્યાણનું કલ્યાણ થાય તે રીતે નાયડુ સાથે આંધ્રમાં દોસ્તી કરવામાં રસ નથી.
તેલુગુ રાજકારણમાં હવે બે રાજ્ય છે અને બંને રાજ્યોમાં બેથી વધારે પ્લેયર છે. જગનમોહનની બહેન તેલંગાણામાં સક્રિય થઈ છે, પણ આ વખતે તેણે ચૂંટણી લડવાનું જ ટાળ્યું છે. ઔવૈસી સત્તાવાર રીતે ગઠબંધનમાં નથી, પણ બીઆરએસના સમર્થનમાં સ્પષ્ટ દેખાય છે. વાયએસ શર્મિલાએ કોંગ્રેસને સમર્થન જાહેર કરી દીધું છે. તેમના પક્ષનું વિલિનકરણ કોંગ્રેસમાં કરવાનું હતું, પણ તેમણે કહ્યું કે હાલ પોતાનો અલગ પક્ષ જાળવી રાખવા માગે છે, પણ સમર્થન કોંગ્રેસને આપશે. મતો વહેંચાઈ ના જાય તે માટે ઉમેદવારો ઊભા રાખશે નહીં.પવન કલ્યાણ તેલુગુ હિરો છે એટલે તેના ટેકેદારો તેલુગુભાષી છે – તેલંગાણા અને આંધ્ર બંનેમાં છે. તેમના કારણે મતો વહેંચાઈ જતા હોય છે અને તે ટાળવા માટે હંમેશા કોઈને કોઈ પક્ષ તેમની સાથે ગઠબંધ કરતો રહે છે. પણ હવે સ્થિતિ એવી આવી છે કે ગઠબંધનમાં થોડી ભૂમિકા ભજવવા સિવાય પવન કલ્યાણ વધુ કોઈ કલ્યાણ કરી શકે તેમ નથી.
શર્મિલા તેલંગાણામાં સક્રિય થાય અને કોંગ્રેસમાં ભળી જાય તો ભવિષ્યમાં આંધ્રમાં ભાઈ જગનમોહન શું કરશે તે સવાલ છે. ભાઈ સાથે સમાધાન થશે અને ભાઈને મનાવીને પછી ભાઈને પણ કોંગ્રેસ સાથે જોડાવા માટે શર્મિલા મનાવી શકશે? આ સવાલ પણ તેલુગુ રાજકારણને સંકુલ બનાવી રહ્યો છે. શર્મિલાએ કહ્યું છે કે તેમની ગાંધી પરિવાર અંગેની ગેરસમજો દૂર થઈ છે. ગાંધી પરિવાર સાથે શર્મિલા જો સમાધાન કરી લે અને ભાઈ બહેન વચ્ચે પણ સમાધાન થાય ત્યારે વળી પવન કલ્યાણ અને ચંદ્રબાબુ નાયડુ બંને સાથે મળીને ભાજપમાં જઈ શકે છે.
પણ એ જો અને તોની વાત છે અને તેલંગાણામાં કેવા પરિણામો આવે છે તેના પર આધાર છે. કોંગ્રેસ ખૂબ સારો દેખાવ કરશે એમ લાગે છે, પણ સત્તા મળવા જેટલો ખરો એ વિશે હજી શંકા છે. એવું પણ થાય કે ટેકા વિના કોઈની સરકાર ના બને. તે વખતે ભાજપની પણ બે ચાર બેઠકો હશે તે પણ કદાચ ચંદ્રશેખરને જ ટેકો આપશે. ચંદ્રશેખર રાવના પુત્રી કવિતા સામે કાનૂની કાર્યવાહી હાલમાં અટકેલી છે. સંભાવનાઓ ઊભી રાખવા માટે મામલો અટકાવીને રખાયો છે. એ સંજોગોમાં કોંગ્રેસના ટેકા વિના સરકાર
બને તેમ ના હોય અને કોંગ્રેસે કર્ણાટકમાં જેડીએસની સરકાર બનવા દીધી હતી એવું કશુંક થાય ખરું? રજવાડી નીતિમાં દુશ્મનના દુશ્મનને દોસ્ત બનાવાતો રહ્યો છે, પણ રાજકારણમાં એવું જરૂરી નથી. દોસ્તના દોસ્તને પણ મિત્ર બનાવવાનું અનિવાર્ય નથી. પણ હા રાજકારણમાં દુશ્મનને દોસ્ત અને દોસ્તને દુશ્મન … આમ ચપટી વગાડતા કરવાનું સહેલું છે. નીતિશ કુમાર ઘડિકમાં ભાજપ છોડે, વળી પાછા ભાજપમાં ભળી જાય અને અચાનક છેડો ફાટી નાખે તે આપણે જોતા આવ્યા છીએ. એટલે તેલંગાણામાં સંબંધોના તાણાવાણા અત્યારથી જ સંકુલ થયા છે. પરિણામો પછી પરિણામો સ્પષ્ટ હશે તો આપોઆપ સ્પષ્ટ થઈ જશે, પણ ત્રિશંકુ જેવા પરિણામો હશે તો તાણાવાણા બહુ ગૂંચવાશે.