સગુણ સાકારને નિર્ગુણ નિરાકારમાં બદલી નાખતી પ્રક્રિયા એટલે વિસર્જન, જે જન્મે છે એનો અંત પણ નિશ્ચિત છે. પરમાત્માએ જે કંઇ નિર્માણ કર્યું છે તેની પાછળ એક અદભુત સંકેત રહેલો છે. સર્જન બાદના વિસર્જનમાંથી જ નવસર્જન થાય છે. આમ, ભક્તિભાવથી ભાદરવા સુદ ચોથના દિવસે થતી ગણેશ મૂર્તિની સ્થાપનાની સાથે જ વિઘ્નહર્તાને વિદાય આપવાનો દિવસ અનંત ચતુર્દશી નક્કી થઇ જાય છે. જીવનની આ વાસ્તવિકતા છે અને એટલે જ વિસર્જન વખતે સૌ કોઈ ભક્તોને મંગળમૂર્તિ ગણેશનું સાંનિધ્ય છોડવું ગમતું નથી. સાંસારિક દુઃખોના નાશ માટે જેમનું સ્થાપન કરી દસ દિવસ આપણે જેમની આરાધના કરી તેવા દુંદાળા દેવ શ્રીગણેશનું વિસર્જન કરી તેમને વિદાય આપવા આપણું મન રાજી થતું નથી. અને એટલે જ વિસર્જન વખતે સૌ ભાવિક ભક્તોની આંખો ભીંજાઇ જાય છે અને બે હાથ જોડી ગદગદ ભાવે શ્રીગણેશજીને વિનંતી કરવામાં આવે છે કે, `ગણપતિ બાપ્પા મોરયા અગલે બરસ તૂ જલદી આ…
ગણેશ મૂર્તિનું જળમાં વિસર્જન કેમ કરાય છે?
આના ઉત્તરમાં કહી શકાય કે સર્જનની પ્રક્રિયામાં પાંચ તત્ત્વોમાં જળ મુખ્ય ભાગ ભજવે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે સમુદ્રના જળમાંથી કૂર્માવતારી ભગવાન વિષ્ણુએ પૃથ્વીને પીઠ ઉપર ઊંચકીને બહાર કાઢી છે અને એ જ પૃથ્વી પુનઃ પ્રલયકાળે જળમાં નિમગ્ન થઇ જાય છે, જેમાંથી સર્જન થયું હોય એમાં જ વિસર્જન થાય છે. શિવના પુત્ર ગણેશનો જન્મ પણ પાર્વતીના સ્નાન-જળમાંથી થયો છે. તેથી ગણપતિનું સર્જન પણ જળમાંથી થયેલું ગણાય અને તેથી જ તેમનું વિસર્જન પણ જળમાં કરાય છે. ગણપતિ-વિસર્જન પાછળ અનેક તાત્ત્વિક રહસ્યો છુપાયેલાં છે. ઘરમાંથી કે શેરીના પંડાલમાંથી ગણપતિ- મૂર્તિનું ઉત્થાપન થાય છે અને વિસર્જન માટે ભાવપૂર્વક વિદાય અપાય છે. એવી માન્યતા છે કે વિદાય લેતી વખતે વિઘ્નહર્તા ભગવાન ગણપતિ ઘરની, પરિવારની કે શેરી- મહોલ્લાની તમામ મુસીબતો અને સમસ્યાઓ પોતાની સાથે લઇ વિદાય લે છે અને જળમાં વિસર્જિત કરી દે છે. પરિણામે ઘર વિઘ્નરહિત બને છે અને સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિનું આગમન થાય છે.
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પાટનગર પૂણેમાં ગણેશોત્સવની જેમ જ વિસર્જનમાં પણ શિસ્ત જોવા મળે છે. સૌપ્રથમ પૂણેના `માના ચા ગણપતિ’નું વિસર્જન થયા બાદ અન્ય ગણેશ મૂર્તિઓનું વિસર્જન થાય છે. આવા કુલ પાંચ માનવંતા ગણેશજી છે. તેમાં સૌપ્રથમ છે કસબા ગણપતિ, 1893માં લોકમાન્ય બાળગંગાધર ટિળકે ગણેશોત્સવને સાર્વજનિક સ્વરૂપ આપ્યું ત્યારથી જ અહીં ગણેશજીની સ્થાપના થાય છે. શહેરના હાર્દસમા બુધવાર પેઠ વિસ્તારમાં સ્થાપિત કરાતા તાંબડી જોગેશ્વરી ગણપતિ માના ચા બીજા ગણપતિ છે. ચાંદીની પાલખીમાં આ એકદંત સવારી વિસર્જન માટે નીકળે છે. લોકમાન્ય ટિળકે ગણેશોત્સવને સાર્વજનિક સ્વરૂપ આપ્યું એ પૂર્વ એટલે કે 1883માં ગુરુજી તાલીમ મંડળે ગણેશોત્સવની ઉજવણી કરવાની શરૂઆત કરેલી, માનવંતી વસ્તુની યાદીમાં ત્રીજા સ્થાને આવતા આ ગૌરીપુત્રની ઉંદર પર બેઠેલી મૂર્તિ ભારે સાજસજ્જા સાથે અનંત ચૌદશે પૂણેના રસ્તા પર નીકળે છે, ચોથા ક્રમે છે તુલસી બાગની ગણેશ મૂર્તિ, આ યાદીમાં છેલ્લું નામ છે, કેસરીવાડાનું. લોકમાન્ય ટિળકે જાતે આ ગણેશ મંડળની સ્થાપના કરેલી. અહીં વર્ષોથી વિઘ્નહર્તાની પદ્માસનમાં બેઠેલી સાદગીપૂર્ણ મૂર્તિની સ્થાપના થાય છે.
મૂળા અને મૂથા નદીના કાંઠે વસેલા પૂણેમાં અનંત ચૌદશની સવારથી વિસર્જનની શોભાયાત્રા શરૂ થાય છે. તે પૂનમની બપોરે દોઢ વાગ્યા સુધી ચાલે છે. માનવંતાં પાંચ ગણેશ મંડળો સિવાય દગડુશેઠ હલવાઇ અને ફૂલેમંડઇના ગણપતિનું પણ પૂણેમાં આગવું અને અનેરું મહત્ત્વ છે. પૂણેમાં પ્રથમ વિસર્જનનો મહિમા છે તો મુંબઇમાં છેલ્લા વિસર્જનનો. મુંબઇમાં સૌથી છેલ્લું વિસર્જન લાલબાગ ચા રાજાનું થાય છે. પચીસ કિલોમીટર લાંબી શોભાયાત્રા જ્યાં થોભે છે, ત્યાં ભક્તો આરતી કરીને બાપ્પાને વધાવે છે. અમુક વિસ્તારમાં તો ગોવિંદાની મટકીની જેમ ફૂલોના વિશાળકાય હાર બાંધેલા હોય છે. ક્યાંક ચલણી નોટોના હાર લટકાવેલા હોય છે. રાજાની ઝાકઝમાળ સવારી જ્યારે આવી પહોંચે છે ત્યારે તેમને આ હાર પહેરાવી દેવાય છે. દાદર, સાયન અને ગિરગાંવ જેવા વિસ્તારોમાંથી આ વિશાળકાય દુંદાળા દેવની મૂર્તિ ઉપર પુષ્પવૃષ્ટિ અને અબીલ, ગુલાલ, કંકુનો વરસાદ વરસાવાય છે. હૈયેહૈયું દળાતું હોય, અમીર-ગરીબ સૌ કોઇ ખભેખભા મિલાવીને દાદાની એક આછેરી ઝલક નિહાળવા માટે, લાડકા દેવને વિદાય આપવા સૌ કોઇ રસ્તા પર ઊતરી આવે છે. ગણેશ વિસર્જનનો આવો માહોલ ભાગ્યે જ ક્યાંક જોવા મળતો હશે. ગુજરાતમાં પણ વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ અને અમદાવાદ જેવાં શહેરોમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે. અમદાવાદમાં અનંત ચતુર્દશીના દિવસે લોકો પોતાના લાડકા દેવ ગણપતિને સાબરમતી નદીએ ખૂબ જ હર્ષોલ્લાસ અને નાચગાન સાથે લઇ જતાં હોય છે.