મહિલાઓએ ઘર ખર્ચ માંથી બચાવેલ મૂડીનો ઉપયોગ ગણપતિ સ્થાપનમાં કર્યો.
ગણપતિ ઉત્સવના મંગલ દિવસો શરૂ થઈ ગયા છે. ગલીમાં અને સોસાયટી તેમજ ઘરોમાં ગણપતિદાદાની પધરામણી કરવામાં આવી રહી છે. સવારથી પૂજા અર્ચન આરતી પ્રસાદ ના ભવ્ય આયોજન થતા હોય છે. ગણપતિ ઉત્સવ હવે ગુજરાતમાં પણ ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે મોરબીમાં ગણપતિ સ્થાપનમાં મહિલાઓએ પોતાનું ખાસ યોગદાન આપ્યું છે. આ ગણપતિ સ્ત્રી સશક્તિકરણ નું ઉદાહરણ સ્વરૂપ છે.
મોરબીના સામાકાંઠે આવેલ ન્યૂ રીલીફ નગરની મહિલાઓ દ્વારા પોતાના ઘર ખર્ચમાંથી બચાવેલ મૂડીનો સદઉપયોગ કરી સ્વેચ્છાએ ફાળો એકત્રિત કરી ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહિલાઓ મોટાભાગે ઘરમાં ગૃહ કાર્ય કરતી હોય ત્યારે પોતાના પૈસા હોતા નથી પરંતુ ઘર ખર્ચમાંથી બચાવેલ પૈસા જે ક્યારેક અચાનક ઉપયોગ માટે રાખવામાં આવ્યા હોય છે તે ગણપતિ સ્થાપનમાં મહિલાઓએ આપ્યા છે. આ ગણપતિ સ્થાપન નું સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા થાય છે.
સૌ પ્રથમ નાની બાળાઓ દ્વારા ગણપતિ મહરાજને કપાળે કંકુનો ચાંદલો કરી સામૈયું કરી બ્રહ્મ દેવતાંઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર દ્વારા ગજાનન ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી. સૌ પ્રથમ સોસાયટીના બુઝુર્ગ મહિલા ઓના હાથે પ્રથમ આરતી પૂજન કરાવ્યા. દરરોજ સવારે અને સાંજે દીવસમાં બે વખત પૂજન અર્ચન કરાશે ,જેથી સોસાયટીના દરેક પરિવારને પૂજા -આરતી નો લાભ મળે તેવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ દાદા ના સ્થાપનથી સોસાયટીમાં પણ એક અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળે છે. તા:-૧૭ સપ્ટેમ્બર ના રોજ મહા આરતી કરી સોસાયટીના દરેક સભ્યો સહપરિવાર મહાપ્રસાદ સાથે લઈ ત્યાર બાદ ગણેશ વિસર્જન કરવામાં આવશે.