ગીરના માલધારીઓ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા ઉત્સાહિત
કનકાઈ મતદાન મથક ખાતે લીલાપાણી, સુવરડીનેસ અને ગોરડવાળા નેસના ૧૨૧ મતદારો કરશે મતદાન
ગીર જંગલની મધ્યમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ કનકાઈ નજીક આવેલ લીલાપાણી, સુવરડીનેસ અને ગોરડવાળા નેસના માલધારીઓ તા.૭મી મે એ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા ઉત્સુક બન્યા છે. આ ત્રણેય નેસમાં આશરે ૪૦૦ જેટલા માલધારીઓ વસવાટ કરી રહ્યા છે અને તેના કુલ ૧૨૧ મતદારો માટે કનકાઈ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક ઊભું કરવામાં આવે છે.
જૂનાગઢથી આશરે ૭૦ કિલોમીટર દૂર, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર, અડાબીડ જંગલ અને ગીર કેસરીની ડણકો સંભળાય છે, તેવા કનકાઈ માતાજીના મંદિર નજીક વન વિભાગની કનકાઈ રાઉન્ડ કચેરી ખાતે મતદાન મથક ખાતે માલધારીઓએ સહ પરિવાર મતદાન કરશે.
સુવરડી નેસના કલાકાર અને માલધારી જીવણ ટાપરિયાએ પોતાની આગવી શૈલીમાં દુહા લલકારી તા.૭ મી મે એ મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેઓ કહે છે કે, આપણા પૂર્વજોએ દેશ માટે બલિદાન આપ્યા છે, હવે મતદાન કરી દેશ અને લોકશાહીને મજબૂત બનાવીએ. અમે માલધારીઓ પણ સહ પરિવાર મતદાન કરવાના છીએ. ત્યારે દરેક મતદારો મતદાન કરી દેશ માટેની ફરજ અદા કરે. તેમણે એમ પણ કહ્યું કે, મતદાન કરવું એ આપણો નાગરિક ધર્મ અને ફરજ છે.
જીવણ ટાપરિયાએ આગવી છટામાં દુહા અને દેશભક્તિના ગીત દ્વારા લોકોને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવા માટે હાંકલ કરી હતી. તેમણે ગાંડી છે ઈ ગીર અમારી, એ.જી.એના જીવનમાં કેવી ઉદારી વગેરે દુહા લલકાર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, કનકાઈ મતદાન મથક હેઠળ ૬૭ પુરુષો અને ૫૪ મહિલા એમ કુલ 121 મતદારો મતદાન કરશે. આ મતદાન મથક જૂનાગઢ જિલ્લાના સૌથી ઓછા મતદાર ધરાવતું મતદાન મથક પણ છે.
“દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે વોટ કરીએ” : પર્યટકો
ગીર મધ્યે આવેલા પ્રાચીન કનકાઈ માતાજીના મંદિર ખાતે પર્યટકોએ તા.૭મી મે એ મતદાન કરી લોકશાહીના મહાપર્વને સાર્થક કરવા માટે અપીલ કરી છે. અમદાવાદ ખાતેથી પરિવાર સાથે ફરવા આવેલા આશા પટેલ કહે છે કે, દેશના ઉજવળ ભવિષ્ય માટે વોટ કરવો જોઈએ. આપણે કપડાં જેવી સામાન્ય વસ્તુની ખરીદી માટે ૧૦ જગ્યાએ ફરીને અને વિચારીને પસંદગી કરતા હોય છીએ. ત્યારે આપણે સમજદારી પૂર્વક યોગ્ય જનપ્રતિનિધિને ચૂટવા મત આપવો જોઈએ. તેવા જ એક પર્યટક મૂળ મેંદરડાના અણીયારાના જીજ્ઞા ધુતલા હાલ બ્રિટનમાં વકીલાત કરી રહ્યા છે. તેમણે પણ દેશના સુરક્ષિત ભવિષ્ય માટે મત કરવો જોઈએ અને જ્યારે આ અધિકાર લોકોને પોતાના હાથમાં આપવામાં આવ્યો છે. ત્યારે અચૂક મતદાન કરીએ.
કનકાઈ મંદિરના કામગીરી સંભાળી રહેલા જગદીશ મહેતાએ જણાવ્યું કે, લોકશાહીમાં દર 5 વર્ષે લોકોને મત આપવાનો અધિકાર મળ્યો છે. ત્યારે તા.૭મી મે એ પ્રથમ મતદાન આપવાનું કાર્ય કરીએ. તેમ જણાવતા એક એક મતને કિંમતી ગણાવ્યો હતો.