- ભારતનું એક એવું મંદિર જ્યાં ભગવાન
- ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો શૃંગાર સોનાથી કરવામાં આવે છે
હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન ગણેશજીનું અનેરું માહાત્મ્ય છે. કોઈ પણ વિધિ કે કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રસંગની શરૂઆત કરતાં પહેલાં તેમજ મોટી કે નાની વસ્તુનું નિર્માણ કરતી વખતે ભગવાન ગણેશજીની પૂજા અને આહ્નવાન ભૂલ્યા વગર કરવામાં આવે છે. ભારતમાં ભગવાન ગણેશનાં જે સુપ્રસિદ્ધ મંદિરો છે તેમાં રાજસ્થાનમાં આવેલા ત્રિનેત્ર ગણેશનો વિશેષ સમાવેશ થાય છે.
આ મંદિર અન્ય મંદિરો કરતાં અલગ તરી આવે છે, કારણ કે આ મંદિરને માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી પહેલું ગણેશ મંદિર માનવામાં આવે છે, જ્યાં ગણેશજીની પ્રતિમા ત્રિનેત્રી છે! આ મંદિરને વિશે એક માન્યતા એવી પણ છે કે અહીં ભગવાન ગણશેજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઇ હતી!
અરવલ્લી અને વિંધ્યાચલના પહાડોની વચ્ચે બિરાજમાન છે ગણેશજી
ત્રિનેત્ર ગણપતિ ભગવાનનું મંદિર રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લાના રણથંભોરમાં આવેલું છે. આ મંદિરને રણતભંવર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર અંદાજિત 1579 ફૂટની ઊંચાઈ પર અરવલ્લી અને વિંધ્યાચલના પહાડો પર આવેલું છે.
શુભ પ્રસંગે ગણપતિને નિમંત્રણ આપવામાં આવે છે
ત્રિનેત્ર ગણપતિ મંદિરની અન્ય ખાસિયત એ પણ છે કે, જે પણ ગણેશભક્તના ઘરે શુભ પ્રસંગ આવતો હોય કે અન્ય કોઇ પ્રસંગ આવતો હોય ત્યારે તેઓ સૌથી પહેલાં આમંત્રણ પત્રિકા અહીં મંદિરમાં અર્પણ કરે છે. એટલે કે સૌથી પહેલું નિમંત્રણ ત્રિનેત્ર ગણપતિને આપવામાં આવે છે. તો કેટલાક ગણેશભક્તોનાં જીવનમાં કોઇ પણ પ્રકારનું નાનું-મોટું દુઃખ આવી પડે છે તો તે બાબતે પણ તેઓ ભગવાન ગણેશને પત્રવ્યવહાર કરે છે! અહીં દરરોજ હજારોની સંખ્યામાં નિમંત્રણ પત્રિકા અને ચિઠ્ઠીઓ આવતી હોય છે. આ મંદિરમાં એવી માન્યતા છે કે અહીં ભગવાન ગણપતિનાં દર્શનમાત્રથી ભક્તનાં તમામ દુઃખ-દર્દ દૂર થઇ જાય છે.
સપનાંમાં ભગવાન ગણેશ દેખાયા અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું
ઈ.સ. 1299-1301 દરમિયાન મહારાજા હમીર દેવ ચૌહાણ અને દિલ્હીના શાસક અલ્લાઉદ્દીન ખિલજી વચ્ચે યુદ્ધ થયું હતું. આ દરમિયાન અંદાજિત નવ મહિના સુધી દુશ્મનોએ કિલ્લાને ઘેરી રાખ્યો હતો. બીજી તરફ કિલ્લામાં કરિયાણું અને અન્ય સામગ્રી ખૂટી પડવા આવી હતી. ત્યારે ભગવાન ગણેશજી રાજા હમીરદેવના સપનામાં આવ્યા અને તે સ્થાન પર પૂજા કરવા જણાવ્યું જ્યાં ભગવાન ગણેશજીની મૂર્તિ છે! રાજા હમીર દેવ તે જગ્યા પર પહોંચ્યા તો ભગવાન ગણેશજીની પ્રતિમા મળી અને ત્યારબાદ રાજા હમીર દેવે ત્યાં ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
રામાયણકાળમાં આ મંદિરનો ઉલ્લેખ છે!
રાજસ્થાનમાં આવેલા આ મંદિરનો ઉલ્લેખ રામાયણકાળ અને દ્વાપર યુગમાં પણ જોવા મળે છે! એક ધાર્મિક માન્યતા પ્રમાણે જ્યારે ભગવાન શ્રીરામ લંકા પર ચડાઈ કરવા ગયા હતા તે પહેલાં તેમણે ભગવાન ગણેશજીનો આ જ રૂપમાં અભિષેક કર્યો હતો તેમજ અન્ય એક ધાર્મિક માન્યતામાં દ્વાપર યુગમાં જ્યારે શ્રીકૃષ્ણના વિવાહ રુકિ્મણીની સાથે થયા હતા ત્યારે તેઓ વિવાહમાં ભગવાન ગણેશને નિમંત્રણ પાઠવવાનું ચૂકી ગયા હતા. તો બીજી તરફ ભગવાન ગણેશના વાહન કહેવાતા મૂષકો (ઉંદર)એ ભગવાન કૃષ્ણના રથની આગળ પાછળ બધે ખોદી કાઢ્યું હતું. ત્યારબાદ ભગવાન કૃષ્ણ ગણેશજીને મનાવે છે અને ગણેશજી માની જાય છે. કહેવાય છે કે, જ્યાં ભગવાન ગણેશને મનાવવામાં આવ્યા હતા તે જગ્યા રણથંભોર જ હતી.
આ મંદિરમાં ગણપતિજી સપરિવાર રહે છે!
ગણપતિ અહીં ત્રિનેત્ર સ્વરૂપે તો બિરાજમાન છે. જેમાં તેમનું ત્રીજું નેત્ર જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. વિશ્વભરમાં ગણેશજીનું આ એકમાત્ર મંદિર છે જેમાં ભગવાન ગણપતિ તેમના સમગ્ર પરિવાર, બે પત્ની રિદ્ધિ અને સિદ્ધ તેમજ પુત્ર શુભ-લાભની સાથે બિરાજમાન છે. ભારતમાં કુલ ચાર સ્વયંભૂ ગણેશ મંદિરો માનવામાં આવે છે, જેમાં રણથંભોરના આ મંદિરનું વિશેષ માહાત્મ્ય છે!
ભગવાન ગણેશનો શૃંગાર
રણથંભોરના કિલ્લામાં આવેલા ભગવાન ત્રિનેત્ર ગણેશનો શૃંગાર પણ કંઇક અલગ રીતે કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં તેમનો શૃંગાર ચાંદીના વરખથી કરવામાં આવતો હોય છે, પરંતુ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો શૃંગાર સોનાથી કરવામાં આવે છે. આ વરખ ખાસ મુંબઇથી મંગાવવામાં આવે છે. તેમજ તેમનાં વસ્ત્રો જયપુરમાં તૈયાર કરવામાં આવે છે.
આસ્થા અને ઇતિહાસ સાથે પ્રકૃતિનો અનેરો સંગમ
રણથંભોરમાં આવેલું આ ગણપતિ ભગવાનનું મંદિર ટાઇગર રિઝર્વ એરિયામાં આવેલું છે. અહીંયાંની પ્રાકૃતિક સુંદરતા સાથે ગણેશ આરાધના સૌને ભક્તિમય બનાવી દે છે. વધુમાં અહીં વર્ષાઋતુમાં ઘણી જગ્યાએ ઝરણાં પણ ફૂટી નીકળે છે જેથી સમગ્ર વિસ્તાર રમણીય બની જાય છે. મૂળ આ મંદિર કિલ્લામાં આવેલું છે અને આ કિલ્લો સંરક્ષિત વારસો છે. અહીંયાં ભગવાન ગણપતિનો મેળો પણ ભરાય છે, જ્યાં ભારતભરમાંથી લોકો આવે છે, તો કેટલાક આસપાસના લોકો ચાલીને પણ ભગવાનનાં દર્શન સાથે મેળાનો આનંદ પણ માણી લે છે.