ત્રણેય સ્થળોએ જોખમી જણાતું હોવાથી તંત્રએ કરી આકરી કાર્યવાહી
રાજકોટની આગની ઘટના બાદ વેરાવળમાં ફાયર સેફટી મુદ્દે તંત્ર એકશન મોડમાં આવ્યુ હોય તેમ બીજા દિવસે મુખ્ય બજારમાં તપાસ હાથ ધરતા મીઠાઈ બનાવવાના કારખાનામાં તથા નોવેલ્ટી અને સ્પીરીટના ગોડાઉનમાં ફાયર સેફટીને લઈ કોઈ મંજુરી ન હોવાનું ધ્યાને આવતા ત્રણેય મિલ્કતોને સીલ કરવામાં આવ્યા હતા.
આ અંગે માહિતી આપતા ચીફ ઓફીસર ચેતન ડુડિયાએ જણાવેલ કે, ફાયર સેફટીને લઈ પાલીકા અને મામલતદારની સંયુકત ટીમએ શહેરની મુખ્ય બજારમાં તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રથમ ગોરખનાથ કોમ્પલેક્ષમાં તપાસ કરતા એક નોવેલ્ટી અને બીજા સ્પીરીટના ગોડાઉનમાં કોઈપણ જાતની ફાયર સેફટીની સુવિધા કે મંજુરી ના હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આ બંન્ને મિલ્કતો ભરચક વિસ્તારમાં આવેલ હોય અને નોટીસ આપી હોવા છતાં ફાયર સુવિધા ઉભી કરવામાં બેદરકારી દાખવવા બદલ બંન્ને મિલ્કતો સીલ કરવામાં આવી હતી.
વધુમાં પટેલવાડામાં સાંકળી શેરીમાં ચાલતા જલારામ ડેરીના કારખાનામાં તપાસ કરતા ત્યાં ફરસાણ અને મીઠાઈ બનતી હોવા છતાં નિયમોનુસાર ફાયર સેફટીની સુવિધા ન હોય અને જોખમી પરિસ્થિતિને ધ્યાને લઈ આ મિલ્કત પણ સીલ કરવામાં આવી હતી. ત્યારે આગની ઘટનાઓથી બચવા માટે વેપારી મિત્રો પોતાનો માલ બનાવવા અને ગેસના સિલેન્ડર ઉપયોગની કામગીરી રહેણાંક અને ભીડભાળ વાળા વિસ્તારમાંથી ખસેડી દુર લઈ જાય તે જરૂરી છે. આવા સ્થળોએ માત્ર માલનું વેંચાણ કેન્દ્ર રાખે તો તેની સામે કોઈ વાંધો ન હોઈ શકે ત્યારે આ બાબતને વેપારીઓ ગંભીરતાથી લઈ કામગીરી કરે તેવી ચીફ ઓફીસરએ અપીલ કરી હતી.