મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં પીછેહટ જોવા મળી હતી. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળે વેચવાલી બતાવતા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશદીઠ ૧૯૮૪થી ૧૯૮૫ વાળા નીચામાં ૧૯૭૮ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૧૯૮૦થી ૧૯૮૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૩.૭૯થી ૨૩.૮૦ વાળા નીચામાં ૨૩.૬૬ થઈ છેલ્લે ભાવ ૨૩.૭૧થી ૨૩.૭૨ ડોલર રહ્યા હતા.
વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ફરી વધતાં તથા અમેરીકાન બોન્ડ યીલ્ડ પણ વધતાં વૈશ્વિક સોનાના ભાવ પર વધ્યા મથાળે દબાણ જોવા મળ્યું હતું.
મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૯૨૫ વાળા રૂ.૬૦૭૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૧૧૭૦ વાળા રૂ.૬૦૯૫૦ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૭૩૭૪૭ વાળા રૂ.૭૩૦૫૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૨૭ વાળા રૂ.૮૩.૩૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૮૯૬થી ૮૯૭ વાળા વધી ૯૧૧ થઈ છેલ્લે ભાવ ૯૦૨થી ૯૦૩ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૩૭થી ૧૦૩૮ વાળા વધી ૧૦૬૩ થઈ છેલ્લે ભાવ ૧૦૫૬થી ૧૦૫૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે સપ્તાહના અંતે ૦.૮૮ ટકા પ્લસમાં રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતા અટકી પ્રત્યાઘાતી ઝડપી ઉંચકાયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૭.૪૮ વાળા ઉંચામાં ૮૦.૮૧ થઈ છેલ્લે ભાવ ૮૦.૬૧ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૨.૯૭ વાળા ઉંચામાં ૭૫.૯૯ થઈ છેલ્લે ભાવ ૭૫.૮૯ ડોલર રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર મુજબ ક્રૂડતેલના ઉત્પાદનમાં વધુ ઘટાડો કરવા માટે ઈરાક દ્વારા ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશોને જણાવ્યાના વાવડ મળ્યા હતા. ઓપેક સંગઠનની મિટિંગ મળવાની છે.
વિશ્વબજારમાં ક્રૂડતેલના વાયદા બજારમાં તાજેતરમાં મંદીવાળાઓએ આક્રમક વેચવાલી કર્યા પછી સપ્તાહના અંતભાગમાં મંદીવાળાઓના વેંચાણો કપાઈ રહ્યાના તથા શોર્ટ કવરીંગ શરૂ થયાના સમાચાર મળ્યા હતા.