ગોપી હંમેશાં શ્રીકૃષ્ણની આસપાસ રહે છે. મધુસૂદનની આજુબાજુ રહેતી આ ગોપીઓ કૃષ્ણની એવી આરાધ્યિકા છે, જેના વગર કૃષ્ણનું અસ્તિત્વ ઝાંખું પડી જાય છે. ભક્તજનો પૂછે છે કે આ ગોપીઓ કોણ હતી? કૃષ્ણ સાથે તેમનો શું સંબંધ હતો? જો ઠાકુરજીની આજુબાજુ આ ગોપીઓ ન હોત તો ઠાકુરજીએ વ્રજમાં પધારવાનું નક્કી કર્યું હોત? શ્રી
ભાગવતજીમાં ગોપીઓનો અર્થ જણાવતાં કહ્યું છે કે, `ગો એટલે કે ઈન્દ્રિયો અને ઈન્દ્રિઓને જે પી જાય છે અર્થાત્ જે ઈન્દ્રિયોનું મંથન કરે છે તે ગોપી છે.’ જ્યારે શ્રી સુબોધિનીજમાં કહ્યું છે કે, `ગોપી એટલે કે પોતાના ભાવને મનમાં ગુપ્ત રાખનાર તે ગોપી છે.’
શાસ્ત્રોમાં કહ્યું છે કે, `આ એ પુષ્ટિ જીવો છે જેઓએ લાંબી સાધનાની પરાકાષ્ઠા બાદ આ ગોપીદેહને ભગવદ ફળરૂપે ધારણ કરેલો છે. ગૌડિય સંપ્રદાય અને પુષ્ટિ સંપ્રદાયના મતે સર્વે ગોપીઓને ઠાકુરજીની દિવ્યાતિદિવ્ય ક્રીડા માટે પ્રાદુર્ભાવ થયો છે. ઉપનિષદમાં કહ્યું છે કે, `ગો એટલે કે જળ, આકાશ, ભૂમિ સહિત પંચતત્ત્વો અને પંચતત્ત્વમાં રહેલી તમામ જીવસૃષ્ટિ તે ગૌ અર્થાત્ ગઉઆ (ગાય) છે અને તેનું પાલન કરનાર તે ગોપ, ગોપી, ગોપેન્દ્ર કે ગોપાલ છે.’ ગો એટલે વાણી અને જે જીવોમાં રહેલ પ્રસુપ્ત વાણીને જગાડનાર પ્રાણ તે પાલકરૂપે રહેલ છે, તેથી એમ કહી શકાય કે વાણીનો પતિ તે પાલન કરનાર ગોપ થયો, પરંતુ પ્રાણ જેનું પાલન કરે છે તે વાણી તત્ત્વ એ જ પાલનકર્તાની ગોપી છે.
ઋગ્વેદમાં કહ્યું છે કે, `જગતનું પાલન ભગવાન વિષ્ણુ કરે છે. આથી ભગવાન વિષ્ણુ માટે ગોપી, ગોપતિ, ગોપી વગેરે શબ્દો પ્રયોજવામાં આવ્યા છે.’ સંહિતામાં કહ્યું છે કે, `પ્રભુની માયા અને તેમની પ્રકૃતિ તે ગોપી અથવા ગોપીકાના નામથી ઓળખાય છે.’
સંતો કહે છે કે, `શ્રી ઠાકુરજી પુરુષનું પ્રતીક છે અને રાધાજી પ્રકૃતિ છે. સર્વે ગોપીકાઓ તે પ્રકૃતિરૂપ રાધાજીનું અભિન્ન અંગ છે અર્થાત્ પ્રકૃતિની સખીઓ સ્વરૂપા છે. જેને કારણે સખીજનોને ક્યારેય પ્રકૃતિરૂપા રાધાજીની ઈર્ષ્યા થઈ નથી, બલ્કે પોતાની નિ:સાધન નિર્ગુણ ભક્તિ સ્વરૂપે તેઓ રાધાજીના અને શ્રીકૃષ્ણના અસ્તિત્વમાં સમાઈ ગઈ છે. ગોપીજનો તે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રીકૃષ્ણની રસશક્તિ છે. જેઓ શ્રી ઠાકુરજીની પ્રગટ અને અપ્રગટ લીલાઓમાં નિરંતર તેમની સંગે રહે છે. વૃંદાવનની પ્રગટ લીલાઓમાં ગોપીઓ ઠાકુરજીની નિત્ય શક્તિ સ્વરૂપા છે, જેમના દ્વારા ઠાકુરજીની અસંખ્ય ગુપ્ત અને રહસ્યમય લીલાઓનું પ્રાગટ્ય થાય છે.’
શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ કહે છે કે, ગોપીઓના બે પ્રકાર છે. પરકીયા ગોપીજનો અને સ્વકીયા ગોપીજનો, પરંતુ એમ પણ કહેવાય છે કે ગોપીઓનું પરકીયા સ્વરૂપ તે માત્ર લૌકિક દૃષ્ટિએ છે. વાસ્તવમાં એ બધી જ ગોપીઓ સ્વકીયા છે, જેમણે શ્રી ઠાકુરજીના ચરણમાં અને શરણમાં પોતાનું તન, મન, ધન, આત્મા સહિત સર્વસ્વ અર્પણ કરી દીધું છે, પરંતુ તેમ છતાંયે સંસારના સમસ્ત વૈષ્ણવોને વિવિધ પ્રેમરૂપી ભક્તિ શીખવવા માટે તેઓએ પરકીયા ગોપીજનોના સ્વરૂપનો સ્વીકાર કરેલો છે. શ્રી સુબોધિનીજમાં કહ્યું છે કે આ ગોપીજનો ઠાકુરજીના એ ભક્તો છે, જેમણે પોતાની પ્રેમભક્તિ દ્વારા ભગવત સ્વરૂપમાં પ્રવેશ કરીને નિત્ય સિદ્ધ ગોપીદેહને ધારણ કરીને ઠાકુરજીની લીલાનું એક અભિન્ન અંગ બની ગયેલી છે.’
ધર્મશાસ્ત્રોએ, કૃષ્ણપ્રેમી ભક્તોએ અને સંતોએ ગોપીઓને પ્રેમ સંન્યાસીની તરીકેનું સ્થાન આપ્યું છે. આ સંન્યાસીનીઓને કોઈ વિષય ભોગ કે કોઈ કામના નથી જોઈતી. તેમને તો જોઈએ છે ફક્ત શ્રીકૃષ્ણના નામનું બંધન, શ્રીકૃષ્ણના નામનું સ્મરણ અને શ્રીકૃષ્ણના નામનો પ્રેમ, શ્રીકૃષ્ણની ઈચ્છા, શ્રીકૃષ્ણનું બંધન અને શ્રીકૃષ્ણ સાથેની પ્રીત ગોપીઓને તેમના જીવન સાથે બાંધીને રાખે છે. જગતમાં પ્રીતની રીત ઊંધી હોય છે. જે જગત માટે સીધું છે તે પ્રેમીજનો માટે ઊંધું છે અને જે પ્રેમીજનો માટે સીધું છે તે જગત માટે ઊંધું છે. આવી પ્રીતને કારણે જ જગતની દૃષ્ટિએ મીરાં દીવાની કહેવાય છે અને ગોપીકાઓ બાવરી કહેવાય છે.