પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફીયાની હત્યાના કાવતરામાં સામેલ છોટા શકીલના શાર્પ શૂટરને ગુજસીટોક કોર્ટે પાંચ વર્ષની જેલ સજા ફટકારી છે. જયારે બીજા આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.જાણવા મળતી વિગત મુજબ ગોરધન ઝડફીયાની હત્યાનું કાવતરૂ ઘડવાના ચકચાર ભર્યા ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલા કેસમાં સ્પે.ગુજસીટોક કોર્ટના જજ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ કે.એમ.સોજીત્રાએ છોટા શકીલના શાર્પશૂટર ઇરફાન ઉર્ફે કાલિયા ઇસ્માઇલ શેખને પાંચ વર્ષની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. ગુજરાત રાજયમાં ગુજસીટોક કાયદા હેઠળ સજા ફટકારતો આ પહેલો ચૂકાદો કોઇ બહુ મહત્વનો મનાઇ રહ્યો છે. કોર્ટ આ કેસમાં અન્ય આરોપી સીંધેશ ખરાડેને પુરાવાના અભાવે છોડી મૂકયો હતો.સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એકટ મુજબ ગુનો પુરવાર થાય છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય અને કાયદામાં નિર્દિષ્ટ જોગવાઇ મુજબ સજા કરવી ન્યાયોચિત છે. નોંધનીય છે કે ૨૦૨૦માં છોટા શકીલના ઇશારે ગોરધન ઝડફીયાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પરંતુ પર્દાફાશ કરી બે આરોપીને ઝડપી લીધા હતા.કેસની વિગત મુજબ ગત તા.૧૯-૮-૨૦૨૦ના રોજ શહેરના રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલમાંથી ગુજરાત એટીએસના અધિકારીઓએ આરોપી શાર્પ શૂટર ઇરફાન ઉર્ફે કાલિયા ઇસ્માઇલ શેખ હતો. તેના વોટસઅપમાંથી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ૨૦૦૨માં રાજયના ગૃહપ્રધાન રહી ચૂકેલા ગોરધન ઝડફીયાનો ફોટો મળી આવ્યો હતો. શાર્પ શૂટરને આ મેસેજ નેધરલેન્ડના નંબરથી મળ્યો હતો. જયારે તેણે કમલમની રેકીનો વીડિયો નેધરલેન્ડના નંબર પર મોકલ્યો હોવાની વાત સામે આવી હતી. છોટા શકીલના ઇશારે તે ઝડફીયાની હત્યા કરવા અહીં આવ્યો હતો. આ કેસમાં બાદમાં અન્ય આરોપી સીધેશ ખરાડેની પણ ધરપકડ કરાઇ હતી. સમગ્ર કેસમાં એટીએસ દ્વારા ગુજસીટોકના કાયદા અને આઇપીસીની કલમો હેઠળ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું.આ કેસ સ્પે. કોર્ટમાં ચાલતા ખાસ સરકારી વકીલે ૨૪ સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટમાં દલીલ કરી હતી કે ગુજસીટોકના કાયદા હેઠળનો આ બહુ ગંભીર પ્રકારનો કેસ છે. રાજકીય નેતાની હત્યા કરવા માટે આરોપી આવ્યો હતો, આરોપી પાસેથી ગેરકાયદે સિલ્વર કલરની પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા છે. આખોય કેસ નિ:શંકપણે પુરવાર થાય છે ત્યારે આરોપીને સખતમાં સખત સજા કરવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ગુજસીટોક કાયદાના કેસમાં રાજયનો પ્રથમ ચૂકાદો આપતાં કોર્ટે આરોપી ઇરફાન ઉર્ફે કાલીયા ઇસ્માઇલ શેખને પાંચ વર્ષની સજા ફટકારી હતી.
સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટનો વિસ્તૃત ચૂકાદો : કેસમાં બીજા આરોપીનો નિર્દોષ છુટકારો