નવરાત્રિના પ્રારંભે મધરાતે બેઠક થાય અને સવારેસવાર ચાલે ત્યારે નવાજૂની થાય, પણ તેની એક દિશા પડોશી રાજ્યોની ચૂંટણીઓ પણ હોઈ શકે છે કે… …કે ઓબીસીને પ્રતિનિધિત્વ આપનારા અમે જ છીએ?
નવરાત્રિ પ્રારંભે નેતાઓએ વિવિધ જગ્યાએ હાજરી આપવાની હોય છે. આવી હાજરીમાંથી વહેલા નીકળીને પરોઢિયા સુધી બેઠક ચાલે ત્યારે મુદ્દો મહત્ત્વનો હોય એટલું સમજવું પડે. નવી સરકાર બને ત્યારે સિનિયર અને અનિવાર્ય નેતાઓને પ્રધાન તરીકે લઈ લેવામાં આવે. એકાદ વર્ષ કે અનુકૂળતા પ્રમાણે પ્રધાનમંડળનું વિસ્તરણ થાય ત્યારે જ્ઞાતિવાર, પ્રદેશવાર અને જૂથવાર પ્રધાનો ઉમેરવામાં આવે. એક જમાનામાં જમ્બો કેબિનેટ બનતી હતી. માગે તેને મિનિસ્ટ્રી મળે એટલે કાયદો કરવો પડ્યો. 15 ટકાથી વધારે સભ્યોને પ્રધાન બનાવી શકાય નહીં. 182માંથી 28થી વધારે પ્રધાનો બનાવી શકાય નહીં. પરંતુ હવે એવો તબક્કો આવ્યો કે 28માંથી પણ 8થી 10 જગ્યાઓ ખાલી રાખી દેવાની. એની વે, મુદ્દો એ છે કે ગુજરાત સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે કે કેમ તે ચર્ચાના કેન્દ્રમાં છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી આંતરિક હલચલ ચાલી રહી છે. પત્ર, કવિતા, પોસ્ટ અને પોસ્ટરો આવતા રહ્યા છે અને જૂથબંધી ઘટવાને બદલે વધી છે તે જાણનારા જાણે છે. આ પરંપરા આગળ વધે તો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ નાહકની ચર્ચા જાગે.
બીજી વાત પણ કરી લઈએ કે માત્ર અંસતોષને કારણે ફેરફારો થાય તેવું પણ જરૂરી નથી. લોકસભા માટેની તૈયારીઓ અગાઉથી થતી હોય છે અને હવે મહિનાઓ જ રહ્યા છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે પણ ફેરફારો થઈ શકે. બિલકુલ થઈ શકે. ખાલી મંત્રાલયોમાં પ્રધાનો આવી જાય, બોર્ડ અને નિગમોમાં નિમણૂક થઈ જાય તે સાથે આગામી ચૂંટણી માટે બેઠકો અનુસાર ગોઠવણ પણ પૂરી થઈ જાય. છેલ્લી બે મુદતથી 26માંથી 26 બેઠકો મળી છે. ત્રીજી વાર ક્લિન સ્વીપ કરવાનો પડકાર પાર પાડવો જરૂરી છે. અન્ય રાજ્યોમાં સ્થિતિ વકરી રહી છે અને બેઠકો કેટલી ઘટી રહી છે તેની ગણતરી કરવાની હોય ત્યારે ગુજરાતને પહેલાં પાકું કરી લેવું પડે. એટલે તે તૈયારીના ભાગરૂપે પણ જ્ઞાતિ ગણિત અનુસાર પ્રધાનો બનાવવામાં આવે અને ચેરમેનો પણ બને તે શક્ય છે.
પરંતુ આ કાર્ય એક કે બે મહિના પહેલાં થઈ શક્યું હોત. અથવા તો એક કે બે મહિના પછી થઈ શકે. પાંચ રાજ્યોની ચૂંટણી પછી થઈ શકે. આ ચૂંટણીઓનું જાહેરનામું બહાર પડી ગયું છે અને ટિકિટોનું વિતરણ પૂર્ણ કરીને પ્રચારનો મારો ચલાવવાનો છે, ત્યારે ગુજરાત જેવા મહત્વના રાજ્યોમાં મોટા ફેરફારો લોજિકલ લાગતા નથી. એટલે ફેરફારો કરવાના જ હોય તો એવી રીતે થાય કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં તે ચૂંટણીના સંદેશમાં સારરૂપ લાગે.
એથી જ એક શક્યતા એ છે કે ગુજરાતમાં પ્રધાનમંડળમાં ફેરફાર થશે અને બોર્ડ નિગમોની નિમણૂકોની યાદી પણ તૈયાર થઈ જશે. કદાચ તૈયાર થઈ ગઈ છે અને તેમાં ગૂંચ હોય તે ઉકેલવા માટે જ મધરાતની મિટિંગ મળી હશે. એક તાકિદ આવી હશે કે આ પ્રકરણને હવે પૂરું કરીને આખરી નિર્ણય લેવાનો છે. પ્રધાનમંડળનું વિસ્તરણ થવાનું હોય ત્યારે ફેરફાર પણ થઈ શકે. ખાતા બદલાઈ પણ શકે અને શક્ય છે કે એક કે બે પ્રધાનોને પડતાં પણ મૂકવામાં આવે. સુરતમાંથી પૂર્ણષ મોદી કે ભાવનગરથી જીતુભાઈ વાઘાણી જેવા કેટલાકને ફરીથી યાદ કરવામાં આવે એટલે બેલેન્સિંગ પણ થાય. નવા ઓબીસી નેતાઓને તક મળે તો એક નવો મેસેજ ચૂંટણીઓ માટે તૈયાર થઈ શકે છે.
મહિલા અનામત બિલ પ્રચારનો એક મુદ્દો બનવાનું હતું તેવું લાગતું હતું, પણ તેમાં એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. વાત મહિલાને પ્રતિનિધિત્વ આપવાની કરવાની અને ટિકિટો આપવાની નહીં? કાયદો કરીને જ ટિકિટ આપવાની? ઈરાદો હોય તો અત્યારથી જ 33 ટકા ટિકિટો આપી દો. પણ એકેય પક્ષ, રાષ્ટ્રીય કે પ્રાદેશિક એકેય પક્ષ આ વખતે મહિલાઓને વધારે ટિકિટ આપવાના નથી ત્યારે તેનો પ્રચાર થાય તેમ નથી. મહિલા અનામત સાથે એક મુદ્દો અનિવાર્યપણે જોડાઈ ગયો તે ઓબીસીને પ્રતિનિધિત્વનો છે. બિહારમાંથી જ્ઞાતિવાર ગણતરીનો મુદ્દો જાગ્યો છે. એ મુદ્દો પણ પાંચેય રાજ્યોની ચૂંટણીમાં અગત્યનો બન્યો છે ત્યારે ભાજપે દર્શાવવું જરૂરી છે કે ઓબીસીને પ્રતિનિધિત્વ આપવામાં તે આગળ છે. છેલ્લા બે દાયકામાં ભાજપને મળતા ઓબીસીના મતોની ટકાવારી સતત વધી રહી છે. તેની સામે પ્રતિનિધિત્વ કેટલું? ઓબીસીની 3300થી વધારે જ્ઞાતિઓ છે. તેમાંથી પેટા જ્ઞાતિ બાદ કરો તોય મુખ્ય જ્ઞાતિઓ 300 થાય. પ્રધાનો કેટલા? માત્ર 26. સચિવ કેટલા?
માત્ર આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં નહીં, પણ લોકસભાની ચૂંટણીમાં પણ કદાચ સર્વ જન સમુદાયોને પ્રતિનિધિત્વનો મુદ્દો મુખ્ય બનવાનો હોય ત્યારે તેના માટે નક્કર પગલાં લેવાં જરૂરી બન્યા છે. એક રીતે જૂનાની જગ્યાએ નવાને તક આપવાની વાત છે. આ જૂના સામે નવામાં જૂથબંધીની વાત પણ આવી જાય. ગુજરાતમાં જૂના પ્રધાનોની જગ્યાએ નવાને પ્રધાનો બનાવાયા છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ થઈ રહ્યું છે. તેથી હવે વર્ગીય ધોરણે જૂના સામે નવાનો મેસેજ આપવા માટે ગુજરાતમાં કંઈક નવાજૂની થઈ શકે છે.