રંગઉપવન સહિતની પાંચથી વધુ સોસાયટીના લોકો માટે ગુજરી બજારનો ત્રાસ
લત્તાવાસીઓની અનેક વખતની રજુઆતો રાજકારણીઓ અને અધિકારીઓના બહેરા કાને સંભળાતી નથી
ટૂંક સમયમાં આંદોલન અને કાનૂની લડતના મંડાણ કરવા લત્તાવાસીઓ સજ્જ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રૈયા રોડ પર મઢી ચોકથી છોટુનગર તરફ જતા રસ્તા પર મુખ્ય ચોકમાં જ ગેરકાયદેસર રીતે ભંગાર બજાર ઉભી કરી દેવામા આવી છે. દબાણ હટાવવા મનપાનો સ્ટાફ જાય એટલે વાતાવારણ તંગ બની જવાનું કાયમી થઇ ગયું છે. અહીં ભરાતી ભંગાર બજારમાં ઉભા રહેતા અમુક શખ્સો દેશવિરોધી પ્રવૃતિ કરતા હોવાની પણ એક સ્ફોટક માહિતી સામે આવી છે. અહીં નજીકમાં જ આવેલી ઝૂપડપટ્ટી અને સ્લમ ઉપરાંત લઘુમતિ વિસ્તારમાં દારૂ તો ઠીક પણ ડ્રગ્સના વેંચાણનું એક મોટુ નેટવર્ક ચાલતુ હોવાની ચોંકાવનારી હકિકત સામે આવી છે. આમતો 3૬૫ દિવસ મેઇન રોડ પર જ અહીં ભંગાર બજાર ભરાય છે. પણ રવિવારે તો મઢી ચોકથી છેક છોટુનગર ઝૂપડપટ્ટી સુધી રોડની બન્ને બાજુએ ભંગારના પાથરણા એ હદે થઇ જાય છે કે, ફોર વ્હીલની વાત તો દૂર રહી, ટુ વ્હીલચાલકને નીકળવુ હોય તો પણ પરસેવો છૂટી જાય છે. એમાયે જો કોઇ ભંગારવાળા સાથે અથડાય તો માથાકૂટનો પાર રહેતો નથી. ક્યારેક તો માથાભારે ભંગારવાળો હાથાપાઇ કરવા ઉતરી આવે છે. વર્ષોની આ કાયમી હાલત છે. મઢી ચોક આસપાસ રંગઉપવન સહિતની સોસાયટીઓના રહેવાસીઓ ત્રાસી ગયા છે.
દારૂ, જુગાર, ગુંડાગીરી અને ડ્રગ્સ સહિતના દુષણને કારણે અહીં દેશ વિરોધી પ્રવૃતિને મોકળું મેદાન મળતું હોવાની શંકા છે. થોડા સમય પહેલા જ અહીંની નજીકના વિસ્તારમાંથી આઇએસઆઇએસના ત્રાસવાદીઓ ઝડપાયા હતાં. તંત્ર અને આ વિસ્તારના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ સહિતના અધિકારીઓ તથા ટ્રાફિક પોલીસ અને આ વિસ્તારના પોલીસ સ્ટેશનની નિષ્ક્રિયતાને કારણે કયારેક આ વિસ્તારમાંથી મોટી ગુનાખોરી નીકળી પડે અને આતંકવાદી કનેકશન પણ નીકળી પડે તેવી આ વિસ્તારના લોકોને દહેશત છે.
મ્યુનિ.કમિશનર અને પોલીસ કમિશનરને રવિવારે ભંગાર બજારની મુલાકાત લેવા લત્તાવાસીઓની અપીલ
આમતો 3૬૫ દિવસ ભંગાર બજારનું ન્યુસન્સ મઢી ચોકથી છોટુનગર ઝૂપડપટ્ટી સુધી હોય છે પરંતુ રવિવારે તો અહીં ભંગારનો મેળો ભરાય છે. જાહેર રોડ પરના આ દુષણથી આસપાસની સોસાયટીઓના રહેવાસીઓની હાલત શું થતી હશે? એ પ્રત્યક્ષ અનુભવ કરવા માટે સોસાયટીના આગેવાનોએ મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને પોલીસ કમિશનર રાજુ ભાગર્વને રવિવારે આ ભંગાર બજારની મુલાકાત લેવા લત્તાવાસીઓએ અપીલ કરી છે. અહીંયા નર્કાગારથી પરિસ્થતિ કમ નથી તેવો આ વિસ્તારના લોકો બળાપો કાઢી રહ્યા છે.
ભંગારિયાઓ માથાભારે : મનપાને પણ છોડતા નથી, અનેકવખત હુમલા કરી ચુકયા છે
છોટુનગરમાં ભંગાર બજારનું દુષણ કાયમી બની ગયું છે. આસપાસની સોસાયટીના રહેવાસીઓને ત્યાંથી નીકળવુ દુષ્કર બની ગયું છે. બેફામ અપશબ્દો, યુવતીઓની છેડતી સહિતનું દુષણ ભંગારના ફેરિયાઓ કરી રહ્યા છે. જો કોઇ ટપારવા જાય એટલે બધા ભંગારિયા ભેગા થઇને મારપીટ કરવા લાગે છે. મનપાના સ્ટાફને પણ છોડતા નથી. જ્યારે જ્યારે મનપાની જગ્યા રોકાણ શાખા દબાણ હટાવ કામગીરી કરવા જાય ત્યાંરે પણ ધર્ષણ થાય જ છે. આ અગાઉ દબાણ દૂર કરવા ગયેલા જગ્યા રોકાણ શાખાના સ્ટાફ ઉપર ચારેબાજુથી પથ્થરમારો કર્યો હતો. જેમા મનપાની વીજીલન્સ બ્રાન્ચના બે જવાન અને એસ્ટેટ શાખાના ડ્રાઇવરને ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડવા પડ્યાં હતાં.
આસપાસની સોસાયટીઓના રહેવાસીઓએ હીજરત કરવી પડે તેવી સ્થિતિ
હનુમાન મઢી ચોક આસપાસ રહેતી સોસાયટીઓના રહેવાસીઓ ભંગારબજારમાં બેસતા માથાભારે તત્વોથી એ હદે ત્રાસી ગયા છે કે, લોકો અહીંથી હીજરત કરવા મજબૂર થયા છે. હજુ થોડા દિવસ પહેલા જ રંગ ઉપવન સોસાયટીના મહિલાઓએ ભંગાર બજાર અને છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતા અમુક દારૂડિયા શખ્સોના ત્રાસથી આંદોલન છેડ્યુ હતુ.