હનુમાનજી `રામચરિત માનસ’ના પંચપ્રાણના રક્ષક છે. ભરત, સીતા, લક્ષ્મણ, રીંછ અને વાનર તથા સુગ્રીવ; એ પાંચેયના પ્રાણની રક્ષા જો કોઈએ કરી હોય તો `માનસ’ના હનુમાને કરી છે. બીજું, શ્રી હનુમાનજી પંચધર્મા છે. ત્રીજું, મારી અને તમારી માફક સમગ્ર પ્રપંચ, સમગ્ર બ્રહ્માંડ પંચતત્ત્વ સંયુક્ત છે એટલા માટે હનુમાનજી પંચભૂતમય છે. પંચપ્રાણના રક્ષક છે; પંચધર્મા છે. `માનસ’ના પંચધર્મા આ હનુમાન છે.
પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા,
પર નિંદા સમ અઘ ન ગરીસા.
`માનસ’કાર કહે છે કે દુનિયામાં આ પરમ ધર્મ જો કોઈ હોય તો તે અહિંસા છે. હનુમાનજી અહિંસાધર્મા છે. હું સમજી શકું છું કે તમારા મનમાં ગરબડ થશે કે હનુમાને તો આટલા બધાને માર્યા છે! અભિયાનની શરૂઆતમાં એમણે સિંહિકાને મારી. લંકાપ્રવેશ વખતે એમણે લંકિની પર મુષ્ટિપ્રહાર કર્યો. અશોકવાટિકામાં અક્ષયકુમારને તો નિર્વાણ જ આપી દીધું! અને લંકાના રણયુદ્ધમાં તો તમે જાણો છો કે હનુમાને કેટલાયને માર્યા! તો પછી હનુમાન અહિંસાધર્મા કેવી રીતે? એવું હું કેવી રીતે કહી શકું? જે લોકો ખૂબ જ હિંસા કરતા હતા એ વધારે હિંસા ન કરે એટલા માટે બદનામી વહોરીને પણ એમણે કોઈ-કોઈને માર્યા. જો એમને ન માર્યા હોત તો અસંખ્ય હિંસા થઈ જાત. ગોસ્વામીજી કહે છે, સમાજની હિંસા અટકવી જોઈએ. અંદરથી હનુમાન અહિંસાધર્મા છે. હનુમાનજીનો બીજો ધર્મ `માનસ’નો
આગમ નિગમ પ્રસિદ્ધ પુરાના,
સેવા ધરમુ કઠિન જગુ જાના.
તુલસી કહે છે, સેવાનો ધર્મ અત્યંત કઠિન છે. હનુમાનજીએ જે સેવા કરી છે અને નિરંતર પ્રાણવાયુના રૂપમાં આપણા સૌની જે સેવા કરી રહ્યા છે હવાના રૂપમાં, એટલા માટે સેવાધર્મ. ત્રીજા ધર્મ `માનસ’નો
ધરમુ ન દૂસર સત્ય સમાના,
આગમ નિગમ પુરાન બખાના.
હનુમાનજી સત્યધર્મા છે. `હેમશૈલાભદેહં’ સો ટચનું સોનું છે. એમના સત્યધર્મા પ્રત્યે કોઈ આંગળી ઉઠાવી શકે તેમ નથી. એક ધર્મની વ્યાખ્યા છે. `માનસ’માં, જે ચોથો ધર્મ છે, `ધર્મ કિ દયા સરિસ હરિજાના.’ દયા સમાન કોઈ ધર્મ નથી. અમારે ત્યાં લોકો કહે છે,
દયા ધરમ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન,
તુલસી દયા ન છોડીએ
જબ લગ ઘટ મેં પ્રાન.
હનુમાનજી દયાનિધાન છે. કેવા દયામૂર્તિ છે હનુમાન! અને `પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ.’ પરહિત માટે તારો અવતાર છે અને પર એટલે પરમ. `રાજ કાજ લગિ તવ અવતારા.’ જે પરમ તત્ત્વ છે એના માટે તારો અવતાર છે અને એટલે તું ઊતર. હનુમાનજી પંચપ્રાણના રક્ષક, પંચધર્મા, પંચભૂતમય અને પંચમુખ શંકરના અવતાર છે. પંચમુખ છે હનુમાન અને હનુમાનજી પંચપાવિત્ર્ય છે. હનુમાનજી આમ તો પવિત્ર જ પવિત્ર છે. અખંડ બ્રહ્મચર્યની શુદ્ધ મૂર્તિ એટલે પરમ પવિત્ર. અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ શુદ્ધ સંકલ્પ પ્રતિમા. હનુમાનજી પંચપાવિત્ર્ય ધારણ કરે છે. એક દેહપાવિત્ર્ય, દેહની પવિત્રતા. સુવર્ણ; સો ટચનું સુવર્ણ શુદ્ધ માનવામાં આવે છે અને `હેમશૈલાભદેહં.’ એ સુવર્ણદેહ છે એટલે દેહપાવિત્ર્ય. એમની સેવાકાઈ, રામના અંગી સમજીને એમણે સૌની સેવા કરી, પરંતુ એમના દેહને ઝૂકવાનું મૂળ કેન્દ્ર કેવળ રામ. મહામોહ, બાકી અંગ બનીને સેવા કરી. આ પરમાત્માનાં જ બધાં અંગ છે. એમની સેવા તો હનુમાને વાયુરૂપે કરી, પરંતુ મુખ્યત્વે એ રામકિંકર રહ્યા. એમનું દેહપાવિત્ર્ય; એમનો દેહ આમતેમ ન ગયો. બીજું હનુમાનજીનું દિલપાવિત્ર્ય. દિલપાવિત્ર્યનો અર્થ શું? આપણા હૃદયમાંથી જેટલી માત્રામાં અવગુણ નીકળી જાય એટલું દિલ વધારે પવિત્ર થતું જાય છે.
અતુલિતબલધામં હૈમશૈલાભદેહં
દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્
સકલગુણનિધાનં વાનરાણામધીશં
રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ.
જાનકીજીને લંકામાં જ્યારે હનુમાનજીએ ખબર આપી કે રાવણકુળનો વિનાશ થઈ ચૂક્યો છે. અનુજ સહિત રાઘવ કુશળ છે. ત્યારે જાનકીજીએ હનુમાનજીને કહ્યું,
સુનુ સુત સદગુન સકલ
તવ હૃદયં બસહું હનુમંત.
એટલા માટે હનુમાન દિલપાવિત્ર્યના પ્રતીક છે. ત્રીજું, હનુમાનજી દિમાગ પાવિત્ર્ય ધારણ કરી રહ્યા છે. એમના વિચાર જુઓ! સુવિચાર, શુભ વિચાર અને સદ્વિચાર ત્રણેયના તેઓ ઉપાસક છે. સુવિચાર કોને કહેવાય? સદ્વિચાર કોને કહેવાય? શુભ વિચાર કોને કહેવાય? એની વ્યાખ્યામાં જવું નથી, પરંતુ હનુમાનજીમાં દિમાગ પાવિત્ર્ય છે અને મને ખૂબ જ સારું લાગે છે કે હનુમાનજીએ ચોથું પાવિત્ર્ય ધારણ કર્યું છે દર્દપાવિત્ર્ય. પીડાની પવિત્રતા એ બહુ જ આવશ્યક છે. પીડિત તો આપણે બધા જ છીએ, પરંતુ પવિત્ર પીડા કોણે અનુભવી છે? બીજા સાથે કોઈ નાતો ન હોય અને એ પીડિત હોય ત્યારે દર્દ અનુભવાય એ દર્દપાવિત્ર્ય છે. મા જાનકી અશોકવૃક્ષ નીચે રડી રહ્યાં હતાં અને જ્યારે તેઓ મરવાની અણી પર હતાં ત્યારે હનુમાનજી મહારાજ સીતાજીનાં દુ:ખને સહન ન કરી શક્યાં. એકદમ દુ:ખી થઈ ગયા. એ દર્દપાવિત્ર્ય છે અને પાંચમું પાવિત્ર્ય છે દવાપાવિત્ર્ય. ઔષધિની પવિત્રતા; જે હનુમાનજી પાસે હતી. આ દ્રોણાચલ પર્વત, એમાં ઔષધિ છે સંજીવની. એ પર્વત વર્ષોથી ત્યાં છે. આજુબાજુવાળા લોકોને ખબર નહીં પડી હોય કે આમાં સંજીવની છે? આજુબાજુવાળા તો મરતા જ રહ્યા! અથવા તો કોઈ વૈદ ન મળ્યા? વૈદ પણ ત્યાં તો હશે કે ભાઈ, આટલી ઔષધી છે અહીં. એનો ઉપયોગ કરો તો કોઈ મરે નહીં, પરંતુ ઔષધી પણ કોઈ એવા હાથે આપવામાં આવે છે ત્યારે એ દવાપાવિત્ર્યનું કામ કરે છે.
લાય સજીવન લખન જિયાયે,
શ્રીરઘુબીર હરષિ ઉર લાયે.
તો હનુમાનજી પંચપ્રાણરક્ષક, પંચધર્મા, પંચભૂતમય, પંચમુખ અને પંચપાવિત્ર્ય છે, એવું ગુરુકૃપાથી મને સમજાયું છે.